- શહેરમાં વધુ એક સમૂહલગ્નના આયોજકો વિવાદમાં સપડાયા
- અસલીના બદલે નકલી સોનાના દાગીના અપાયાનો આક્ષેપ
- ઉદ્યોગપતિ પીન્ટુ પટેલ અને વિક્રમ સોરાણી દ્વારા કરવામાં આવ્યું હતું આયોજન
રાજકોટમાં તાજેતરમાં એક સમૂહલગ્નનું આયોજન કરવામાં આવ્યું હતું. જોકે આ સમૂહલગ્ન સમારોહ વિવાદમાં સપડાયો છે. તેમજ અસલીના બદલે નકલી દાગીના આપવામાં આવ્યા હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે. ત્યારે બીજી તરફ આયોજક દ્વારા જણાવવામાં આવ્યું છે કે, મોટાભાગની વસ્તુઓ દાતાઓ દ્વારા આપવામાં આવી છે. અમારા તરફથી કોઇ નકલી વસ્તુ અપાઇ નથી. તેમ છતાં જો નકલી દાગીના આપવામાં આવ્યા હોય તો ઓફિસે પરત કરી શકે છે.
27 એપ્રિલે રાજકોટમાં 555 દીકરીઓના સમૂહ લગ્ન યોજાયા હતા. પરંતુ આ સમૂહ લગ્નમાં દાતાઓએ દીકરીઓને કરિયાવરમાં અસલીના બદલે નકલી સોનું આપ્યું હોવાના આક્ષેપો કરવામાં આવ્યા છે. સુરેન્દ્રનગરના લખતરના પરિવારે કુવાડવા પોલીસ સ્ટેશનમાં અરજી દાખલ કરાવી હતી. આ મામલે સમૂહ લગ્નના આયોજક વિક્રમ સુરાણીએ સોશિયલ મીડિયામાં એક વીડિયો મુક્યો અને અપીલ કરી હતી કે દીકરીઓને દાતાઓ તરફથી ઘરેણા આપવામાં આવ્યા હતા. જો કોઈને પણ નકલી ઘરેણા આવ્યા હોય તો તેઓ પરત કરે અમે માફી માંગીએ છીએ. આ ઉપરાંત બીજી વખત આવું ન થાય તે માટે લિમિટેડ દીકરીઓના સમૂહ લગ્ન કરાવીશું.
સુરેન્દ્રનગરના પરિવારે જ્વેલર્સ પાસે દાગીના ચેક કરાવ્યાં
આ સમગ્ર પ્રકરણ ત્યારે પ્રકાશમાં આવ્યું જ્યારે સમૂહલગ્નમાં ભાગ લેનારા એક પરિવારની દીકરીએ સુરેન્દ્રનગર ખાતે પોલીસ સમક્ષ છેતરપિંડી અંગે અરજી દાખલ કરી. તેમજ આ પીડિત પરિવારે જણાવ્યું કે, લગ્ન બાદ જ્યારે તેઓને આપવામાં આવેલા સોનાના દાગીનાની ચકાસણી કરવામાં આવી ત્યારે તે નકલી હોવાનું જાણવા મળ્યું છે. તેમજ આ ખુલાસાથી પરિવાર આઘાતમાં સરી પડ્યો હતો અને તેમણે તાત્કાલિક પોલીસનો સંપર્ક કરી આયોજકો સામે કાર્યવાહી કરવાની માંગ કરી છે. આ ઘટનાની ગંભીરતાને ધ્યાનમાં લેતા પોલીસ દ્વારા તપાસ શરૂ કરવામાં આવી છે.
માત્ર એક ચૂક જ સોનાની અપાઈ હતીઃ વિક્રમ સોરાણી
મળતી માહિતી અનુસાર, આ અંગે સર્વજ્ઞાતિ સમુહલગ્નના આયોજક અને શિવાજી સેનાના પ્રમુખ વિક્રમ સોરાણીએ જણાવ્યું હતું કે, તેઓ દ્વારા નહીં પરંતુ દાતાઓ દ્વારા દીકરીઓને દાગીના સહિત અન્ય વસ્તુઓ ભેટ સ્વરૂપે આપવામાં આવી હતી. તેમણે એમ પણ કહ્યું કે, જો કોઈને ભૂલથી ખોટી વસ્તુ આવી ગઈ હશે તો તેઓ તેને બદલી આપવા તૈયાર છે. વિક્રમ સોરાણીએ આ અંગે વધુ સ્પષ્ટતા કરતા જણાવ્યું કે, સમૂહલગ્નમાં સોનાની માત્ર એક ‘ચૂક’ (નાની બુટ્ટી) જ આપવામાં આવી હતી અને અન્ય કોઈ વસ્તુ સોનાની નહોતી. આ ઉપરાંત લગ્નમાં જે લોકો આશીર્વાદ આપવા માટે આવતા હોય છે, તેઓ વર અને કન્યાને પોતાની રીતે ભેટ-સોગાદો આપતા હોય છે. આ સંજોગોમાં જો કોઈને નકલી દાગીના મળ્યા હોય તો તે દાતા દ્વારા આપવામાં આવ્યો હોઈ શકે છે. તેમ છતાં, તેમણે ખાતરી આપી કે જો કોઈ પીડિત પરિવાર તેમની સાથે સંપર્ક કરશે તો તેઓ સોનાની ‘ચૂંક’ બદલી આપવા માટે તૈયાર છે.
પોલીસે તપાસ શરૂ કરી
ઉલ્લેખનીય છે કે, આ ઘટનાએ રાજકોટના સામાજિક વર્તુળોમાં ભારે ચર્ચા જગાવી છે. એક તરફ ગરીબ અને જરૂરિયાતમંદ પરિવારોને સહાયરૂપ થવાના ઉમદા હેતુથી આ સમૂહલગ્નનું આયોજન કરવામાં આવ્યું હતું. ત્યારે બીજી તરફ નકલી દાગીનાના પ્રકરણથી સમગ્ર આયોજનની વિશ્વસનીયતા પર સવાલ ઊભા થયા હોવાના આક્ષેપો કરવામાં આવ્યા છે. તેમજ લોકોમાં એવી ચર્ચા ચાલી રહી છે કે આટલા મોટા પાયે દાન એકત્રિત કર્યા પછી પણ શા માટે નકલી દાગીના આપવામાં આવ્યા? શું દાતાઓએ ખરેખર નકલી દાગીના આપ્યા હતા કે પછી આયોજનમાં કોઈ ગેરરીતિ આચરવામાં આવી હતી? હાલમાં તો પોલીસ દ્વારા પીડિત પરિવારની ફરિયાદના આધારે તપાસ ચાલી રહી છે. પોલીસ આયોજકો અને દાતાઓ સાથે વાતચીત કરીને સત્ય જાણવાનો પ્રયાસ કરી રહી છે. આ ઉપરાંત, સમૂહલગ્નમાં ભાગ લેનારા અન્ય પરિવારો પણ હવે તેમને મળેલા દાગીનાની ચકાસણી કરાવી રહ્યા છે, જેના કારણે આગામી દિવસોમાં વધુ ફરિયાદો સામે આવી શકે છે.