ઓઝત નદીના પાણીનો થશે રિપોર્ટ; 16 ગામના ખેડૂતોની બેઠકમાં લેવાયો નિર્ણય

જીપીસીબીના અધિકારીઓને નદીઓનું દૂષિત પાણી ન દેખાતું હોવાથી ૭ જાન્યુઆરીએ નદીના પાણીનું પૂજન કરાશે : ખેડૂતોએ યોજેલી બેઠકમાં લીધો નિર્ણય

કેશોદના બામણાસા ગામમાં નદીનું પાણી દુષિત બનતાં ૧૬ ગામના સરપંચોએ એક મીટિંગ યોજી હતી. જેમાં ઉબેણ અને ઓઝત નદીમાં સાડી ઉધોગો દ્વારા છોડવામાં આવતા દુષિત પાણીનો લેબોરેટરી ટેસ્ટ કરવા નિર્ણય લેવાયો હતો. આ અંગે તમામ સરપંચોએ સહમતી બતાવી હતી. આ મીટિંગમાં ખેડુત હિત રક્ષક સમિતીના અતુલભાઇ શેખડા સહિતના આગેવાનો હાજર રહી પી.એમ નરેન્દ્ર મોદી અને સી.એમ વિજયભાઈ રૂપાણીને ધગધગતો પત્ર લખી સાડી ઉધગોના પ્રમુખ તેના માર્ગદર્શન હેઠળ ચાલતા કારખાના સામે કડક કાર્યવાહી કરવા ચર્ચા વિચારણા કરવામાં આવી છે.

છેલ્લા ઘણા સમયથી જેતપુર શહેર અને ગ્રામ્ય વિસ્તરમાં આવેલા સાડી ઉદ્યોગ દ્વારા છોડાતાં કેમીકલયુક્ત પાણી બંધ કરાવવા લોકજાગૃતીના ભાગરૂપે ખેડુતોને એક બનવા દરેક ગામના ખેડુતો હાજર રહી આગામી ૭ જાન્યુઆરી ૨૦૨૧ના રોજ ભુદેવો હસ્તે નદીનું પુજન કરાશે.આ  સાથોસાથ પ્રદુષિત પાણીને શુધ્ધ બનાવવા અંજલી આપતો કાર્યક્રમ યોજવા નિર્ણય કરાયો હતો. જેનો રાજકિય આગેવાનોએ વિરોધ કરી સરકાર વિરોધી કાર્યક્રમની જગ્યાએ પ્રથમ રાજ્ય સરકારના મંત્રી જવાહરભાઇ ચાવડાના માધ્યમથી મુખ્યમંત્રીને મળવાનો આગ્રહ કરાયો હતો. જો કે આ નદીની સ્વચ્છતા અંગે ખેડૂત હિત રક્ષક સમિતિ ઉચ્ચ કક્ષાએ રજુઆત કરશે.પરંતું ખેડુત હિત રક્ષક સમિતીએ કહ્યું કે સરકારે ૪૦ વર્ષમાં કોઇનું સાંભળતી ન હોય તો અત્યારે થોડું સાંભળે? આ સરકાર તો લોકમત થી જ ડરે તેથી સરકારની સામે ઝુંકી જવાની જગ્યાએ જનઆંદોલન તેજ બનાવવા ગામડે ગામડે દરેક ખેડુતોને મળવા અડગ રહી હતી. અને જયાં સુધી સાડીના કારખાનાઓ તેમજ ધોબી ઘાટ કેમીકલયુક્ત પાણી છોડવાનું બંધ ન કરે ત્યાં સુધી ખેડુતોનું જન આંદોલન ચાલું રાખવા જણાવ્યું હતું. ખેડુતોની આ મીટિંગે એક તબક્કે રાજકિય રંગ ધારણ કર્યો હતો અંતે બંન્ને પક્ષ પોત પોતાની રીતે સરકારને રજૂઆત કરવા અને સરકાર સામે જનઆંદોલન કરવા અડગ રહ્યા હતાં. આ મીટિંગમાં કેશોદ ધારાસભ્ય દેવાભાઇ માલમ તેમજ જિલ્લામાંથી દિનેશભાઇ ખટારિયા હાજર રહ્યા હતાં.