શ્રીનગરમાં જી 20ની બેઠકથી પાક. ધુંઆપૂંઆ

ભારતે જમ્મુ કાશ્મીરમાં આતંકી હુમલાના એલર્ટ વચ્ચે પણ જી 20ની બેઠક યોજી છે. ખાસ કરીને મેલીમુરાદવાળા ચીન અને પાકિસ્તાન આ બેઠકમાં ભાગ લેવા આવ્યા નથી. જો કે બીજા અનેક શક્તિશાળી દેશો આ બેઠકમાં ભાગ લેવા પધાર્યા હોય અને તેઓ ભારતમાં દૂધમાં સાકળ ભળે તેમ ભળી ગયા હોય ચીન અને પાકિસ્તાનના પેટમાં જાણે તેલ રેડાયું હોય તેવી સ્થિતિ ઉભી થઇ છે.

એક તરફ ભારત જમ્મુ-કાશ્મીરમાં જી-20 બેઠક ચલાવી રહ્યું છે તો બીજી તરફ પાકિસ્તાન આ ઘટનાથી રોષે ભરાયું છે.   ભારતના આમંત્રણ પર વિશ્વભરમાંથી મહેમાનો આ બેઠકોમાં ભાગ લેવા આવ્યા છે. પાકિસ્તાનના વિદેશ મંત્રી બિલાવલ ભુટ્ટો ઝરદારી હવે જમ્મુ અને કાશ્મીર પર ભારત વિરુદ્ધ પાકિસ્તાનના અવાજ સાથે મેળ ન ખાવા માટે આંતરરાષ્ટ્રીય સમુદાયની ટીકા કરી રહ્યા છે.  તે કહે છે કે ’અસ્થાયી હિત માટે સ્થાયી સિદ્ધાંતોને બલિદાન આપવું’ શાણપણ નથી.  બિલાવલે પાકિસ્તાન અધિકૃત કાશ્મીરમાં ભારત વિરુદ્ધ ઝેર ઓક્યું છે.

“આજે હું વિશ્વને પૂછું છું કે, શું કોઈપણ દેશને સંયુક્ત રાષ્ટ્ર પ્રત્યેની તેની પ્રતિબદ્ધતાઓ પર પાછા જવાની, તેના વચનો તોડવાની અને આંતરરાષ્ટ્રીય કાયદાનું ખુલ્લેઆમ ઉલ્લંઘન કરવાની મંજૂરી આપી શકાય છે?” બિલાવલે તેવું કહીને ઉમેર્યું કે “યુએન સુરક્ષા પરિષદના ઠરાવો હેઠળની પ્રતિબદ્ધતાઓ પવિત્ર છે.  ન તો કોઈપણ અંધકારવાદી રાજકીય પક્ષ તેમના પર નજર રાખી શકે છે અને ન તો સમયની સાથે તેઓ નબળા પડી શકે છે.

ભારત જમ્મુ અને કાશ્મીરમાં જી-20 ટૂરિઝમ વર્કિંગ ગ્રુપની બેઠકો યોજી રહ્યું છે.  બિલાવલે કહ્યું, “આ ઈવેન્ટનું આયોજન કરીને, ભારત જી-20 અધ્યક્ષ તરીકેની પોતાની સ્થિતિનો ’દુરુપયોગ’ કરી રહ્યું છે.  વૈશ્વિક મંચ પર ભારતના ઘમંડનું આ બીજું પ્રદર્શન છે.  પાકિસ્તાનના વિદેશ મંત્રીએ જમ્મુ-કાશ્મીરમાં કાશ્મીરી મુસ્લિમો પર અત્યાચારના ભારત સરકાર પર પાયાવિહોણા આક્ષેપો કર્યા અને ખુલ્લેઆમ ઝેર ઓક્યું.  તેમણે આંતરરાષ્ટ્રીય સમુદાયને અપીલ કરી કે ભારતને કાશ્મીરનો વિશેષ દરજ્જો પુન:સ્થાપિત કરવા વિનંતી કરે જે 5 ઓગસ્ટ 2019 ના રોજ રદ કરવામાં આવ્યો હતો.

તાજેતરમાં જ બિલાવલ ભુટ્ટો શાંઘાઈ કોઓપરેશન ઓર્ગેનાઈઝેશનના વિદેશ મંત્રીઓની બેઠકમાં ભાગ લેવા ભારત આવ્યા હતા.  12 વર્ષમાં પાકિસ્તાનના વિદેશ મંત્રીની આ પ્રથમ ભારત મુલાકાત હતી.  ભારતમાં, તેમણે વારંવાર અલગ-અલગ મંચો પર એ જ જૂની કાશ્મીરની ધૂન ગાયા.  તેના જવાબમાં ભારતના વિદેશ મંત્રી એસ જયશંકરે તેમને ’આતંકવાદનો પ્રવક્તા’ ગણાવ્યા હતા.  તેમણે કહ્યું, ’તેમને જી-20 સાથે કોઈ લેવાદેવા નથી.  તેમને શ્રીનગર અને કાશ્મીર સાથે પણ કોઈ લેવાદેવા નથી.  તેઓએ જણાવવું જોઈએ કે તેઓ જમ્મુ-કાશ્મીરના ગેરકાયદે કબજા હેઠળના વિસ્તારો ક્યારે ખાલી કરી રહ્યા છે.