Abtak Media Google News

જિલ્લા ચૂંટણી અધિકારીની દેખરેખમાં આચારસંહિતા સમિતિની કાર્યવાહી: આચારસંહિતા ભંગની કોઈ ફરિયાદ નહીં

રાજકોટ શહેર-જિલ્લાના આઠેય વિધાનસભા વિસ્તારોમાં આદર્શ આચાર સંહિતાનો અમલ કરતી આદર્શ આચારસંહિતા સમિતિ દ્વારા છેલ્લા ત્રણ દિવસમાં 16 હજારથી વધુ પ્રચારાત્મક સામગ્રી દૂર કરવામાં આવી છે. જિલ્લામાં હજુ સુધી આચારસંહિતા ભંગની કોઈ ફરિયાદ આવી નથી.

જિલ્લા ચૂંટણી અધિકારી  અરૂણ મહેશ બાબુના માર્ગદર્શનમાં જિલ્લામાં આદર્શ આચારસંહિતાનો ચુસ્ત અમલ કરાઈ રહ્યો છે. અધિક જિલ્લા ચૂંટણી અધિકારી શ્રી એસ.જે. ખાચરના નિરિક્ષણમાં આદર્શ આચારસંહિતા સમિતિના રાજકોટ શહેરના નોડલ અધિકારી આશિષકુમાર તથા રાજકોટ ગ્રામ્યના નોડલ અધિકારીશ્રી ઈલાબહેન ચૌહાણની ટીમ દ્વારા પ્રચારાત્મક સામગ્રી દૂર કરવાની કામગીરી કરવામાં આવી હતી.

છેલ્લા ત્રણ દિવસમાં (6 નવેમ્બર સાંજ સુધીમાં) જાહેર સ્થળો, સરકારી મિલકતો પરથી દિવાલો પરના 7859 લખાણો ભૂંસી નંખાયા છે, તો 1404 પોસ્ટર્સ તથા 3653 બેનર્સ તેમજ 2168 જેટલી અન્ય પ્રચારાત્મક સામગ્રી મળીને કુલ 15084 સામગ્રી દૂર કરી નાંખવામાં આવી છે. જ્યારે જિલ્લાની ખાનગી મિલકતો પરથી પણ 458 દિવાલ પરના લખાણો, 341 પોસ્ટર્સ, 350 બેનર્સ, 165 અન્ય મળીને કુલ 1314 જેટલી પ્રચારાત્મક સામગ્રી દૂર કરી નાંખવામાં આવી છે.

આચાર સંહિતા અમલી બન્યાના ત્રણ દિવસની અંદર રાજકોટ પૂર્વ-68 વિધાનસભા વિસ્તારમાંથી સરકારી મિલકતો પરથી કુલ 2029 જ્યારે ખાનગી મિલકતો પરથી 23 પ્રચારાત્મક સામગ્રી દૂર કરાઈ છે. રાજકોટ પશ્ચિમ-69 વિધાનસભા ક્ષેત્રેમાંથી સરકારી મિલકતો પરથી 1602 જ્યારે ખાનગી મિલકતો પરથી 47, રાજકોટ દક્ષિણ-70 વિધાનસભા ક્ષેત્રમાંથી સરકારી મિલકતો પરથી 3222 જ્યારે ખાનગી મિલકતો પરથી 208, રાજકોટ ગ્રામ્ય-71 વિધાનસભા ક્ષેત્રમાંથી સરકારી મિલકતો પરથી 1288 તથા ખાનગી મિલકતો પરથી 83, જસદણ-72 મતક્ષેત્રમાંથી સરકારી મિલકતો પરથી 740 તથા ખાનગી મિલકતો પરથી 376, ગોંડલ-73 મતક્ષેત્રમાંથી સરકારી મિલકતો પરથી 1599 તથા ખાનગી મિલકતો પરથી 50, જેતપુર-74 મતક્ષેત્રમાંથી સરકારી મિલકતો પરથી 3420 તથા ખાનગી પરથી 289, જ્યારે ધોરાજી-75 મતક્ષેત્રમાંથી સરકારી મિલકતો પરથી 1184 અને ખાનગી મિલકતો પરથી 238 જેટલી પ્રચારાત્મક સામગ્રી દૂર કરાઈ છે. નિષ્પક્ષ અને ભયમુક્ત માહોલમાં ચૂંટણી યોજવાની પ્રતિબદ્ધતા સાથે જિલ્લા ચૂંટણી તંત્ર સતત સક્રિયપણે કાર્ય કરી રહ્યું છે.

જિલ્લા ચૂંટણી તંત્ર દ્વારા આચારસંહિતા ભંગ સહિતની બાબતોની જાણ માટે હેલ્પલાઈન નંબર 1800 233 0322 જારી કરવામાં આવ્યો છે.

  • મતદાન પહેલાના 48 કલાક  અને મતગણતરીના દિવસને ડ્રાય ડે જાહેર કરાયા

વિધાનસભા સામાન્ય ચૂંટણી-2022 અંતર્ગત રાજકોટ જિલ્લામાં તા.01-12-2022ના રોજ મતદાન થનાર છે. આ ચૂંટણીમાં મતદારો નિર્ભયપણે પોતાના મતાધિકારનો ઉપયોગ કરી શકે તે માટે જિલ્લા મેજીસ્ટ્રેટ શ્રી અરુણ મહેશ બાબુએ મતદાન પુરૂ થવાના 48 કલાક પહેલા એટલે કે તા.29-11-2022ના સાંજના 05:00 કલાક થી તા.01-12-2022 સાંજના 05:00 કલાક સુધી અને મતગણતરીના દિવસને એટલે કે તા.08-12-2022ના દિવસને ડ્રાય ડે તરીકે જાહેર કરવામાં આવ્યો છે. આ સમયગાળા દરમિયાન દારૂબંધી અમલમાં રહેશે.આ ઉપરાંત જિલ્લામાં આવેલ વિદેશી દારૂની દુકાનો તેમજ પોષ ડોડવાનું વેચાણ કરતી દુકાનો મતદાન પુરૂ થવાના 48 કલાક પહેલા એટલે કે તા.29-11-2022ના સાંજના 05:00 કલાક થી તા.01-12-2022 સાંજના 05:00 કલાક સુધી અને મતગણતરીના દિવસે એટલે કે તા.08-12-2022ના દિવસે બંધ રાખવા તેમજ વેચાણ પર પ્રતિબંધ રહેશે

  • ચૂંટણી અધિકારી મદદનીશ ચૂંટણી અધિકારી તેમજ ફલાઈંગ સ્કવોડ સ્ટેટીક સર્વેલન્સ ટીમને કાર્યપાલક મેજીસ્ટ્રેટના પાવર અપાયા

વિધાનસભા મતદાર વિભાગદીઠ 3 ફલાઈગ સ્ક્વોડ અને સ્ટેટિક સર્વેલન્સ ટીમની નિયુક્તિ કરવામાં આવી છે. જેમને ચુંટણી વિષયક કામગીરી સોંપવામાં આવેલ હોય અને તે પૈકી જે અધિકારીઓ    કાર્યપાલક મેજીસ્ટ્રેટના અધિકાર  અપાયા છે. આ ઉપરાંત રાજકોટ જિલ્લાના સંસદિય મત વિસ્તારમાં સમાવિષ્ટ જિલ્લાના પાંચ વિધાનસભા મતદાર વિભાગો માટે જેમને મુખ્ય નિર્વાચન અધિકારીશ્રી તરફથી ચુંટણી અધિકારી/મદદનીશ ચુંટણી અધિકારી તરીકે ચુંટણી વિષયક કામગીરી સોંપવામાં આવેલ હોય અને તે પૈકી જે અધિકારીઓ/કર્મચારીઓને હોદાની રૂએ  કાર્યપાલક મેજીસ્ટ્રેટના અધિકાર મળેલા નથી તેવા અધિકારીઓ/કર્મચારીઓ ચુંટણીની કામગીરી મુકત અને ન્યાયી રીતે કરી શકે તેમજ કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ પર સંપૂર્ણપણે નિયંત્રણ રાખી શકાય તે માટે સરકારના ગૃહ  વિભાગના નિર્દેશ મુજબ જિલ્લા મેજિસ્ટ્રેટ  અરુણ મહેશ બાબુએ સંબંધિત અધિકારીઓને ખાસ કાર્યપાલક મેજિસ્ટ્રેટની સત્તા તા. 10/12/2022 સુધી એનાયત કરેલ છે.

  • મત ગણતરી કેન્દ્ર આસપાસના વિસ્તારમાં 1 થી તા. 8 ડિસેમ્બર સુધી પ્રતિબંધો લાગુ

મતગણતરી સ્થળે વ્યવસ્થામાં કોઈ બાધા કે વિક્ષેપ ન થાય તે માટે અરૂણ મહેશ બાબુ, જિલ્લા મેજીસ્ટ્રેટ, રાજકોટ, ખાતે આવેલ મતગણતરી કેન્દ્ર આસપાસના વિસ્તારમાં તા.01/12/2022 થી તા.08/12/2022 સધીના સમયગાળા માટે કેટલાક અમલવારી કરવા હુકમ ફરમાવ્યા છે.

જેમાં (1) કોઈપણ વ્યક્તિ સક્ષમ અધિકારી તરફથી ઈસ્યુ કરવામાં આવેલ ફોટોગ્રાફ સહિતના અધિકૃત પ્રવેશ પાસ વિના મતગણતરી કેન્દ્રમાં દાખલ થશે નહીં તેમજ આવા પ્રવેશ પાસ સરળતાથી દેખાઈ આવે તે રીતે પ્રદર્શિત કરશે. (2) મતગણતરી કેન્દ્રની આસપાસના ર00 મીટર વિસ્તારમાં સક્ષમ અધિકારી પાસેથી પૂર્વ પરવાનગી મેળવ્યા સિવાય ચાર કરતાં વધુ વ્યક્તિઓ એકત્રીત થઈ શકશે નહીં અથવા કોઈ સભા ભરી શકશે નહી કે કોઈ સરઘસ કાઢી શકશે નહીં. (3) ક્રોઈપણ વ્યક્તિ કે જેમાં ઉમેદવાર, તેમના ચૂંટણી એજન્ટ તેમજ મતગણતરી એજન્ટ સહિતના કોઈપણ વ્યક્તિ મતગણતરી હોલમાં કે મતગણતરી કેન્દ્રની કમ્પાઉન્ડ વોલ સહિતના પ્રીમાઈસીસમાં મોબાઈલ ફોન, કોર્ડલેસ ફોન, વાયરલેસ સેટ કે સંદેશાવ્યવહારના અન્ય કોઈ ઉપકરણો લઈ જશે નહી કે તેનો ઉપયોગ કરી શકશે નહીં. (4) ઉમેદવાર, તેમના ચૂંટણી એજન્ટ કે તેમના મતગણતરી એજન્ટ કે જેમને જે વિધાનસભા મતદાર વિભાગના મતગણતરી હોલમાં પ્રવેશ માટે પ્રવેશ પાસ ઈસ્યુ કરવામાં આવેલ હોય તે સિવાયના અન્ય વિધાનસભા મતદાર વિભાગના મતગણતરી હોલમાં પ્રવેશી શકશે નહીં. 5) મતગણતરી ફરજ પર નિયુક્ત અધિકારીઓ / કર્મચારીઓ તથા આવશ્યક સેવાઓના કામે રોકેલ વ્યક્તિઓને મતગણતરી સ્થળમાં પ્રવેશ માટેના પાસ ઈસ્યુ કરવા માટે વિધાનસભા મતદાર વિભાગના સંબંધિત મદદનીશ ચૂંટણી અધિકારીને તેમના વિધાનસભા મતદાર વિભાગ માટેના પાસ તથા સમગ્ર મતગણતરી કેન્દ્રમાં પ્રવેશ માટેના પાસ આપવા અધિક જિલ્લા ચૂંટણી અધિકારી રાજકોટને અધિકૃત કરવામાં આવે છે.

  • જીલ્લા મેજીસ્ટ્રેટ દ્વારા મતદારો માટે માર્ગદર્શિકા જાહેર

આગામી વિધાનસભા ચૂંટણીમાં પોતાના મતાધિકાર ઉપયોગ કરનાર છે તે તમામ મતદારો માટે રાજકોટ જીલ્લા મેજીસ્ટ્રેટ શ્રી અરૂણ મહેશ બાબુ દ્વારા નીચે મુજબના આદેશો કરવામાં આવ્યા છે.         મતદારે જે મતદાન મથકો ઉપર મત આપવા જવાનું છે તેના અધિકૃત પ્રવેશ સ્થાન પાસે એક લાઈનમાં ઉભા રહેવું. જો સ્ત્રીઓ માટે જુદી લાઈન હોય તો તે મુજબ ઉભા રહેવું. મતદારે લાઈનમાં પોતાના ક્રમાનુસાર એક પછી એક દાખલ થવું. મતદારે પોતાનો મત આપ્યા પછી મતદાન મથક તથા તેના વિસ્તારમાંથી દુર ચાલ્યા જવું.        આ હુકમો તા.01/12/2022 ના દિવસ માટે રાજકોટ શહેર, રાજકોટ તાલુકા સહિત રાજકોટ જિલ્લાના સમગ્ર વિસ્તારને લાગુ પડશે જેનો ભંગ કરનાર શિક્ષાને પાત્ર થશે.

  • 29 મીએ  સાંજના પાંચ કલાકથી ચૂંટણી પ્રચાર બંધ કરવા કલેકટરના આદેશ

ગુજરાત રાજ્યમાં વિધાનસભાની સામાન્ય ચૂંટણીઓ બે તબક્કામાં યોજાશે. જે અંતર્ગત રાજકોટ જિલ્લામાં તા. 1 ડિસેમ્બર 2022 ના રોજ યોજાનાર મતદાન મુક્ત, ન્યાયી અને નિષ્પક્ષ વાતાવરણમાં યોજાય અને લોકો કોઈપણ પ્રકારના ભય કે શેહશરમ વગર મતદાન કરી શકે તે અર્થે જિલ્લા કલેક્ટર  શ્રી અરુણ મહેશ બાબુએ  રાજકોટ જિલ્લામાં સમાવિષ્ટ તમામ વિધાનસભા મતદાન વિભાગમાં તા. 29/11/2022 ના રોજ સાંજના 5.00 કલાક થી ચૂંટણી પ્રચાર બંધ કરવાના આદેશો જારી કર્યા છે.

ચૂંટણી  પ્રચારનો સમયગાળો પૂરો થતાં રાજકીય પદાધિકારીઓ, પક્ષના કાર્યકરો, સરઘસ કાઢનારાઓ, ચૂંટણી પ્રચારકો, વગેરે કે જેઓ મતદાર વિભાગની બહારથી  આવેલ હોય અને જેઓ મતદાર વિભાગના મતદારો ન હોય તેઓએ ચૂંટણી પ્રચારના અંત પછી એટલે કે તા. 29 નવેમ્બર 2022 ના સાંજના 5.00 કલાક પછી તાત્કાલિક ધોરણે રાજકોટ જિલ્લામાં સમાવિષ્ટ તમામ વિધાનસભા મતદાર વિભાગ છોડી  દેવાનો રહેશે. આ ઉપરાંત રાજકીય પક્ષના રાજ્ય કક્ષાના ઇન્ચાર્જ પદાધિકારીઓએ રાજ્યના હેડ ક્વાર્ટરમાં રોકવાના હોય તો તે સ્થળ જાહેર કરવાનું રહેશે.

  • બુથની 100 મીટરની ત્રિજ્યામાં ચાર કરતાં વધુ વ્યક્તિઓના એકત્રિત થવા પર પ્રતિબંધ

વિધાનસભા સામાન્ય ચૂંટણીઓ  અન્વયે રાજકોટ જિલ્લામાં તા.01/12/2022 ના રોજ મતદાન યોજાશે. મતદારો નિર્ભયતાપૂર્વક અને શાંતિપૂર્ણ વાતાવરણમાં મતદાન કરી  શકે તેમજ મતદાનની કાર્યવાહી દરમ્યાન અસામાજીક કે તોફાની તત્વો કોઈ ખલેલ પહોંચાડે નહીં તેમજ અન્ય ગેરકાયદેસર પ્રવૃત્તિ આચરે નહીં તે માટે રાજકોટ જિલ્લાના સમગ્ર વિસ્તારમાં તા.01/12/2022ના રોજ વિધાનસભા સામાન્ય ચૂંટણીઓ માટે નક્કી કરવામાં આવેલ મતદાન મથકો અને તેની આસપાસના 100 મીટરના વિસ્તારમાં કોઈપણ અનઅધિકૃત વ્યક્તિઓને એકત્રિત થવા  કે મતદાન મથકમાં પ્રવેશવા કે વાહન લઈ જવા પર જિલ્લા મેજિસ્ટ્રેટ શ્રી અરુણ મહેશ બાબુ દ્વારા પ્રતિબંધ ફરમાવવામાં આવ્યો છે.

આ આદેશો ચુંટણી તેમજ ચુંટણીના સંચાલન અંગેની ફરજ જે અધિકારી/કર્મચારીઓને સોંપવામાં આવેલ છે તે તમામ અધિકારીઓ / કર્મચારીઓ, મતદાન કરવા આવનાર મતદારો, ચુંટણીમાં ઉભેલ ઉમેદવાર, ચુંટણીના હરીફ ઉમેદવારના ચૂંટણી એજન્ટ કે તેના અધિકૃત મતદાન એજન્ટ, મતદાન મથક નજીક ધંધો કે રહેણાંક ધરાવતા પ્રજાજનોને તેમના મકાન / ધંધાના સ્થળે આવવા જવા તેમજ ફરજ પરના પોલીસ /એસઆરપી/ હોમગાર્ડ/ પેરામીલટ્રી ફોર્સના અધિકારી તથા જવાનોને લાગુ પડશે નહી. આ જાહેરનામાના ભંગ કે ઉલ્લંધન કરનારને સજા થશે.

  • રાજકોટ પૂર્વ અને રાજકોટ ગ્રામ્ય બેઠકના  ખર્ચ નિરીક્ષક  જનાર્દન એસ.એ વિવિધ ટીમો સાથે બેઠક યોજી

Img 0337

સર્કીટ હાઉસ ખાતે રાજકોટ પૂર્વ અને રાજકોટ ગ્રામ્ય બેઠકના ખર્ચ નિરિક્ષક  જનાર્દન એસ.એ વિવિધ ટીમો સાથે બેઠક યોજી હતી અને તલસ્પર્શી ચર્ચા કરીને ટીમના સભ્યોને જરૂરી માર્ગદર્શન પૂરું પાડ્યું હતું. આ બેઠકમાં રીટર્નીંગ ઓફિસરો  સુરજ સુથાર,   વિવેક ટાંક, આસિસ્ટન્ટ એક્સપેન્ડિચર ઓબ્ઝર્વર, એકાઉન્ટ ટીમ, સ્ટેટિક સર્વિલન્સ ટીમ, ફલાઈંગ સ્કવોડ ટીમ, વીડિયો વ્યુઈંગ ટીમ સહિતના અધિકારીઓ અને સભ્યો ઉપસ્થિત રહ્યા હતા.

  • જેતપુર-ધોરાજી બેઠકના ખર્ચ નિરિક્ષક અમિતકુમાર સોનીએ જિલ્લા પંચાયત કચેરી ખાતે બેઠક યોજી

Untitled 1 Recovered 39

74-જેતપુર તથા 75-ધોરાજી વિધાનસભા બેઠકના ખર્ચ નિરિક્ષક   અમિતકુમાર સોની પાંચમી નવેમ્બરે રાજકોટ આવી પહોંચ્યા છે. તેઓએ જિલ્લા પંચાયત કચેરી ખાતે પોતાની ટીમ સાથે બેઠક યોજી હતી. ચૂંટણીમાં કરવાની કામગીરી અંગે ટીમને માર્ગદર્શન આપ્યું હતું.

આ બેઠકમાં આસિસ્ટન્ટ એક્સપેન્ડિચર ઓબ્ઝર્વર, એકાઉન્ટ ટીમ, સ્ટેટિક સર્વિલન્સ ટીમ,ફ્લાઈંગ સ્ક્વોડ, વીડિયો વ્યુઈંગ ટીમ વગેરેના અધિકારીઓ હાજર રહ્યા હતા. આ મિટિંગમાંદરેક ટીમોને ચૂંટણીને અનુલક્ષીને કરવાની થતી કામગીરી વિશે માહિતી તેમજ માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.