Abtak Media Google News

કોરોના કટોકટીના પગલે દર્દીની વધતી જતી સંખ્યામાં હોસ્પિટલના ખાટલા અને ઓક્સિજનના બાટલાની ખેંચ વર્તાઈ રહી છે. અનેક લોકો પ્રાણવાયુના અભાવે પ્રાણ ગુમાવી ચૂક્યા છે. તંત્ર સામે માછલા ધોવાઈ રહ્યાં છે ત્યારે રાજ્ય સરકારે સોમવારે ગુજરાત હાઈકોર્ટમાં જવાબ રજૂ કર્યો હતો કે, રાજ્યમાં કુલ 52,036 દર્દીઓને ઓક્સિજન પર રાખવામાં આવ્યા છે. સરકારે જણાવ્યું હતું કે, દર્દીઓ સુધી ઓક્સિજન પહોંચાડવા માટે શકયત: તમામ પ્રયત્નો કરવામાં આવી રહ્યાં છે. દરરોજ 4 થી 6 ટકા જેટલા દર્દીઓ વધી રહ્યાં છે અને ઓક્સિજન 58 મેટ્રીક ટન મળે છે જે વધારીને 1000 મેટ્રીક ટન સુધી કરવામાં આવ્યો છે.

હાઈકોર્ટે સરકારને ઓક્સિજનનો પુરવઠો વધારવા નિર્દેશ કર્યો ત્યારે સરકારે જણાવ્યું હતું કે, ઓક્સિજનનો જથ્થો કેટલો કોને દેવો તે કેન્દ્ર સરકાર નક્કી કરે છે. રાજ્ય સરકારે જણાવ્યું હતું કે, 21મી એપ્રીલે 975 મેટ્રીક ટન ઓક્સિજન મળ્યું હતું. જ્યારે જરૂરીયાત 1000 મેટ્રીક ટનની હતી. ઓક્સિજન વધારવાની વિનંતી કરી હતી પરંતુ 23મી એપ્રીલે આ પુરવઠો વધારવામાં આવ્યો હતો. ઓક્સિજનની વિતરણ વ્યવસ્થા સારી રીતે થાય તે માટે જિલ્લાની હોસ્પિટલોમાં ટાસ્કફોર્સની રચના કરી આઈએસ અધિકારીના માર્ગદર્શન હેઠળ વિતરણ વ્યવસ્થા કરવામાં આવતી હોવાનું જણાવ્યું હતું.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.