બાબરા નગર પાલિકા સામે આક્રોશ: બહેનો કેમ બની રણચંડી.?

અબતક- અપ્પુ જોશી, બાબરા

બાબરા રાજકોટ રોડ પર સ્થિત સિધ્ધિ વિનાયક સોસાયટી કે જે વર્ષોથી નગરપાલિકા બધા જ લાભોથી વંચિત છે જેમાં સાફ સફાઈ, લાઇટ સુવિધા અને રોડ રસ્તા ના અનેકો પ્રશ્નો ઘણા સમય થી લેખિત અને મૌખિક સ્વરૂપમાં રજૂ કરાયા પરંતુ તેનું પરિણામના આવતા સોસાયટી ની બધીજ બહેનો એ રણચંડી રૂપ ધારણ કરી પાલિકામાં મોટી સંખ્યા માં હલ્લાં બોલ કર્યું.

ઉલ્લેખનીય છે કે સોસાયટી ના બધાજ રહીશો શિક્ષિત છે અને એક પણ ઘર વેરો ભરવામાં પણ બાકી નથી હોતું તો લાભ કેમ નહિ? એવા પ્રશ્નો સાથે પાલિકાનો ઘેરાવ કર્યો હતો. સોસાયટીની બહેનો દ્વારા જાણવા મળ્યું કે આગામી સમયમાં જો સોસાયટીનું કાર્ય નહી થાય તો પાલિકામાં તાળા બંધી કરવાની પણ તૈયારી બતાવી છે.હાલ સોસાયટીની હાલત ઘણી નાજુક છે. થોડા વરસાદમાં પાણી ભરાય જાય છે, ખાડા પડી જાય છે અને તેમાં બાળકો અને વૃધ્ધોને રોજબરોજ નાની મોટી ઈજા થાય છે.

પાલિકાનો ધેરાવ: પ્રશ્ર્ન હલ નહિ થાય તો તાળા બંધીની ચીમકી

વર્ષોથી બ્લોક રોડની માંગ કરી રહેલ સોસાયટી વેરા ભરવાની બાબતમાં પણ સૌથી વધુ નિયમિત છે તો કેમ આવી વ્હાલા દવલાની નીતિ રાખવામાં આવે છે એ સમજાતું નથી. આવા ઘણા પ્રશ્નો સાથેની અરજી  આપવામાં આવી અને આ અરજી કલેકટર, પ્રાંત અધિકારી સહિતના સૌ સત્તાધીશોને પણ મોકલવામાં આવી છે. પાલિકા દ્વારા જાણવા મળ્યું કે ટૂંક સમય માં સાફસફાઇ અને રોડનું કામ શરૂ થશે આવી મધલાળ વર્ષોથી આપવામાં આવે છે.

આ વખતે પણ આપવામાં આવી છે છતાં સોસાયટી પાલિકા પર વિશ્વાસ ની લાગણી રાખી ને આવી ઈચ્છા વ્યક્ત કરી કે વહેલી તકે બધા કાર્ય પૂર્ણ થાય. બે ચૂંટાયેલા પ્રતિનિધિઓ આ સોસાયટીમાં રહે છે એને પણ અવારનવાર રજુઆત કરી છે પણ એ જાણે કે કુંભકર્ણ નિદ્રામાં હોય એમ કોઈ જવાબ આપતા નથી અને સોસાયટીના હિત માં કશું કરતા નથી કે કરી શકતા નથી એ પણ દુ:ખદ છે.