Abtak Media Google News

રવિવારે યોજાનારી પરીક્ષામાં 10.45 લાખ પરીક્ષાર્થીઓ નોંધાયા હતા વહીવટી કારણોસર હાલ પૂરતી પરીક્ષા મોકૂફ રાખવાનો નિર્ણય

અબતક-અમદાવાદ                                                                                                                 

ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા આયોજીત બિનસચિવાલય ક્લાર્ક અને સચિવાલયના ઓફિસર આસિસ્ટન્ટ વર્ગ-3ની સ્પર્ધાત્મક પરીક્ષા મોકૂફ રાખવાના નિર્ણયને કારણે લાખો વિદ્યાર્થીઓમાં રોષ ભભૂકી ઉઠ્યો છે. ત્રણ દિવસ પહેલાં જ પરીક્ષા મોકૂફ રખાતા વિદ્યાર્થીઓમાં ભારે નારાજગી ફેલાઇ છે. આ પહેલા પણ બે વખત પરીક્ષા મોકૂફ રાખવામાં આવી છે. આ પરીક્ષામાં 10 લાખથી પણ વધુ વિદ્યાર્થીઓ પરીક્ષા આપવાના હતા. બિનસચિવાલય, કારકૂન અને ઓફિસ આસિસ્ટન્ટની 3901 જગ્યાઓની ભરતી માટે પરીક્ષાનું આયોજન કરવામાં આવ્યું હતું. પરંતુ હાલ પરીક્ષા મોકૂફ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.

એવી ચર્ચાઓ પણ ચાલી રહી છે કે અસીત વોરાના રાજીનામાં બાદ આ પરીક્ષા મોકૂફ રાખવામાં આવી હોવાની સંભાવના છે. પરીક્ષાને લઇને કોઇ જવાબદારી લેવા માટે તૈયાર ન હતું. જેના કારણે પરીક્ષા ફરી એકવાર મોકૂફ રાખવામાં આવી છે.

મહત્વનું છે કે આ પહેલા બે વાર આ પરીક્ષા મોકૂફ રાખવામાં આવી છે. પહેલા ધો.12 પાસને પરીક્ષામાં ન બેસવા દેવા મુદ્ે પરીક્ષા રદ્ થઇ હતી. તો બીજી વખત પેપર લીક થવાના કારણે પરીક્ષા મોકૂફ થઇ હતી. વળી તાજેતરમાં જ ચેરમેન અસિત વોરાએ રાજીનામું આપ્યું હતું જેના કારણે આ પરીક્ષા મોકૂફ રાખવાની આવી હોવાની સંભાવના છે. હાલ તો તંત્ર વહીવટી કારણોસર પરીક્ષા મોકૂફ રાખવામાં આવી હોવાનું જણાવી રહી છે. સતત ત્રીજીવાર આ પરીક્ષા મોકૂફ રહેતા ઉમેદવારોમાં પણ રોષ જોવા મળી રહ્યો છે.

 

 

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.