જુનાગઢ જિલ્લાના 413 ગામોમાં પંચાયતની ચૂંટણી યોજાશે

ચૂંટણી જંગની તૈયારી: રાજ્ય ચૂંટણી આયોગ દ્વારા ગ્રામ પંચાયતોની ચૂંટણી માટેની જાહેરાત કરતાની સાથે જ રાજકીય પક્ષો તૈયારીમાં જોડાયા: 18 ગામોમાં પેટા ચૂંટણી પણ યોજાશે: 3442 વોર્ડમાં સામાન્ય ચૂંટણીને લઇ તંત્ર દ્વારા તૈયારીઓ ધમધમાટ

અબતક,દશર્ન જોશી, જુનાગઢ.

રાજ્ય ચૂંટણી આયોગ દ્વારા ગ્રામ પંચાયતોની ચૂંટણી માટેની જાહેરાત કરતાની સાથે જ તંત્ર દ્વારા ચૂંટણી અંગેની તૈયારીનો ધમધમાટ શરૂ થઈ ગયો છે. બીજી બાજુ ગામડાઓમાં રાજકીય પક્ષો દ્વારા ગ્રામ પંચાયતો જીતી લેવા માટેની ચોકઠાબાજી શરૂ કરી દીધી છે.

આગામી તા. 19 ડિસેમ્બર 2021ને રવિવારના રોજ રાજ્ય ચૂંટણી આયોગ દ્વારા જૂનાગઢ જિલ્લાની 413 ગામોમાં ગ્રામ પંચાયતોની સામાન્ય ચૂંટણી યોજાશે. જ્યારે 18 ગામોમાં પેટાચૂંટણી યોજાશે. જે માટે ચૂંટણી પંચે જાહેરનામું બહાર પાડી ઉમેદવારીપત્રો ભરવાની છેલ્લી તારીખ 4 ડિસેમ્બર, ઉમેદવારી ચકાસણીની તારીખ 6 ડિસેમ્બર, ઉમેદવારીપત્રો ખેચવાની તારીખ 7 ડિસેમ્બર, મતદાનની તારીખ 19 ડિસેમ્બર અને મતગણતરી 21 ડિસેમ્બરે યોજાય તેવી જાહેરાત કરી છે. ત્યારે જુનાગઢ જિલ્લા તંત્ર દ્વારા તમામ તૈયારીઓને આખરી ઓપ આપી દેવામાં આવ્યો છે.આગામી 19 ડિસેમ્બરના રોજ યોજાનારી ચૂંટણી માટેનું ચિત્ર જોઈએ તો, જૂનાગઢ જિલ્લાના 413 ગામો પૈકી જૂનાગઢ તાલુકાના 56 ગામોમાં  476 વોર્ડ, વંથલી તાલુકાના 42 ગામોમાં 344 વોર્ડ, માણાવદર તાલુકાના 41 ગામોમાં 332 વોર્ડ, કેશોદ તાલુકાના 32 ગામોમાં 272 વોર્ડ, માંગરોળ તાલુકાના 39 ગામોમાં 332 વોર્ડ, માળીયા તાલુકાના 63 ગામોમાં 530 વોર્ડ, મેંદરડા તાલુકાના 19 ગામોમાં 324 વોર્ડ, વિસાવદર તાલુકાના 69 ગામોમાં 562 તથા ભેસાણ તાલુકાના 32 ગામોમાં 270 વોર્ડમાં ચૂંટણી યોજાશે. આમ જૂનાગઢ જિલ્લાના કુલ 413 ગામોમાં 3,442 વર્તમાન સભ્યો માટેની ચૂંટણી યોજાનાર છે.

દરમિયાન જિલ્લા ચૂંટણી તંત્ર દ્વારા પ્રાપ્ત વિગતો અનુસાર જૂનાગઢ જિલ્લામાં 9 તાલુકાની કુલ મળી 413 ગામોની સામાન્ય તેમજ 18 ગામોમાં ગ્રામ પંચાયતોની પેટાચૂંટણી માટે મતદાન પ્રક્રિયા હાથ ધરાવાની છે ત્યારે આ માટે 919 મતદાન મથકો તેમજ પેટા ચૂંટણી માટે 23 મતદાન મથકોમાં ચૂંટણી પ્રક્રિયા હાથ ધરાય તે માટેની તૈયારીઓ કરાઈ છે બીજી બાજુ ચૂંટણી આયોગ દ્વારા ગ્રામ પંચાયતોની ચૂંટણી જાહેર થતાની સાથે જ રાજકીય પક્ષો દ્વારા સોરઠની ગ્રામ પંચાયતો કબજે કરવા માટે જીતની આશા સાથે અત્યારથી જ રાજકીય શોકઠાં બાજી શરૂ કરી દેવાઇ છે. જેને કારણે સોરઠના સ્થાનિક રાજકારણમાં ભારે ઠંડીમાં ગરમાવો આવી ગયો છે.

અને ગામડે ગામડે ઉમેદવારોનો રાફડો ફાટયો છે તથા અત્યારથી જ  હું ચૂંટણીનો ઉમેદવાર છું તેવી જાહેરાતો સાથે ગામડાના યુવાનોથી લઈને વૃદ્ધો સુધીના લોકોએ આ વખતે ગ્રામ પંચાયતની ચૂંટણી લડી લેવા માટે પટ્ટા ઝાટકીને પૂરી તૈયારી કરી લીધી છે.