પાકિસ્તાનને ચો-મેરથી ધિક્કાર, અફઘાનિસ્તાન પણ ચોખ્ખું બનવા હવે બનાવી રહ્યું છે દુરી 

પાકના નાપાક ઈરાદાથી વિશ્વના દેશો હવે કંટાળી ગયા

અફઘાનિસ્તાનમાં તાલિબાનને સમર્થન આપી નાપાક ઈરાદાઓ પાર પાડવાના પ્રયાસમાં પાકિસ્તાન બરાબર ભીડાઈ ગયું, હવે અમેરિકા પણ પાકિસ્તાનનું કટ્ટર વિરોધી બન્યું

પાકિસ્તાનના નાપાક ઈરાદાઓથી હવે વિશ્વભરના દેશો કંટાળી ગયા છે. પાકિસ્તાનને ચારેય દિશાઓમાંથી ધિક્કાર મળી રહ્યો છે. અફઘાનિસ્તાન પણ ચોખ્ખું બનવા માટે હવે પાકિસ્તાનથી દુરી બનાવવા ઇચ્છતું હોય તેવો ઘાટ સર્જાઇ રહ્યો છે. સામે આવતા દિવસોમાં પાકિસ્તાન સામે અમેરિકાની કાર્યવાહી થાય તેવા પણ અણસાર મળી રહ્યા છે.

અફઘાનિસ્તાનમાંથી અમેરિકાએ પોતાની સેના પાછી બોલાવી અને તે બાદ તાલિબાન રાજની સાથે સાથે વધતાં આતંકવાદનાં કારણે વિશ્વભરમાં અમેરિકાની જબરદસ્ત બદનામી થઈ રહી છે. રાષ્ટ્રપતિ બાયડનનાં નિર્ણયો સામે પણ સવાલો ઊભા કરવામાં આવી રહ્યા છે ત્યારે હવે અમેરિકા પાકિસ્તાન સામે કોઈ મોટો નિર્ણય લેવાની તૈયારીમાં હોય તેવું માનવામાં આવી રહ્યું છે.

અમેરિકામાં પાકિસ્તાન સામે જબરદસ્ત ગુસ્સો છે અને સંસદમાં પાકિસ્તાન સામે કાર્યવાહીની માંગ ઉઠી રહી છે. એવામાં પાકિસ્તાનમાં ઈમરાન સરકાર અને સેનામાં જોરદાર ચિંતા ફેલાઈ ગઈ છે. પાકિસ્તાનનાં પ્રધાનમંત્રી ઈમરાન ખાન કેટલાય મહિનાથી બાયડન સાથે ફોન પર વાતચીત થાય તેની રાહ જોઈ રહ્યા છે પરંતુ હજુ સુધી શક્ય બન્યું નથી. હાલમાં જ સૂત્રો અનુસાર સમાચાર સામે આવ્યા હતા કે પાકિસ્તાની સેનાના પ્રમુખ બાજવાએ ચિંતા વ્યક્ત કરી હતી કે અમેરિકા ગમે ત્યારે પાકિસ્તાન પર કડક પ્રતિબંધો લગાવી શકે છે.

અમેરિકાનાં વિદેશ મંત્રી એન્ટની બ્લિંકને ગયા સપ્તાહમાં જ સ્વીકાર્યું હતું કે અફઘાનિસ્તાનમાં પાકિસ્તાન નો રોલ શંકાસ્પદ રહ્યો છે અને અમેરિકા પોતાના સંબંધોને લઈને નિર્ણય લેશે. તેમણે કહ્યું કે પાકસ્તાને જ હક્કાનીનાં આતંક વાદીઓને શરણ આપી છે જે અમેરિકાના વિરુદ્ધ છે નોંધનીય છે કે અફઘાનિસ્તાનમાં તાલિબાન શાસન થયું તે પહેલાથી જ આખું પાકિસ્તાન ખૂલીને આતંકવાદી ઓની સરકારનાં સમર્થનમાં નિવેદનો આપ્યા હતા અને ઈમરાન ખાને તો દુનિયાભરનાં દેશોને બ્લેકમેલ કરવાના પ્રયાસો કર્યા હતા. તેમણે કહ્યું કે દુનિયા તાલિબાનને દેશ ચલાવવા માટે પૈસા આપે. જો નહીં આપે તો ગૃહયુદ્ધ છેડાઈ જશે.

બીજી તરફ અફઘાનિસ્તાન વૈશ્વિક માન્યતા મેળવવા માટે હવાતિયાં મારી રહ્યું છે. ત્યારે તેને પણ બરાબર રીતે સમજાય ગયું છે કે જો પાકિસ્તાન સાથે નજીકના સંબંધો બનાવ્યા તો તેની છબી સુધારવાને બદલે વધુ ખરડાઈ જશે. જેથી હવે અફઘાનિસ્તાને પાકિસ્તાનથી પણ દુરી બનાવવાનું શરૂ કર્યું છે.ઉલ્લેખનીય છે કે અફઘાનમાં તાલિબાનનું શાસન સ્થપાતા વિશ્વના તમામ દેશોમાં ગતિવિધિઓ તેજ બની હતી. પાકિસ્તાન અફઘાનિસ્તાનને સાથે રાખી પોતાની મેલી મુરાદ પુરી કરવાના સપના જોવા લાગ્યું હતું પણ હવે તેના આ સપના ઉપર પાણી ઢોળાયુ છે. અમેરિકા સહિતના દેશો તેની ચાલબાજી સમજી જતા હવે પાકિસ્તાન ઉપર ધિક્કાર વર્ષી રહ્યો છે.

અફઘાનને માન્યતા આપવાની હાલ કોઈ વિચારણા નથી : રશિયા

અફઘાનિસ્તાનમાં તાલિબાનનું શાસન સ્થપાયા બાદ રશિયા તેને માન્યતા આપશે તેવી વાત વહેતી થઈ હતી. જો કે રશિયાનું ત્યારે સ્ટેન્ડ શુ હતું તે ચોક્કસ પણે કહી શકાય નહીં. પણ રશિયા બરાબર જાણે છે કે તાલીબાનને સાથ આપી સામેથી બદનામ થવા જેવું છે. એટલે હવે તેને પોતાનું સ્ટેન્ડ ક્લિયર કરી દીધું છે. રશિયન વિદેશ મંત્રી સેરગેઈ લવરોવે કહ્યું કે તાલિબાનને આંતરરાષ્ટ્રીય માન્યતા આપવાની વાત હાલમાં વિચારણા હેઠળ પણ નથી. તેઓએ જણાવ્યું હતું કે,રશિયા, ચીન,પાકિસ્તાન અને એમેરિકાએ મળીને તાલિબાન તેમના વચનોનું પાલન કરે તે દિશામાં કામ કરવું જોઈએ.

તાલિબાનના વિદેશ મંત્રી અમીરખાન મુત્તાકીએ સોમવારે જૂથના દોહા સ્થિત પ્રવક્તાની વરણી કરી હતી. જેમાં સુહેલ શાહીનને અફઘાનિસ્તાનના યુએન રાજદૂત તરીકે નીમ્યા છે. ભૂતપૂર્વ અફઘાન સરકારના યુએન એમ્બેસેડર ગુલામ ઇસાકઝાઇએ પણ તેમના યુએન માન્યતાને રિન્યૂ કરવાનું કહ્યું છે.  રશિયા નવ સભ્યની યુએન સમિતિનું સભ્ય છે. ત્યારે સમિતિમાં આ વર્ષના અંતમાં અફઘાનિસ્તાનની યુએન બેઠક પર સ્પર્ધાત્મક દાવાઓનો સામનો કરવામાં આવશે.

માન્યતા માટે મોટાભાગના દેશોની ચોખ્ખી ના,  છતાં તાલિબાનનો દાવો કે ટૂંક સમયમાં જ સ્વીકૃતિ મળી જશે

તાલિબાન સરકારના માહિતી અને સંસ્કૃતિ વિભાગના ડેપ્યુટી મિનિસ્ટર અને તાલિબાનના પ્રવક્તાઝબીઉલ્લાહ મુજાહિદે અહેવાલ આપ્યો છે કે વિશ્વ તાલિબાનને ટૂંક સમયમાં માન્યતા આપી દેશે. નાયબ મંત્રીએ કહ્યું કે સંખ્યાબંધ દેશોના પ્રતિનિધિઓએ અફઘાનિસ્તાનની મુલાકાત લીધી છે અને તેઓએ  યુએન મહાસચિવને માન્યતા માટે પત્ર પણ મોકલ્યો છે. મુજાહિદે કહ્યું કે આ માન્યતા મેળવવાનો તેમનો અધિકાર છે અને ઉમેર્યું કે તાલિબાન યુએન સાથે વાતચીત પણ કરી રહ્યું છે.

આંતરરાષ્ટ્રીય સમુદાય દ્વારા તાલિબાનને માન્યતા આપવાની શરતો મૂકી હતી. જેમાં માનવીય અને મહિલા અધિકારોનું સન્માન, એક સર્વસમાવેશક સરકાર બનાવવી, અને અફઘાનિસ્તાનને આતંકવાદ અને ઉગ્રવાદ માટે સુરક્ષિત આશ્રયસ્થાન બનતું અટકાવવુ વગેરેનો સમાવેશ થતો હતો. અફઘાનિસ્તાનના ઇસ્લામિક અમીરાતએ આ બધાને અમલમાં મૂકવાનું વચન આપ્યું છે. જો કે હકીકતમાં તાલિબાને તેમાંથી એક પણ વચન પાડ્યું નથી તેવું ત્યાનું જ સ્થાનિક મીડિયા કહી રહ્યું છે. દરમિયાન, રશિયા, યુનાઇટેડ સ્ટેટ્સ, જાપાન, કેનેડા, ફ્રાન્સ, યુકેએ જાહેર કર્યું છે કે તેઓ તાલિબાન દ્વારા રચાયેલી સરકારને માન્યતા આપવાની યોજના બનાવી રહ્યા નથી.

તાલિબાનના ડરથી હજારોે અફઘાનીઓ ઈરાનની સરહદે આશ્રય માટે પહોંચ્યા

તાલિબાને 15 ઓગસ્ટના રોજ અફઘાનિસ્તાનની રાજધાની કાબુલ પર કબજો કર્યો ત્યારથી હિંસા, દમન અને માનવાધિકારના ઉલ્લંઘનમાં વધારો થયો છે. ત્યારથી, ઉથલાવી દેવાયેલી સરકારના ભૂતપૂર્વ કર્મચારીઓ અને વિદેશી દળોના સમર્થકો સહિત હજારો અફઘાન નાગરિકો પડોશી દેશો અને દૂરના દેશોમાં ભાગી ગયા છે.હજારો અફઘાનીઓ ઈરાન સરહદ તરફ આશ્રય મેળવવા માટે આવી રહ્યા છે.

આશ્રય મેળવનારાઓમાં એક 22 વર્ષીય અફઘાન સરકારના ભૂતપૂર્વ પોલીસ અધિકારી અબ્દુલ અહદનો સમાવેશ થાય છે.  આહદે કહ્યું, “મેં મારી નોકરી ગુમાવી દીધી છે, અને મને નોકરીની શોધમાં (અફઘાનિસ્તાન) છોડવાની ફરજ પડી છે જેથી હું મારા પરિવારને ખવડાવી શકું.”  ફરાહ પ્રાંતના ભૂતપૂર્વ પોલીસ અધિકારી, અહદ તેના ભવિષ્યમાં શું છે તે અંગે અચોક્કસ છે પરંતુ અફઘાનિસ્તાનમાં હવે “ભવિષ્ય માટે કોઈ આશા નથી”.  તેમણે કહ્યું, “મને ખબર નથી કે હું ઈરાનમાં શું કરીશ પરંતુ ઓછામાં ઓછા હું થોડા પૈસા પર ત્યાં નોકરી શોધી શકું. મહિલાઓ અને બાળકોને શિક્ષણ અને આરોગ્યસંભાળ અને રોજગાર જેવા પ્રાથમિક અધિકારો પણ પૂરા પાડવામાં આવતા નથી. જેથી લોકોને દેશ છોડવાની ફરજ પડી છે.