Abtak Media Google News

કોરોના લોકડાઉન દરમિયાન હું બે વસ્તુઓ શિખ્યો: એક ઘરે રસોઈ બનાવતા અને બીજુ યુટયુબમાંથી પૈસા કમાતા: કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરી

સોશિયલ મીડિયાનો વાયરલ વાયરસ વાયુવેગે પ્રસરી રહ્યો છે. કહેવાય છે ને કે બુદ્ધમ શરણમ ગચ્છામી…. હાલ એમ બસ સૌ કોઈ બુદ્ધમ શરણમ ગચ્છામી નહિ પરંતુ સોશિયલ મીડિયા શરણમ ગચ્છામી થઈ ગયા છે. એક મિનિટ પણ ફેસબુક, ગૂગલ, યુટ્યુબ કે વોટ્સએપ વગર ચાલતું નથી..!! જો કે આ સોશિયલ મીડિયા પ્લેટફોર્મનો ઉપયોગ સિક્કાની બે બાજુની જેમ છે. સારા અને નરસા એમ બંને પરિણામો છે પરંતુ તે તો આખરે વ્યક્તિ ઉપર જ આધાર રાખે છે કે તે સોશિયલ મીડિયાનો ઉપયોગ કરે છે કે ગેર ઉપયોગ..??

સૌ કોઈ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર વ્યસ્ત છે.જો કે આ વ્યસ્તતા સમયની બરબાદી બની શકે છે તો સામે સમયનું રોકાણ કરી પૈસા રળવાનું પણ માધ્યમ બની શકે છે. ત્યારે આ જ રીતે સોશિયલ મીડિયાનો ભરપૂર લાભ થઈ આપણા એક કેન્દ્રીય મંત્રી દર મહિને રૃપિયા ચાર લાખની કમાણી કરી રહ્યા છે અને તે છે કેન્દ્રીય માર્ગ અને વાહન-વ્યવહાર મંત્રી નિતિન ગડકરી…. તેઓ યુટ્યુબના માધ્યમથી લાખો રૂપિયા કમાય છે. ગઈકાલે તેઓએ ભરૂચમાં દિલ્હી-મુંબઈ એક્સપ્રેસ વે (DME)ના કામમાં થયેલી પ્રગતિની સમીક્ષા કરતા આ વાત જણાવી હતી.

તેમણે કહ્યું હતું કે તેમને યુટ્યુબ પર મુકવામાં આવેલા તેમના લેક્ચરના વીડિયો માટે દર મહિને 4 લાખ રૂપિયા રોયલ્ટી તરીકે મળે છે. તમને જાણીને નવાઈ લાગશે કે મંત્રી નીતિન ગડકરીએ કહ્યું કે તેઓ કોરોના દરમિયાન માસ્ટર સેફ બની ગયા. તેમણે કહ્યું કે કોવિડ-રોગચાળા દરમિયાન મેં બે વસ્તુઓ કરી. એક તો હું ઘરે રસોઈયો બન્યો અને વીડિયો કોન્ફરન્સ દ્વારા લેક્ચર આપવાનું શરૂ કર્યું. મેં 950થી વધુ લેકચર ઓનલાઇન આપ્યા. આમાં વિદેશી યુનિવર્સિટીઓના વિદ્યાર્થીઓને આપવામાં આવેલા વ્યાખ્યાનોનો સમાવેશ થાય છે. તેઓ યુ ટ્યુબ પર અપલોડ કરવામાં આવ્યા હતા. તેણે કહ્યું, યુટ્યુબ ચેનલ પર મારા દર્શકોની સંખ્યામાં ઘણો વધારો થયો છે અને યુટ્યુબ હવે મને દર મહિને ચાર લાખ રૂપિયા રોયલ્ટી તરીકે આપી રહ્યું છે.

કામગીરી અંગે માહિતી આપી  આર્થિક વૃદ્ધિ અને રોજગારી સર્જનની તકો માટે આધુનિક અને ઉચ્ચ ગુણવત્તા રોડ નેટવર્કના મહત્ત્વ પર ભાર મુકતા તેમણે કહ્યું કે ગુજરાતમાં 35,100 કરોડના ખર્ચે 423 કિલોમીટર રોડ બનાવવામાં આવી રહ્યો છે. આ એક્સપ્રેસ વે હેઠળ રાજ્યમાં 60 મોટા પુલ, 17 ઇન્ટરચેન્જ, 17 ફ્લાયઓવર અને આઠ રોડ ઓવર બ્રિજ (ROB) બનાવવામાં આવશે. મંત્રીએ કહ્યું કે આ એક્સપ્રેસ વે પર વિશ્વસ્તરીય પરિવહન સુવિધા પૂરી પાડવા ઉપરાંત, રાજ્યમાં રોજગારીની તકો પેદા કરવા માટે રસ્તાની સુવિધાઓ વગેરે સાથે જોડાયેલા 33 કેન્દ્રો સ્થાપવાનો પણ પ્રસ્તાવ છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.