Abtak Media Google News

રોટેશન મુજબ તબીબોને અમદાવાદ મોકલવાની પ્રક્રિયામાં મનઘડત નીતિથી તબીબો નારાજ: એનેસ્થેસિયા વિભાગનાં તબીબોને ટાર્ગેટ બનાવાતા હોવાની રાવ

જામનગર શહેરમાં છેલ્લા આઠ દિવસમાં કોરોનાના દર્દીઓની સંખ્યામાં ચિંતાજનક રીતે વધારો થયો છે અને થઈ રહ્યો છે ત્યારે સમગ્ર ગુજરાતમાં બીજા નંબરની અને સૌરાષ્ટ્રની સૌથી મોટી ગણાતી હોસ્પિટલમાં કોરોના દર્દીઓની સારવાર તેમજ અન્ય અસંખ્ય દર્દીઓની નિયમિત સારવારને ખૂબ જ ગંભીર અસર પહોંચે તેવા વરવા ખેલ જામનગરની સરકારી મેડિકલ કોલેજના ડીન તથા કેટલાક વિભાગના વડાઓની સાંઠગાંઠના કારણે થઈ રહ્યા હોવાનું જાણવા મળે છે.

જામનગરમાં શરૃઆતના અંદાજે બે-સવાબે મહિના સુધી કોરોનાના દર્દીઓની સંખ્યા નહીંવત્ હતી, અને અમદાવાદ તો કોરોનાનું હોટસ્પોટ બની ચૂક્યું હોવાથી રાજ્ય સરકારના આરોગ્ય વિભાગ દ્વારા જામનગરથી તબીબોને અમદાવાદ ખાસ ફરજ માટે મોકલવાનો સીલસીલો શરૃ થયો હતો.

જે તે સમયે જામનગરના લોકોનો વિરોધ ઊઠતા રાજ્યના બબ્બે મંત્રીઓ (જામનગર વિસ્તારના) એ આવી કામલચલાઉ બદલી નહીં કરવા રજૂઆત કરી હતી અને એવું પણ જાહેર થયું હતું કે જામનગરથી કોઈ તબીબને અમદાવાદ કે અન્યત્ર સ્થળે નહીં મોકલવામાં આવે… પણ આ વાત માત્ર બે-ચાર દિવસમાં જ હવામાં ઓગળી ગઈ…

જામનગરના તબીબોને અમદાવાદ મોકલવામાં આવી રહ્યા છે, ત્યાં કેટલાક ડોક્ટરોને પણ કોરોનાનું સંક્રમણ લાગ્યું અને ફરજના બદલે ક્વોરેન્ટાઈન થવું પડ્યું… જે ડોક્ટરોને કોરોના લાગુ ન થયો, તેઓ પણ આઠ દિવસથી અમદાવાદમાં ફરજ બજાવીને પાછા ફરે એટલે નિયમોનુસાર જામનગરમાં સાત દિવસ ફરજિયાત ક્વોરેન્ટાઈન થવાને કારણે જામનગરની હોસ્પિટલમાં તેમની ફરજ-સેવા આપી શકતા નથી.

આવા કપરા કાળમાં પણ જામનગરની મેડિકલ કોલેજના ડીને ક્યારેય રાજ્ય સરકારમાં અમે અહીંથી તબીબ નહીં મોકલીએ તેવી રજૂઆત કરી નથી. એટલું જ નહીં, રાજ્ય સરકારના આરોગ્ય વિભાગે નિમેલા ઓફિસર તબીબોને અમદાવાદ મોકલવાનો પરિપત્ર જામનગરના ડીનને મોકલે તો તેનો અમલ ડીન અને જે તે વિભાગના વડા પોતાની રીતે તબીબોના નામ નક્કી કરીને અહીંથી જુનિયર ડોક્ટરોને અમદાવાદ મોકલી દ્યે છે.

તા. ર૯/૪ નો પરિપત્ર અહીં પ્રસ્તુત છે. જેમાં સ્પષ્ટ પણે દર્શાવ્યું છે કે એમ.પી. શાહ મેડિકલ કોલેજના મેડિસીન અને એનેસ્થેસિયોલોજી વિભાગમાંથી પ્રાધ્યાપક, સહ પ્રાધ્યાપક અને મદદનીશ પ્રાધ્યાપક (સંવર્ગ-૧) ના ત્રણ-ત્રણ મળી કુલ છ તબીબી શિક્ષકોને અઠવાડિક રોટેશન પ્રમાણે અમદાવાદની હોસ્પિટલમાં મોકલો.

હવે આ પરિપત્ર ડીને સ્વાભાવિકપણે મેડિસીન અને એનેસ્થેશિયોલોજી વિભાગના વડાને તેમના ડોક્ટરોના નામ આપવા મોકલ્યો અને આ વિભાગના વડાઓએ પોતે કે અન્ય સંવર્ગ-૧ ના તબીબોને બદલે જુનિયર ડોક્ટરો, રેસિડેન્ટ ડોક્ટરો મોકલવાની વ્યવસ્થા ગોઠવી લીધી. ડીને પણ ક્યારેય વિભાગના વડાઓ પાસે ખુલાસો માંગ્યો નથી! રાજ્યના નોડલ ઓફિસરને પણ કાં તો અંધારામાં રાખવામાં આવે છે અથવા તો તેઓ પણ જાણતા હોય તો આંખ આડા કાન કરી રહ્યા છે.

જામનગરના એનેસ્થેશિયોલોજી વિભાગના વીસ જેટલા તબીબોને જ્યારે રોટેશનમાં ચાલતી ગોબાચાળી અંગે રજૂઆત કરી ત્યારે આ તમામ બાબતો અંગે અંતરંગ વર્તુળોમાંથી જાણવા મળી રહી છે.

નિષ્ણાત તબીબોના જણાવ્યા પ્રમાણે કોવિડ-૧૯ હોસ્પિટલમાં ક્યારેય એનેસ્થેસિયા વિભાગના તબીબોની જરૃર પડતી નથી. કોરોના દર્દીઓની સારવાર એમબીબીએસ ડોક્ટર પણ આરોગ્ય વિભાગની ગાઈડલાઈન પ્રમાણે કરી શકે છે તેમ છતાં જામનગરના એનેસ્થેસિયા વિભાગના તબીબોને વારંવાર અમદાવાદ મોકલવામાં આવી રહ્યા છે અને ડીન સહિત વિભાગના વડા વગેરે  શંકાસ્પદ રીતે મૌન છે.

આ ઉપરાંત તબીબોમાં એવો પણ અસંતોષ છે કે અમદાવાદ ફરજના ભાગ રૃપે જવું પડે તેનો કોઈ વિરોધ નથી, પણ આખા રાજ્યમાંથી માત્રને માત્ર જામનગર અને ત્યારપછી ભાવનગરથી જ ડોક્ટરોને અમદાવાદ ધકેલવામાં આવી રહ્યા છે. ખરેખર તો સમગ્ર રાજ્યની તમામ સરકારી અને અન્ય હોસ્પિટલોના તમામ વિભાગના ડોક્ટરોને રોટેશન મુજબ ફરજ સોંપવામાં આવે તો આ સમસ્યા ન સર્જાય.

જામનગરમાં છેલ્લા અઠવાડિયાથી કોરોના દર્દીઓની સંખ્યામાં ચિંતાજનક રીતે નોંધપાત્ર વધારો થયો છે અને થઈ રહ્યો છે, ત્યારે જામનગરની કોવિડ-૧૯ હોસ્પિટલમાં પણ ડોક્ટરોની પર્યાપ્ત સંખ્યાની તાતિ જરૃર છે. આવા સંજોગોમાં જામનગરથી એક પણ ડોક્ટરને અમદાવાદ કે અન્યત્ર મોકલવામાં ન આવે તેવી વ્યવસ્થા ગોઠવવાની તાતિ અને અનિવાર્ય જરૃર છે.

જામનગરની સરકારી જી.જી. હોસ્પિટલમાં જામનગર શહેર ઉપરાંત હાલારના બન્ને જિલ્લા તેમજ આસપાસના જિલ્લામાંથી અન્ય દર્દીઓ ખૂબ મોટી સંખ્યામાં સારવાર માટે આવે છે.

ઓપીડી તથા ઈન્ડોર પેશન્ટની સંખ્યા પણ સવિશેષ રહે છે, ત્યારે દરરોજની રૃટીન ફરજમાં પણ ડકોટરોની સંખ્યા અપૂરતી હોતી હોય ત્યારે અહીંથી આઠ-દસ ડોક્ટરોને અઠવાડિયા માટે અમદાવાદ મોકલવા, ત્યાંથી આવ્યા પછી ક્વોરેન્ટાઈન પિરિયડમાં રહેવું વગેરે કારણોસર જી.જી. હોસ્પિટલની સારવાર સેવામાં પણ મોટી અસર વર્તાઈ રહી છે. રાજ્ય સરકારે હદ કરી નાંખી છે, જ્યારે જામનગરની હોસ્પિટલના નર્સીંગ સ્ટાફમાંથી ર૦ કર્મચારીઓને પણ અમદાવાદ ફરજ માટે બોલાવ્યા છે.

જામનગરના તબીબો ડીન અને વિભાગીય વડાઓના મનસ્વી વલણથી અમદાવાદ તો જઈ આવ્યા… પણ ફરીથી રોટેશનમાં તેમને જ મોકલવા માટેની પ્રક્રિયાથી તબીબી વર્તુળોમાં રોષ ફેલાયો છે. એટલું જ નહીં, જી.જી. હોસ્પિટલમાં પડી રહેલી વિપરીત અસરોના કારણે આમજનતામાં પણ ભારે નારાજગી ફેલાયેલી છે.

સમગ્ર પ્રક્રિયામાં જામનગરની મેડિકલ કોલેજના ડીનની કાં તો લાચારી અથવા જે તે વિભાગના વડાઓ સાથેની મીલીભગત અને રાજ્ના આરોગય વિભાગના જવાબદાર ઉચ્ચ અધિકારીના આંખમીંચામણા ચર્ચાનો વિષય બની રહ્યા છે અને સાથે સાથે જામનગરની હાલત અતિ ગંભીર સ્વરૃપ ધારણ થઈ રહેલી સ્થિતિના સમયે રાજ્યના મંત્રીઓ સહિતના રાજકીય નેતાઓની નિષ્ક્રિયતા પણ પ્રજામાં ચર્ચાનો વિષય બની રહી છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.