Abtak Media Google News

અબતક, રાજકોટ

ભાવનગર જિલ્લાના પાલીતાણા ટાઉનમાં આવેલ બે હીરાના કારખાના તાળા તોડી એક હીરાના કારખાનાની તીજોરી કટરથી કાપી 7.80 લાખની કિંમતના હીરા અને 70 હજારની રોકડની થયેલી ચોરીનો ભેગ એલ.સી.પી.એ ઉકેલી નાખી બે શખ્સોની ધરપકડ કરી રૂા.3.95 લાખનો મુદ્ામાલ કબ્જે કર્યો હતો.

3.95 લાખનો મુદામાલ કબ્જે : સુત્રધાર સુરતની 82 લાખ અને 22 લાખની ચોરીમાં પકડાઇ ચુક્યો છે

આ અંગેની મળતી માહિતી મુજબ પાલીતાણા તાલુકાના પીપરડી ગામે રહેતા અને ટાઉનમાં પીપડા વિસ્તારમાં હીરાનું કારખાનું ધરાવતા હરેશભાઇ રવજીભાઇ જાદવ (ઉ.વ.35)એ તા.27/6/22ના રોજ પોલીસ મથકમાં ફરીયાદ નોંધાવી હતી.પોલીસ ફરિયાદમાં જણાવ્યા પ્રમાણે તા.26/6/22ની રાત્રે તસ્કરીએ હીરાના કારખાનાના તાળા તોડી લોંખડની તીજોરી કટરથી કાપી તેમાં રહેલ રૂા.2 લાખની કિંમતના 32 કેરેટના હીરા તેમજ રૂા.5.80 લાખની કિંમતના 183 કેરેટના હીરા, 70 હજારની રોકડ તેમજ સીસીટીવી કેમેરાનું ડી.વી.આર. મળી 8,55,000ની માલમતા ચોરાઇ હોવાનું જણાવ્યું હતું.આ ઘટનાની તપાસમાં એલ.સી.બી.એ અગાઉ આવી ચોરી કરવાની ટેવવાયા ગુનેગારોની માહિતી એકત્ર કરી હતી અને સી.સી.ટી.વી. ફૂટેજ ચેક કર્યા હતા. જેમાં બે શંકાસ્પદ વ્યક્તિ નજરે પડ્યા હતા. જેના આધારે બાતમી પરથી માલપરા ગામના બસ સ્ટેન્ડ પરથી સાવરકુંડલાના ગાધડકા ગામના રાજુ લાલજી ઠુમ્મર (ઉ.વ.35)  અને સુરત પ્રમુખ સાંઇ સોસાયટીમાં રહેતા રમેશ જેરામ ખીખર (ઉ.વ.58)ની ધરપકડ કરી રૂા.3.90 લાખના હીરા અને મોબાઇલ મળી 3.95 લાખનો મુદ્ામાલ કબ્જે કર્યો હતો.

પોલીસની પૂછપરછમાં આરોપી રાજુ ઠેમ્મર અગાઉ સુરતમાં એ.ટી.એમ. તોડ્યાના ગુન્હામાં તેમજ સુરત કાપોદ્રામાં હીરાના કારખાનાની તીજોરી કટરથી કાપી 22 લાખના હીરા અને વરાછા વિસ્તારમાં હીરાના કારખાનામાં તીજોરી કટરથી કાપી 82 લાખની ચોરીના ગુન્હામાં પકડાઇ ચુક્યો છે. આ કામગીરી એલ.સી.બી.ના પી.આઇ. બી.બી.ઓડેદરા, પી.એસ.આઇ. એન.જી. જાડેજા સહિતના સ્ટાફે કરી હતી.

 

 

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.