જન્મથી જ દ્રષ્ટિ, આંખ, નાક અને તાળવું ન હોય છતાં સર્જરી બાદ યુરિનની કોથળી સાથે પરીક્ષા આપતો દિવ્યાંગ ઉત્તમ મારૂ

સૌરાષ્ટ્ર યુનિવર્સિટીની બી.એ. સેમેસ્ટર-5 ની પરીક્ષા આપનાર તેજસ્વી વિદ્યાર્થી ઉત્તમ મારૂની જસાણી કોલેજ ખાતે મુલાકાત લેતા ઉપકુલપતિ

સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના અભ્યાસક્રમમાં બેસ્ટ પર્સનાલીટીનાં ચેપ્ટર્સમાં ઉત્તમ મારૂના જીવન વિશેની વાતો વિદ્યાર્થીઓને ભણાવવામાં આવશે: ડો.વિજયભાઈ દેશાણી

 

અબતક, રાજકોટ

સૌરાષ્ટ્ર યુનિવર્સિટીની પરીક્ષાઓ હાલ જુદા જુદા કેન્દ્રમાં ચાલી રહી છે.સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના વિદ્યાર્થી શ્રી ઉતમ મારુને અનેક પ્રકારની કુદરતી શારિરીક મુશ્કેલીઓ, કલેફટ પેલેટ, પ્રજ્ઞાચક્ષુતા, ચાલવાની તકલીફ, 10 જેટલા ઓપરેશન તથા હાલમાં ફેફસાની તકલીફ હોવા છતાં ખંતથી જસાણી કોલેજમાં બી.એ. સેમેસ્ટર-5 ની પરીક્ષા આપે છે.

આ વાતની જાણ થતાં સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના ઉપકુલપતિશ્રી ડો. વિજયભાઈ દેશાણીએ આજરોજ જસાણી કોલેજમાં રુબરુ જઈ પરીક્ષા આપતા વિદ્યાર્થી શ્રી ઉતમ મારુને શાલ ઓઢાળી તથા પુષ્પગુચ્છ આપી શુભેચ્છાઓ પાઠવી હતી અને શ્રી ઉતમ મારુને પ્રોત્સાહિત કરેલ હતો. આ પ્રસંગે ઉપસ્થિત ઉતમ મારુના દાદાને પણ ઉપકુલપતિશ્રી એ શાલ ઓઢાડી સન્માનિત કર્યા હતા.

ઉપકુલપતિ ડો. વિજયભાઈ દેશાણીએ આ તકે જણાવ્યું હતું કે આવી પરિસ્થિતિમાં બી.એ. સેમેસ્ટર-5 ની પરીક્ષા આપી રહેલ વિદ્યાર્થી  ઉતમ મારુ એ સૌરાષ્ટ્ર યુનિવર્સિટીનું રત્ન છે. ઉતમ મારુને ગીતાજીના 700 શ્લોક, બ્રહ્મસૂત્ર, યોગસુત્ર તથા ઉપનિષદો સંસ્કૃતમાં કંઠસ્થ છે. આ ઉપરાંત શ્રી ઉતમ મારુ એ ગાયન-વાદનમાં વિષારદની પદવી પ્રાપ્ત કરી છે. આવી અનેક સિધ્ધીઓ મેળવનાર તેજસ્વી વિદ્યાર્થી ઉતમ મારુ એ લાખો વિદ્યાર્થીઓને ઉદાહરણ પૂરું પાડ્યું છે.

સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના વિદ્યાર્થી શ્રી ઉતમ મારુના જીવન અને સંધર્ષમાંથી લાખો વિદ્યાર્થીઓને પ્રેરણા મળી રહે એવા શુભ હેતુથી  ઉતમ મારુના જીવન વિશે વિદ્યાર્થીઓ જાણે અને પ્રેરણા લે એ માટે આર્ટસમાં સાયકોલોજી તથા સોસીયોલોજીમાં બેસ્ટ પર્સનાલીટીના ચેપ્ટર્સમાં  ઉતમ મારુના પાઠ ભણાવવામાં આવશે. ઉપકુલપતિએ પરીક્ષા કેન્દ્રની મુલાકાત સમયે જસાણી કોલેજના આચાર્ય ડો. ફાલ્ગુનીબેન શાસ્ત્રી ઉપસ્થિત રહ્યા હતા.