Abtak Media Google News
ઉનાળુ પિયતની સિઝન હોય વીજ વપરાશ 60 થી 70 યુનિટ થતો હોય છે જેની જગ્યાએ ઓફિસે કે ધરે ટાઢા છાયે બેસી સરેરાશ 30 યુનિટના બિલ જનરેટ કરી નાખ્યાં નાં આક્ષેપો

ધોમધખતા તાપમાં ખેડૂતો કપરી મહેનત કરી પોતાની ખેતપેદાશો ઉભી કરી રહ્યા છે ત્યારે અત્રેના PGVCLના કેટલાક કર્મચારીઓ દ્વારા ખેડૂતોના ખેતરોમાં જઈ મીટર રીડીંગ જોયા વગર જ વીજબીલ જનરેટ કરી નાખતા વ્યાપક રોષ ફેલાવા પામ્યો છે.

પ્રાપ્ત વિગતો મુજબ શહેરના ગંજીવાડા રોડ પર ખેતર વાળા મેલડી માતાજી મંદિર નજીક વાડી ખેતર ધરાવતા વિનુભાઈ છગનભાઈ રૈયાણી, વલ્લભભાઈ મોહનભાઈ માલવિયા, પ્રવીણભાઈ છગનભાઈ રૈયાણી, જમુનાબેન ઠુમર, પરેશભાઈ ગોરધનભાઈ પાનસુરીયા, રાજુભાઈ ગોરધનભાઈ પાનસુરીયા સહિતના ખેડૂતોને કંટોલિયા ફીડર માંથી વીજ કનેક્શન પુરુ પાડવામાં આવતું હોય છે PGVCL ના કર્મચારીઓ દ્વારા મહિને – બે મહિને મીટર રીડિંગ કરી બિલ આપવામાં આવતું હોય છે,  પરંતુ હાલ સૂર્યદેવ પોતાની ચરમ સીમાએ તપી અગન ગોળા વરસાવી રહ્યા છે ખેતરોમાં કામ કરવું પણ મુશ્કેલ બની રહ્યું છે ત્યારે અત્રેના PGVCL તંત્રએ ખેડૂતોની મજાક ઉડાવવા સમાન કામ કરી ખેડૂતોના ખેતરમાં મીટર રીડીંગ જોયા વગર જ વીજ બીલ જનરેટ કરી દેતા ખેડૂતોમાં વ્યાપક રોષ ફેલાવા પામ્યો છે.

આશરે 60 યુનિટ જેવો પાવર વપરાયો છે, જ્યારે PGVCLના કર્મચારીઓએ સ્થળ ચકાસણી કર્યા વગર જ માત્ર 30 યુનિટના વીજબીલ જનરેટ કરી નાખ્યા છે આવું કરવાથી આવતા મહિને આવનાર બીલમાં તોતિંગ વધારો થઈ જશે જે બિલ ખેડૂતોને ભરવું મુશ્કેલ બને તેવી પરિસ્થિતિનું નિર્માણ થશે.

બનાવ અંગે કેટલાક ખેડૂતો દ્વારા PGVCLના ચૌહાણ અને વિરાણી સહિત નાં અધિકારીઓ ને લાઈવ વિડિયો કોલ કરીને મીટરના રીડિંગ બતાવવામાં આવ્યા હતા ત્યારે અધિકારીઓએ પણ સ્વીકાર્યું હતું કે ક્યાંક કોઇ કર્મચારીની ક્ષતિ રહી જવા પામી છે ઉલટુ કર્મચારીઓને આદેશ આપવાના બદલે ખેડૂતોને અરજી કરી દેવા જણાવાયું હતું સામે ખેડૂતોએ પણ કહ્યું હતું કે ભૂલ તમારા કર્મચારીઓની છે અમે શા માટે અરજી કરી એ ?

વાસ્તવમાં વીજબિલ ચકાસવામાં આવે તો રૂપિયા 6 લેખક બિલ બનાવવામાં આવી રહ્યા છે. અને તેમાં પણ જો બે ચાર મહીના ના સાથે બીલ આવે તો કેટલા ગણું બિલ ભરવાનું થાય તે સમજી શકાય તેવી વસ્તુ છે. આ અંગે જવાબદાર વ્યક્તિઓ સામે યોગ્ય કાર્યવાહી થાય તેવી અંતમાં માંગ કરી હતી.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.