રાજકોટ જિલ્લામાં 6 કેસોમાં લેન્ડ ગ્રેબિંગ એકટ હેઠળ કાર્યવાહી કરવાનો આદેશ

કલેકટરના અઘ્યક્ષસ્થાને લેન્ડ ગ્રેબિંગ કમિટીની બેઠક મળી: 34 કેસો મુકાયા

રાજકોટ જિલ્લા મેજીસ્ટ્રેટ અને કલેકટર અરુણ મહેશ બાબુના અધ્યક્ષસ્થાને જિલ્લા લેન્ડ ગ્રેબિંગ કમિટીની બેઠક કલેકટર કચેરી ખાતે યોજાઇ હતી. આ બેઠકમાં રજૂ કરાયેલા  34 કેસો પૈકી રાજકોટ શહેરના 06 અને ગ્રામ્ય વિસ્તારના 00 એમ કુલ 06 કેસમાં સંબંધિતો સામે એફ.આઈ.આર. દાખલ કરવાનો સર્વાનુમતે નિર્ણય લેવામાં આવ્યો હતો. ગુજરાત લેન્ડ ગ્રેબિંગ એક્ટ-2020 અન્વયે રજૂ થયેલ અરજીઓ પર નિર્ણય લેવા માટે યોજાયેલી આ બેઠકમાં અધિકારીઓએ તપાસ અહેવાલ રજૂ કર્યો હતો. જે મુજબ સમિતિ સમક્ષ મુકાયેલા કુલ કેસો પૈકી 19 કેસો દફતરે કરવામાં આવ્યા હતા. તથા 9 કેસો પેન્ડિંગ રાખવામાં આવ્યા હતા.

આ બેઠકમા જિલ્લા વિકાસ અધિકારી દેવ ચૌધરી, અધિક નિવાસી કલેકટર કે.બી. ઠક્કર,  ડી.સી.પી.શ્રી સજ્જન સિંહ પરમાર, એસ. પી. જયપાલસિંહ રાઠૌર, પ્રાંત અધિકારીઓ સર્વે સંદિપ વર્મા, સૂરજ સુથાર, કે. જી.ચૌધરી, વિવેક ટાંક,  જે.એન. લિખિયા, રાજેશ આલ, તેમજ વરીષ્ઠ પોલીસ અધિકારીઓ અને સંબંધિત અન્ય અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

મોટા મવાની કરોડોની કિંમતની જમીન અંગે મહિલા સહિત પાંચ સામે લેન્ડ ગ્રેબિંગનો નોંધાતો ગુનો

અમેરિકા સ્થિત વૃધ્ધના બદલે ડમી વ્યક્તિએ રજીસ્ટર ઓફિસમાં હાજર રહી ખોટી સહી કરી જમીનના બોગસ દસ્તાવેજ બનાવી બારોબાર વેચી નાખી કૌભાંડ આચયુ

ભૂ માફિયા સામે કડક કાર્યવાહી માટે સરકાર દ્વારા ગુજરાત જમીન પચાવી પાડવા પર પ્રતિબંધ અધિનિયમ 2020માં કાયદો અમલમાં લાવવામાં આવ્યા બાદ અનેક જમીન કૌભાંડો પ્રકાસમાં આવી રહ્યા છે. અમેરિકા સ્થિત વયો વૃધ્ધની મોટા મવા ખાતેની કરોડોની કિંમતની જમીનના બોગસ દસ્તાવેજ બનાવી બારોબાર વેચાણ કરી નાખ્યા અંગેની જિલ્લા કલેકટરના આદેશના પગલે તાલુકા પોલીસમાં ફરિયાદ નોંધાઇ છે.

આ અંગેની પોલીસમાંથી પ્રાપ્ત વિગત મુજબ મુંબઇના તાળદેવ રોડ પર મણીયાર બિલ્ડીંગમાં રહેતા અને વર્ષોથી અમેરિકા ખાતે સ્થાયી થયેલા અરવિંદભાઇ હરીલાલ ગાંધીએ રાજકોટના કેવડાવાડીમાં રહેતા સંજય ઉર્ફે લાલો ધનાભાઇ પાલીયા, રૈયાધાર પર શાંતિનગરમાં રહેતા હરી મનુ, તેના પાડોશી હિતેસ ઉર્ફે પ્રકાશ છોટાલાલ દવે, સંજયનગરના પ્રશાંત હસમુખ નિર્મળ અને કેશોદના એરપોર્ટ પાસે રહેતા લાભુબેન પ્રવિણભાઇ ચૌહાણ સામે તાલુકા પોલીસમાં લેન્ડ ગ્રેબીંગ અંગે ફરિયાદ નોંધાવતા એસીપી બી.જે.ચૌધરી સહિતના સ્ટાફે તપાસ હાથધરી છે.

અરવિંદભાઇ ગાંધીએ 25-3-1988માં ભુસાભાઇ ધરશીભાઇ કોરાટ પાસેથી મોટા મવા સર્વે નંબર 65ની પ્લોટ નંબર 87નો 200 વારનો પ્લોટ ખરીદ કયો4 હતો. આ પ્લોટનું વેચાણ કરવા માટે 2017માં એસ્ટેટ બ્રોકર જીતુભાઇ શેઠને વાત કરી હતી તેઓએ પ્લોટ અંગે તપાસ કરતા તા.12-5-15ના રોજ સંજય ધના પાલીયાએ હરી મનુ નામના ડમી વ્યક્તિને સબ રજીસ્ટર કચેરીએ હાજર રાખી હરી મનુએ અરવિંદભાઇ ગાંધી નામ ધારણ કરી વેચાણ દસ્તાવેજ કરાવી લીધાનું અને હરી મનુએ અરવિંદભાઇ ગાંધીનું ખોટુ નામ ધારણ કરી બનાવટી સહી કરવાનું જાણવા છતાં પ્રકાશ દવે અને પ્રશાંત નિર્મળે સક્ષી તરીકે ઓળખાણ આપી બોગસ દસ્તાવેજ તૈયાર કર્યો હતો. બોગસ દસ્તાવેજના આધારે સંજય પાલીયાએ તા.7-9-2016માં  કેશોદના લાભુબેન ચૌહાણને રુા.28 લાખમાં વેચાણ દસ્તાવેજ કરી આપ્યો હતો.અરવિંદભાઇ ગાંધી આ સમય દરમિયાન અમેરિકા હોવા છતાં તેમની રાજકોટમાં હાજરી બતાવી તેમનું ખોટુ નામ ધારણ કરી બોગસ દસ્તાવેજ બનાવી બારોબાર વેચાણ કર્યાનું ફરિયાદમાં જણાવ્યું છે.