પાક.ના ધર્મ ઝનુનીઓએ પૌરાણિક હિંદુ મંદિરને ઘ્વંશ કર્યું

મંદિરમાં આગ ચાંપવાનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયા બાદ પણ પોલીસ કાર્યવાહીના નામે શૂન્ય

પાકિસ્તાનમાં બુધવારે ધર્મ જનુનીઓએ ખૈબર પખ્તુનખ્વા ખાતે પૌરાણિક હિંદુ મંદિરને ઘ્વંશ કરી નાખ્યું હતું. ધર્મ જનુનીઓએ મંદિરમાં આગ ચાંપી દેતા મંદિરનું અસ્તિત્વ નાબૂદ થઈ ગયું હતું. મામલામાં જિલ્લા પોલીસ અધિકારીએ કહ્યું હતું કે, ઘટના ટેર્રી ગામ ખાતેની છે. અહીં મંદિરને રીનોવેશનનું કામ ચાલી રહ્યું હતું જેનો વિરોધ પણ કરાઈ રહ્યો હતો. ધર્મ જનુનીઓ દ્વારા મંદિરના નવનિર્માણને ઘ્વંશ કરી દેવામાં આવ્યું છે. હાલ સુધી મામલામાં કોઈપણ ફરિયાદ નોંધવામાં આવી નથી. સોશિયલ મીડિયામાં મંદિરમાં તોડફોડનો વિડીયો વાયરલ થયો છે જે બાદ પાકિસ્તાની વડાપ્રધાન ઈમરાન ખાનની આલોચના પણ થઈ રહી છે.

પાકિસ્તાનમાં જમીયત ઉલેમા-એ-ઈસ્લામ ફઝલ નામની રાજકીય પક્ષની રેલી ચાલી રહી હતી જેમાં મોટા ટોળાઓનો સમાવેશ થતો હતો. ચાલુ રેલી દરમિયાન અચાનક એક ટોળુ મંદિર તરફ ધસી ગયું હતું અને મંદિરમાં તોડફોડ શરૂ કરી હતી. ધર્મ જનુનીઓને ફકત તોડફોડથી સંતોષ નહીં થતા મંદિરમાં આગ પણ લગાવી દેવામાં આવી હતી. આ મંદિરની જો વાત કરવામાં આવે તો શ્રી પરમહંસ સ્વામિ મહારાજની વર્ષ ૧૯૧૯માં દેવગતિ થયા બાદ ભકતો દ્વારા તેમના સમાધિ સ્થળે મંદિરનું નિર્માણ કરવામાં આવ્યું હતું. સ્વામીના ભકતો મોટાભાગે દક્ષિણ સીંધ વિસ્તાર તરફથી આવે છે. ઉલ્લેખનીય બાબત છે કે પાકિસ્તાનમાં પણ અનેકવિધ હિંદુ ધર્મ પાળનારા લોકો વસવાટ કરે છે.

પાકિસ્તાનનાં માનવ અધિકારોના સંસદીય સચિવ લાલચંદ મલ્હીએ ઘટના અંગે કહ્યું હતું કે, અમુક અસામાજિક તત્વો દ્વારા મંદિરમાં તોડફોડ કરવામાં આવી છે. પાકિસ્તાનને બદનામ કરવાના ઈરાદાથી આ પ્રકારની અસામાજીક પ્રવૃતિઓ માટે એક જૂથ સક્રિય થયું છે. સરકાર આવી ઘટનાને બિલકુલ ચલાવી લેશે નહીં. મલ્હીએ કહ્યું હતું કે, અમે આ મામલે તંત્ર સાથે વાતચીત કરી છે તેમજ ફરિયાદ દાખલ કરી તમામ આરોપીઓની અટકાયત કરી કાયદેસરની કાર્યવાહી કરવા અંગે પણ જિલ્લા પોલીસ તંત્રને સુચના આપી દેવામાં આવી છે. ખૈબર પખ્તુનખ્વાના મુખ્યમંત્રી મહમુદખાને પણ ઘટનાની નિંદા કરી છે. તેમણે કહ્યું હતું કે, અમે આ મામલે પોલીસ પાસેથી તાત્કાલિક ધોરણે રિપોર્ટ માંગ્યો છે અને ઘટનામાં સંકળાયેલા તમામ આરોપીઓની ધરપકડ કરવા પણ નિર્દેશ આપ્યો છે. ખાને વધુમાં કહ્યું હતું કે, સરકાર આ પ્રકારના મંદિરોની રક્ષા કરવા માટે કટીબઘ્ધ છે.

હિંદુ સમુદાયના પૈશાવરના નેતા હારૂન શરબદિયાલે આ અંગે કહ્યું હતું કે, આ સ્થળ હિંદુ ધાર્મિક ગુરૂની સમાધિનું સ્થળ છે. દેશભરનાં હિંદુ પરિવારો અહીં ગુરૂવારના રોજ દર્શનાર્થે આવતા હોય છે. આ પ્રકારની ઘટનાના પરિણામે દેશભરનાં હિંદુ સમુદાયોની ભાવનાઓને ઠેસ પહોંચી છે. દિયાલે કહ્યું હતું કે, વડાપ્રધાન ઈમરાન ખાન પાકિસ્તાનમાં ધાર્મિક પર્યટનને વિકસિત કરવાની વાતો કરે છે પરંતુ તેમના જ દેશમાં અલ્પસંખ્યકોના ધાર્મિક સ્થળો સુરક્ષિત નથી. એક સત્તાવાર માહિતી મુજબ પાકિસ્તાનમાં આશરે ૭૫ લાખ હિંદુઓ વસવાટ કરે છે જોકે સમુદાયના અંદાજ મુજબ ૯૦ લાખથી પણ વધુ હિંદુઓ દેશમાં વસવાટ કરે છે.

પાકિસ્તાનની ધર્મજનુની પ્રજાએ અગાઉ પણ અનેક મંદિરો પર હુમલા કર્યા છે. ગત મહિનામાં પાકિસ્તાનના સિંધ વિસ્તારમાં ધર્મજનુની પ્રજાએ હિંદુ મંદિર પર હુમલો કરી તોડફોડ કરી હતી. ઉપરાંત ૩૦૦ હિન્દુ પરિવારો પર હુમલો કરવાનો પ્રયત્ન પણ કરાયો હતો જોકે દાયકાઓથી સાથે રહેતા મુસ્લિમ પરિવારોએ ધર્મ જનુની પ્રજાને આવું કરતા અટકાવ્યા હતા.

જમીયત ઉલેમા-એ-ઈસ્લામની રેલી સમયે જ આ હુમલો કરવામાં આવ્યો હતો. પ્રાથમિક માહિતી મુજબ રેલીમાંથી જ એક ટોળુ મંદિર પર હુમલો કરવા ધસી ગયું હતું. આ અંગે જમીયત ઉલેમા-એ-ઈસ્લામના ચીફ મૌલાના અતુલ રહેમાનને માહિતી મળતા તેઓ કશું બોલ્યા ન હતા. તેમજ ટોળાને અટકાવવાનો પણ પ્રયત્ન કર્યો ન હતો. તેમણે કહ્યું હતું કે, આગમાં ખાખ થઈ રહેલા મંદિરથી અમારા પક્ષને કોઈ જ નિસબત નથી જેથી અમે કંઈ કરી શકીએ નહીં. મૌલાનાના આ નિવેદન બાદ અનેકવિધ સવાલો પણ ઉપસ્થિત થઈ રહ્યા છે.