Abtak Media Google News

પ્રદેશ ભાજપ અધ્યક્ષ સી.આર.પાટીલની ચૂંટણીલક્ષી વ્યૂહ રચનામાં કોંગ્રેસ નેસ્તનાબૂદ: રાજકોટમાં કોંગ્રેસ સીંગલ ડિજીટમાં સમેટાઈ ગયું

પ્રદેશ ભાજપ પ્રમુખ પદે સત્તા‚ઢ થયા બાદ રાજકોટની મુલાકાતે આવેલા સી.આર.પાટીલે કાર્યકર્તાને સંબોધતા એવી હાકલ કરી હતી કે, તમે મને પેજ સમીતી જીતાડીને બતાવો હું તમને તમામ બેઠકો પર વિજેતા બનાવી દઈશ. આ નિવેદન ખરેખર હવે સાચુ પુરવાર થયું હોય તેવું લાગી રહ્યું છે. પેજ સમીતી ભાજપ માટે બ્રહ્માસ્ત્ર સાબીત થઈ છે. ૨૦૧૫ની સરખામણીએ રાજકોટમાં ભાજપની બેઠકોમાં ૨૮નો વધારો થયો છે. તો ગત વખતે ભાજપના મોઢે ફીણ લાવનાર કોંગ્રેસ આ વખતે માત્ર સીંગલ ડિઝીટમાં સમેટાયું છે.

C R Patilc

સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી માટે પ્રદેશ ભાજપ અધ્યક્ષ સી.આર.પાટીલે કેટલાંક નિયમ બનાવ્યા હતા. જેનાથી કેટલાક સીનીયર કાર્યકરોની ટીકીટ કપાઈ હતી અને ભારે નારાજગી જોવા મળી હતી. આ નારાજગીની પરિણામ ભાજપે ચૂંટણીમાં સહન કરવી પડશે તેવું લાગી રહ્યું હતું. પરંતુ રાજકોટવાસીઓએ વિકાસની રાજનીતિ સ્વીકારી હોય તેવું સ્પષ્ટપણે લાગી રહ્યું છે. સી.આર.પાટીલની ચૂંટણીલક્ષી વ્યુહરચનામાં કોંગ્રેસ રીતસર તણાયું છે. માત્ર રાજકોટ જ નહીં રાજ્યની તમામ છ મહાપાલિકામાં કોંગ્રેસને કળ ન વળે તેવો ફટકો પડ્યો છે. સુરતમાં તો કોંગ્રેસ વિરોધ પક્ષમાં પણ બેસી ન શકે તેવી સ્થિતિમાં આવ્યું છે. અહીં કોંગ્રેસ કરતા આપને વધુ બેઠકો પ્રાપ્ત થઈ છે. રાજકોટમાં પૂર્વ વિપક્ષી નેતા વશરામભાઈ સાગઠીયા જો પેનલ સાથે વિજેતા ન બન્યા હોત તો કોંગ્રેસનું નામુ નખાઈ જાત અને કોંગ્રેસ ફરી લાધા યુગમાં ગરકાવ થઈ જાત. આમ પાટીલની ચૂંટણીલક્ષી વ્યુહરચના કાર્યકરોને માફક ન આવી હોય પરંતુ પ્રજાજનોને તેનો સ્વીકાર કર્યો છે. પેજ સમીતી ખરેખર ભાજપ માટે બ્રહ્માસ્ત્ર પુરવાર થઈ છે. ગત ચૂંટણીમાં ભાજપ ૩૮ બેઠકો પર જીત્યું હતું અને બે બેઠકોની પેટા ચૂંટણીમાં વિજેતા બનતા ૪૦ બેઠકો સુધી પહોંચ્યું હતું. આ વખતે ભાજપને ૬૮ બેઠકો મળી અને ગત ટર્મ કરતા બેઠકોની સંખ્યા ૨૮ વધી છે.

મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીના હોમટાઉનમાં ભાજપને મળેલા ઐતિહાસિક જીત બાદ રાજયભરમાં કાર્યકરોમાં જબરજસ્ત ઉત્સાહ જોવા મળી રહ્યો છે. આજે રાજકોટમાં ભાજપના વિજેતા ઉમેદવારોએ વિજય સરઘસ કાઢયા હતા અને શહેર ભાજપ કાર્યાલય ખાતે પણ ઐતિહાસિક વિજયના ભારે હર્ષોલ્લાસ સાથે વધામણા કરાયા હતા.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.