Abtak Media Google News

નાદારીથી બચવા પાકિસ્તાન ઇન્ટરનેશનલ મોનેટરી ફંડ પાસે નાણાંની ‘ગુહાર’ લગાવી રહ્યું છે

દેવાડિયું પાકિસ્તાન હવે ભાડું ચૂકવવામાં પણ નિષ્ફળ નીકળ્યું છે ત્યારે મલેશિયાએ પાકનું પ્લેન ભાડું ન ચૂકવતા જપ્ત કરી લીધું છે. આર્થિક રીતે કંગાળ પાકિસ્તાનમાં લોકોના જીવન ઘણાં જ દોહ્યલાં થઈ ગયા છે. આકાશને આંબતી મોંઘવારીનો સામનો કરવા માટે નિષ્ફળ પાકિસ્તાન સરકારની પાસે એરલાઈન્સ ચલાવવાના પણ પૈસા નથી. પાકિસ્તાનની સ્થિતિ અત્યારે એવી થઈ ગઈ છે કે તેઓ ઈસ્લામિક દેશોની સામે ભીખનો કટોરો લઈને પહોંચી રહ્યાં છે. યુએઈ અને સાઉદી આરબ જેવા ઈસ્લામિક દેશોએ જ્યાં પાકિસ્તાનને સહાય આપી મલમ લગાડવાનું કામ કર્યું છે, તો બીજી બાજુ એક ઈસ્લામિક દેશે પાકિસ્તાનની બગડતી જતી અર્થવ્યવસ્થા પર મીઠું ભભરાવવાનું કામ કર્યું છે. ઈસ્લામિક દેશ મલેશિયાએ પાકિસ્તાનને લીઝ પર આપેલા પોતાના વિમાનના પૈસા ન ચુકવવાને કારણે તેને જપ્ત કરી લીધું છે.

પાકિસ્તાન ઈન્ટરનેશનલ એરલાઈન્સના બોઈંગ 777 વિમાનને મલેશિયાના કુઆલામ્પુર ઈન્ટરનેશનલ એરપોર્ટ પર એક લીઝના વિવાદને લઈને જપ્ત કરી લીધું છે. બોઈંગ 777ને મલેશિયાથી લીઝ પર પાકિસ્તાન ઈન્ટરનેશનલ એરલાઈન્સ તરફથી હસ્તગત કર્યું હતું. બીએમએચ રજીસ્ટરવાળા વિમાનને બીજી વખત કુઆલામ્પુર એરપોર્ટ પર 40 લાખ ડોલરની બાકી રકમ ન ચુકવવાને લઈને રોકવામાં આવ્યું હતું. બાકી નીકળતી રકમ ન ચુકવવાને કારણે એક સ્થાનિક કોર્ટના આદેશ બાદ કંપનીએ પાકિસ્તાનના વિમાનને જપ્ત કરી લીધું છે.

આ પહેલા પણ બાકી નીકળતી રકમને લઈને મલેશિયામાં પાકિસ્તાન ઈન્ટરનેશનલ એરલાઈન્સના વિમાનને જપ્ત કરાયું હતું. બાદમાં બાકી નીકળતી રકમ પર પાકિસ્તાન અધિકારીઓ દ્વારા આશ્વાસન પર વિમાનને છોડવામાં આવ્યું હતું. ત્યારે જપ્ત પાકિસ્તાન ઈન્ટરનેશનલ એરલાઈન્સના વિમાનને 27 જાન્યુઆરીએ 173 યાત્રિકો અને ક્રૂ મેમ્બર્સના સભ્યોની સાથે પાકિસ્તાન પરત લાવવામાં આવ્યું હતું.ત્યારે આ વખતે જોવાનું રહેશે કે હાલ જપ્ત કરાયેલા વિમાનને છોડાવવા પાકિસ્તાન હવે કઈ ચાલ ચાલે છે. એવામાં તે સ્પષ્ટ છે કે પાકિસ્તાનની અર્થવ્યવસ્થાની દુર્દશાના આવા કિસ્સાઓ હજુ વધુ સામે આવતા રહેશે કેમકે ભારતના પાડોશી દેશની પાસે ન તો દેશની અંદર વ્યવસ્થાની તાકાત છે કે ન તો દેવાં ઓછા થઈ રહ્યાં છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.