Abtak Media Google News

તમામ પ્રકારની દવાઓથી માંડી ઓકિસજન સુધીની વ્યવસ્થાઓ તેમજ સાત્વિક ભોજનની સુવિધા ઉપલબ્ધ કરાઈ

 

હાલ ભાવનગર શહેર અને જિલ્લામાં કોરોના કહેર મચાવ્યો છે રોજબરોજ મોટી સંખ્યામાં કોરોના પોઝિટિવ કેસ નોંધાયા છે. ત્યારે હવે સરકારી તંત્ર પણ તેની સામે લાચાર બની ગયું છે, કારણકે હોસ્પિટલમાં બેડની સંખ્યા ખૂટી ગઈ છે અને બીજી બાજુ ખાનગી હોસ્પિટલો મસમોટા બીલો બનાવી અને દર્દીઓને લૂંટી રહ્યા છે. આવા સંજોગોમાં ગરીબ લોકો સારવાર માટે જાય તો જાય ક્યાં તેવી પરિસ્થિતિ સર્જાઇ છે. ત્યારે પાલીતાણા તાલુકાના એક યુવાન ડોક્ટર અને એક યુવકે ભેગા મળી વિચાર આવ્યો અને માત્ર બે દિવસના સમયગાળામાં 50 બેડ ની કોવિડ કેર સેન્ટર હોસ્પિટલ શરૂ કરી દીધી, હોસ્પિટલ શરૂ થતાની સાથે જ કલાકમાં પાંચ થી સાત દર્દીઓ પણ ત્યાં સારવાર લેતા થઈ ગયા.

પાલીતાણા તાલુકાના વડાળ ગામના યુવક હરેશભાઈ કામળિયા ને મનમાં વિચાર આવ્યો કે હાલ કોરોનાના દર્દીઓ આમથી તેમ ભટકી રહ્યા છે તેમ છતાં તેમને સારવાર મળતી નથી આવા સંજોગોમાં તેઓ તેમના માટે શું કરી શકે ? તે વિચારને લઈને તેમને કોવિડ કેર સેન્ટર ઊભું કરવાનો વિચાર આવ્યો અને તેમણે એક શૈક્ષણિક સંસ્થાનો સંપર્ક કરતા સંસ્થા તરફથી તેમને મોટી પાણીયાળી ગામે ખારો ડેમ પાસે બિલ્ડીંગ મળી ગયું, તંત્ર તરફથી તેમને તાત્કાલિક પરમિશન મળી ગઈ અને સારવાર માટે પાણીયાળી ગામના યુવા ડોક્ટર પ્રભંજન દુધરેજીયા તેમની સંપૂર્ણ ટીમ સાથે તેમનું ખાનગી હોસ્પિટલ બંધ કરી અને સેવા માટે આ કોવિડ કેર સેન્ટર માં જોડાઈ ગયા, અને ન કોઈ મોટા ટાયફા વિના જ બસ બેડ ગોઠવાઈ ગયા અને દર્દીઓની સારવાર શરૂ થઈ ગઈ છે.આ કોવિડ કેર સેન્ટરમાં સારવાર માટે સેવા આપતા ડો.પ્રભંજન દુધરેજિયાએ જણાવ્યું હતું કે તેઓ હાલ જ કોરોના માંથી માંડ માંડ બચ્યા અને બહાર આવ્યા છે ત્યારે તેમને પણ વિચાર આવ્યો કે જો મારી જિંદગી બચી છે તો હું હવે આ જિંદગી બીજા માટે કેમ ના ઉપયોગમાં લઉ અને બસ તે વિચાર સાથે તેમને તેમની ખાનગી હોસ્પિટલના તમામ સ્ટાફ આ કોવિડ કેર સેન્ટરમાં સેવામાં લગાડી દીધો, અને પોતે પણ ત્યાં તબીબ તરીકે સેવા આપી રહ્યા છે. અહીં આવતા દર્દીઓને એક પણ રૂપિયા વગર તમામ પ્રકારની દવાઓ થી માંડી ઓક્સિજન સુધીની વ્યવસ્થાઓ કરવામાં આવે છે, તેમજ તેમની સાથે આવેલા લોકો અને દર્દી માટે સાત્વિક ભોજનની પણ વ્યવસ્થા આ જ સંસ્થા ખાતે કરવામાં આવી છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.