નીઓ ફાઉન્ડેશન દ્વારા ‘સપ્તસંગીતિની અનોખી વર્ચ્યુઅલ પ્રસ્તુતિનું આયોજન

ગુજરાતની કલારસિક જનતાની આતુરતાના અંત સાથે તથા કલાપ્રિય જનતાના શિષ્ટ અને પ્રશિષ્ટ, રસ અને રૂચિને પુષ્ટ કરવાના હેતુથી, તેમજ અનેક સામાજીક અને શૈક્ષણિક પ્રવૃતિઓ માટે હંમેશા અગ્રેસર રહેતી રાજકોટની પ્રતિષ્ઠિત સંસ્થા, નીઓ રાજકોટ ફાઉન્ડેશન દ્વારા સતત પાંચમાં વર્ષે કલા આધારીત રંગા-રંગ મહોત્સવ ’સપ્ત સંગીતિ 2021 કલાસિકલ મ્યુઝિક વર્ચ્યૂઅલ કોન્સર્ટ સીરિઝ નવા રુપરંગ સાથે વર્ચ્યૂઅલ ઓનલાઇન માધ્યમથી પ્રસ્તુત કરવા જઈ રહ્યા છે.

ગત વર્ષે જાન્યુઆરી 2020 માં આયોજીત સપ્ત સંગીતિ કાર્યક્રમની યાદગાર સ્મૃતિઓ હજી શ્રોતાઓ અને દર્શકોના મનમાં જીવંત છે ત્યારે હાલના કોરોના કાળની કપરી પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને આ સંગીત મહોત્સવ શ્રોતાઓ ઓનલાઈન માણી શકે તે માટે નીઓ રાજકોટ ફાઉન્ડેશન દ્વારા વર્ચ્યૂઅલ્ માધ્યમથી કાર્યક્રમના પ્રિમિયર યોજવાની તૈયારીઓ પૂર્ણ થઈ છે. આ વર્ષે નાવિન્યમાં સંસ્થા દ્વારા ભારતભરમાંથી ઉભરતી ચુંટેલી પ્રતિભાઓ કે જેમણે શાસ્ત્રીય સંગીતને સમર્પિત થઈને આ ક્ષેત્રમાં પોતાની કારકિર્દી બનાવી છે.

તેમને શ્રોતાઓ સમક્ષ રજુ કરવાનો, હિંદુસ્તાની શાસ્ત્રીય સંગીતની પરંપરાને જીવંત રાખવાનો તેમજ હાલની પરિસ્થિતિમાં કલાકારોની પ્રત્યક્ષ પ્રસ્તુતિઓ બંધ થઈ જવાથી તેમને થયેલ આર્થિક નુકશાનમાં મદદરુપ થવાનો નમ્ર પ્રયાસ હાથ ધરવામાં આવ્યો છે. જેમાં આગામી રવિવારે તા.13 જુનના રાત્રે 9:00 કલાકે  શાસ્ત્રીય કંઠય સંગીતના કલાકારા શ્રી પ્રિયા પુરુષોથમનનો પ્રિમિયર શો ફેસબુક, ઈન્સ્ટાગ્રામ અને યુટયુબના માધ્યમથી રજૂ થશે.

નીઓ રાજકોટ ફાઉન્ડેશન તેની વિશિષ્ટ પ્રવૃતિઓ જેવી કે, સ્વચ્છતા અભિયાન પ્રયાસઅને વંચિત બાળકોના અભ્યાસને આયોજનબધ્ધ રીતે કારકિર્દીલક્ષી બનાવવાના સફળ પ્રકલ્પો થકી સમાજમાં પ્રતિષ્ઠા પામેલ છે. નીઓ રાજકોટ ફાઉન્ડેશન દ્વારા છેલ્લા કેટલાક વર્ષોથી રાજકોટ મહાનગરપાલીકા સંચાલીત શાળાઓમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ કે જેઓ સ્વનિર્ભર શાળાઓમાં અભ્યાસ કરવા અસક્ષમ હોય તેઓને પ્રાઈવેટ શાળા જેટલી જ સવલતો અને અત્યાધુનિક ટેકનોલોજીના ઉપયોગ સાથે તેમની જ શાળામાં સ્માર્ટ કલાસની સુવિધાઓ પુરી પાડીને તેમના ભવિષ્યને આકાર આપવાનું ઉમદા કાર્ય કરે છે.

આ પ્રવૃતિનો લાભ હાલમાં રાજકોટની 15 થી વધુ શાળાઓમાં અભ્યાસ કરતા 5500 જેટલા વિદ્યાર્થીઓને 25 થી વધારે તાલીમબધ્ધ શિક્ષકો અને તજજ્ઞો દ્વારા આધુનિક સોફ્ટવેર, ઓડીયો-વિઝયુલ લર્નીંગ મટીરીયલ અને 500 જેટલા લેપટોપ કોમ્યુટર દ્વારા મળી રહ્યો છે.  તમામ કાર્યક્રમના નોટીફીકેશન માટે  સપ્ત સંગીતિની યુ-ટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરી  સપ્ત સંગિતીના ફેસબુક પેજ ઉપર અગાઉના વર્ષોમાં યોજાયેલ કાર્યક્રમોના રેકોર્ડિંગ ઉપલબ્ધ છે, જે શ્રોતાઓ કોઈપણ સમયે માણી શકે છે.

આ સઘળા આયોજનમાં સપ્ત સંગીતિની ટીમ દ્વારા જહેમત ઉઠાવવામાં આવી રહી છે. પાછલા ચાર વર્ષની અપ્રતીમ સફળતા પછી આ વર્ષે વર્ચ્યુઅલ ઓનલાઇન પ્રસ્તુતી પણ સંગીતપ્રેમીઓના દિલ જીતી લેશે, તેવો આયોજકોને વિશ્વાસ છે.