ધ્રાંગધ્રાના ખેડૂતે ઉગાડી ઓર્ગેનિક ખારેક : મબલખ ઉત્પાદન થશે

કૃષિ અને ઋષિની સંસ્કૃતિ ધરાવતા ભારત વર્ષના ધરતીપુત્રો સુખી – સમૃધ્ધ બને તથા ખેતી અને ખેડૂતની આર્થિક સમૃધ્ધિમાં વધારો થાય અને કૃષિ આધારિત અર્થતંત્રને નવું બળ મળે તે માટે વડાપ્રધાનએ દેશના ખેડૂતોની આવક બમણી કરવાનો સંકલ્પ કર્યો છે. વડાપ્રધાનના આ સંકલ્પને પૂર્ણ કરવા ગુજરાત સરકારે કટીબધ્ધતા સાથે કાર્ય આરંભ્યું, જેના પરિણામે ગુજરાતના ખેડૂતો સરકારની વિવિધ યોજનાઓનો લાભ લઈ આર્થિક રીતે સમૃધ્ધિની દિશામાં આગળ વધી રહયાં છે.

રાજય સરકારની કૃષિલક્ષી વિવિધ યોજનાઓ અને લોકજાગૃતિના કાર્યક્રમોના કારણે ખેડૂતોમાં જાગૃતિ આવી છે, અને જગતના તાત હવે ચીલા ચાલુ ખેત પધ્ધતિમાંથી બહાર આવી, વૈજ્ઞાનિક પધ્ધતિ સાથેની ખેતી અપનાવી, બાગાયતી પાકોના વાવેતર થકી મબલખ કમાણી કરી રહયા છે. આ ખેડૂત પૈકીના એક પ્રગતિશિલ ખેડૂત એટલે ધ્રાંગધ્રાના મહેશભાઈ સોલંકી.

મહેશભાઈએ 2015ના વર્ષમાં તેમણે ઈઝરાઈલથી એક છોડના રૂપિયા 3650ના ભાવે 400 જેટલા છોડ મંગાવી તેમની જમીનમાં રોપ્યા. તે વખતે તેમને ટીસ્યુ કલ્ચર ખારેકના વાવેતર પાછળ અંદાજીત નવેક લાખ રૂપિયાનો ખર્ચ થયો હતો. 2015ના વર્ષથી ઓર્ગેનિક ખારેકના ઉત્પાદનથી શરૂ કરેલ સફરની ગાથા વર્ણાવતા મહેશભાઈ કહે છે કે, તે વખતે મને બાગાયત વિભાગના અધિકારીઓનું સતત માર્ગદર્શન મળતું રહયું. સાથો – સાથ બાગાયત વિભાગની યોજનાનો લાભ પણ મને મળ્યો, જેના કારણે મને આર્થિક ફાયદો થયો.

ઓર્ગેનિક ઉત્પાદન માટે મને જરૂર હતી ગૌમૂત્ર અને છાણની. આ માટે મે શરૂઆતમાં બે ગાય લીધી અને ત્યારબાદ ક્રમશ: તેમાં વધારો થતાં હાલમાં મારી પાસે નાની મોટી થઈ 15 થી વધુ ગાયો છે. ઉત્પાદન શરૂ થયા બાદ પ્રથમ વર્ષે એટલે કે, 2018ના વર્ષમાં ખર્ચ કાઢતા મને રૂપિયા 6 થી 7 લાખનો ફાયદો થયો છે. 2019ના વર્ષમાં ખારેકનું 25 ટન જેટલું ઉત્પાદન થયું હતુ. તેની સામે 2020ના વર્ષમાં 40 ટન જેટલા ખારેકના ઉત્પાદનની સામે રૂપિયા 17 થી 18 લાખની આવક મને થઈ હતી. આ વર્ષે પણ મને 80 ટન જેટલા ઉત્પાદનની સામે રૂપિયા 25 થી 26 લાખની આવક થવાનો અંદાજ છે.

રાજય સરકારની કટીબધ્ધતા, બાગાયત વિભાગના અધિકારીઓની કાર્યનિષ્ઠા અને ખેડૂતોની બાગાયત પાકોના વાવેતરની પ્રતિબધ્ધતાનું ખૂબ જ સારૂ પરિણામ આજે ઝાલાવાડની ધરા ઉપર જોવા મળી રહયું છે. આજે અહિંના ખેડૂતોને પિયત માટે નર્મદાના નીર અને સરકારની કૃષિ સમૃધ્ધિ માટેની યોજનાઓનો લાભ મળતા ઝાલાવાડની ખેતી અને ખેડૂત સમૃધ્ધિની દિશામાં મકકમતા સાથે આગળ વધી રહયા છે.