જેતપુર પાલિકાની લીક વાલ્વની કુંડીમાં અજાણ્યા કારખાનેદાર કેમિકલયુકત પાણીનું ટેન્કર ઠાલવતા રોષ

અશુધ્ધ પાણી મુખ્ય પાઈપલાઈનમાં ભળી જતા બે-અઢી હજાર ઘરોમાં કેમીકલયુકત પાણી નળ વાટે આવવાની દહેશત

જેતપુરના અમરનગર રોડ પર આવેલ નગરપાલિકાના લીક વાલ્વની કુંડીમાં કોઈ કારખાનેદારે રાત્રીના સમયે કેમીકલ યુક્ત પાણીનું ટેન્કર ઠાલવી જતા ચારેક વિસ્તારોના આશરે બેથી અઢી હજાર ઘરોમાં લાલ પાણી નળ વાટે આવવાની દહેશત સેવાઈ રહી છે. ત્રણ મહિના પૂર્વે સુધી જેતપુર શહેરના તમામ કારખાનાઓનું કેમીકલ યુક્ત પાણી શુદ્ધિકરણ માટે ભાદર કાંઠે આવેલ કલેકશન સંપ સુધી ગટર મારફતે લઈ જવામાં આવતું હતું. પરંતુ આ ગટરો નદીની અંદરથી પસાર થતી હોય તેમનું કેમીકલ યુક્ત પાણી કોઈને કોઈ કારણસર છલકાયને નદીમાં વહી જતું હતું. અને નદી પ્રદુષિત થતી જેથી જેતપુર ડાઇંગ એન્ડ પ્રિન્ટીંગ એસોસિએશને ત્રણેક મહિના પૂર્વે ભાદર નદીને પ્રદુષણ મુક્ત બનાવવા માટે ગટરો જ બંધ કરવાનો નિર્ણય લીધો અને દરેક કારખાનેદારોને તેમના કારખાનાનું કેમીકલ યુક્ત પાણી ટેન્કર દ્વારા નજીકના સંપમાં ઠાલવવાનો હુકમ કર્યો હતો. એસોસિએશનના આ નિર્ણય ખૂબ આવકારદાયક છે.

પરંતુ શહેરમાં કેટલાય ગેરકાયદેસર કારખાનાઓ ચાલે છે. આ કારખાનાઓને તેનું કેમીકલ યુક્ત પાણી ક્યાં ઠાલવવું ? તે પ્રશ્ન ઉભો થયો કેમ કે જે તે સંપમાં તો મંજૂરીવાળા કારખાનાઓ જ ટેન્કરથી પાણી ઠાલવી શકે. જેથી મંજૂરી વગરના કારખાનેદારો દ્વારા તેનું કેમીકલ પાણી હવે જ્યાં ત્યાં ચોરીછુપીથી રાત્રીના સમયે ઠાલવી નાંખે છે.  જેમાં શહેરના અમરનગર રોડ પર નગરપાલિકાની પાણીની મુખ્ય લાઈનની વાલ્વની એક કુંડી આવેલ છે. તે કુંડીમાં કાયમી પાણી ભરાયેલ જ રહેતું હોય તેમાં ગતરાત્રીના કોઈ કેમીકલ યુક્ત પાણીનું આખું ટેન્કર ઠાલવી જતા બધું પાણી મુખ્ય પાઇપ લાઈનમાં ચાલ્યું ગયું છે.

આ લાઈનમાંથી અમરનગર રોડ, મંત્રી સોસાયટી તેમજ અભિષેક નગરમાં પાણી આવે છે. અને આ વિસ્તારના બેથી અઢી હજાર ઘરોમાં લાલ કેમીકલ યુક્ત પાણી નળ વાટે આવવાની દહેશત સેવાઈ રહી છે. આ અંગે સ્થાનિકોએ નગરપાલિકાને ફરીયાદ પણ કરી છે.