- મહાનગરોના પ્રમુખોની યાદી લીક થતા જ ખળભળાટ
- જીલ્લા ભાજપ પ્રમુખ પદે અલ્પેશ ઢોલરિયા રીપીટ,જામનગરના પ્રમુખ તરીકે પૂર્વ મેયર બીનાબેન કોઠારી..????
- પ્રથમ વખત જિલ્લામાં કર્મભૂમિ બનાવનાર માધવ દવે હવે પૂર્ણ રીતે શહેર ભાજપનું સુકાન સંભાળશે
- રાતના આઠ વાગ્યે ‘કવર’ ખુલે તે પુર્વે જ સસ્પેન્સ બહાર આવી ગયાની ચર્ચા
- જૂથવાદને ડામવા પ્રદેશે યુવા નેતાને જવાબદારી સોંપી હોવાનો સંકેત: અનેક નામો પર વિચારણા કર્યા બાદ આખરી નિર્ણય લેવાયો
રાજકોટ: ગુજરાતમાં ભાજપના સંગઠન પર્વમાં અંતે જિલ્લા અને મહાનગરોના પ્રમુખોની પસંદગીનું ચોઘડીયુ આવતા જ રાજયભરમાં પ્રદેશ કલસ્ટર પ્રભારી દ્વારા આજે સવારથી જ તેમના ફાળવાયેલા જિલ્લા અને મહાનગરમાં પહોંચી ગયા હતા અને એક બાદ એક જિલ્લા અને મહાનગરોમાં પ્રમુખોની જાહેરાત થવા લાગી હતી. જેમાં રાજકોટમાં અટકળો વચ્ચે પેપર ફૂટી જતા હવે વર્તમાન મહાનગર પ્રમુખ રિપીટ નહી થાય તેવા ચોકકસ સંકેત વચ્ચે શહેર ભાજપ પ્રમુખનું સુકાન હાલના મહામંત્રી અને યુવા નેતા માધવ દવેને સોંપાશે તે નિશ્ચિત બની ગયુ છે અને આ અંગે હવે રાત્રે આઠ વાગ્યે ‘કવર’ ખુલે તે સાથે જ કન્ફર્મેશન મળી જશે તેવી પણ ચર્ચા પણ થઈ છે.
અહી સૌથી મહત્વનું એ છે કે, રાજકોટ મહાનગરને લાંબા સમયથી બ્રાહ્મણ પ્રમુખપદ મળ્યુ નથી અને તેથી જ હવે તેમના નામ પર પસંદગી થઈ હોય તેવી શકયતા વધી છે. બીજી તરફ સેન્સ સમયે જે જૂથવાદ બહાર આવ્યો તેમાં મહાનગરના અનેક નેતાઓ પણ ખુલ્લા પડી ગયા હતા અને મોવડીમંડળ માટે પસંદગી અઘરી બની હતી અને તેમાં તમામ જૂથોને એકબાજુ રાખીને માધવ દવેને પસંદ કરાયા હોય તેવા સંકેત છે અને આજે રાત્રે તેમના નામની સતાવાર જાહેરાત થશે.
રાજકોટ શહેર ભાજપમાં નવા પ્રમુખની પસંદગીમાં ભાજપ બ્રાહ્મણ ચહેરા પર પસંદગી ઢોળશે તે નિશ્ચિત હતુ અને તે માટે પુર્વ મહામંત્રી કશ્યપ શુકલ ઉપરાંત પુર્વ મેયર જૈમીનભાઈ ઉપાધ્યાય, યુવા મોરચાના પુર્વ અધ્યક્ષ પરેશ ઠાકર ઉપરાંત વર્તમાન કોર્પોરેટર દેવાંગ માંકડ અને સંગઠન સાથે કામ કરી ચૂકેલા જીજ્ઞેશ જોશીના નામ ચર્ચામાં હતા. જયારે લેઉવા પટેલ સમુદાયમાંથી પુર્વ ડેપ્યુટી મેયર અશ્વિન મોલીયાને પણ સુકાન સોંપાય તેવી શકયતાઓ દર્શાવાઈ હતી પણ બ્રહ્મ ચહેરામાં ભાજપે હવે જનરેશન બદલ્યુ છે અને અગાઉની પેઢીના બ્રહ્મ ચહેરાને બદલે નવા જનરેશનના બ્રહ્મ ચહેરાને તક આપી છે.
રાજકોટમાં લોકસભા ચૂંટણી સમયે અનેક નામોની ચર્ચા વચ્ચે અમરેલીના પુર્વ સાંસદ પરસોતમ રૂપાલાને ભાજપે ટિકીટ આપીને સૌને આશ્ચર્યમાં મુકી દીધા હતા અને આજ રીતે શહેર ભાજપ પ્રમુખમાં પણ અમરેલી કનેકશન બહાર આવ્યુ છે. માધવ દવે મૂળ અમરેલી જિલ્લાના છે અને તેઓ લાંબા સમયથી રાજકોટમાં સ્થાયી થયા છે. આમ હવે સાંસદ બાદ મહાનગરના પ્રમુખ પણ અમરેલી કનેકશનના મળે તે નિશ્ચિત બની ગયું છે.