ઉગ્ર આરાધના કરી રહેલા ત્રણ સાધ્વી રત્નાઓનો યોજાશે પારણા મહોત્સવ

રાષ્ટ્રસંત પરમ ગુરૂદેવ નમ્રમુનિ મહારાજના સાનિધ્યે કરાતી સાધના

જૈન દર્શનમાં કોઈપણ પ્રકારના અન્ન, ફળ-ફળાદી કે ખોરાક વિના સૂર્યોદયથી સૂર્યાસ્ત સુધી માત્ર ઉકાળેલા પાણી સાથે કરવામાં આવતી ઉપવાસની કઠિન આરાધનામાં આગળ વધતા-વધતા 30-30 દિવસ સુધી તપની ઉગ્રાતિઉગ્ર સાધના કરનારા ત્રણ-ત્રણ સાધ્વીરત્નાઓનો પારણા મહોત્સવ તા. 31 જુલાઈ, રવિવાર સવારે 9:00 કલાકે કચ્છના પુનડી ગામમાં એસપીએમ આરોગ્યધામ ખાતે ચતુર્વિધ સંઘની ઉપસ્થિતિમાં યોજાશે.

રાષ્ટ્રસંત પરમ ગુરુદેવ નમ્રમુનિ મ.સા.ના શ્રીમુખેથી ચાર વર્ષ પહેલા દીક્ષા અંગીકાર કરનારા 20 વર્ષીય પરમ આરાધ્યાજી મહાસતીજી, ત્રણ વર્ષ પહેલા દીક્ષા અંગીકાર કરનારા 22 વર્ષીય પરમ નમસ્વીજી મહાસતીજી તેમજ પાંચ મહિના પહેલા દીક્ષા અંગિકાર કરનારા 23 વર્ષીય નૂતનદીક્ષિત પરમ શુભમજી મહાસતીજી દેવગુરૂની કૃપાએ નિર્વિઘ્ને આવી કઠિન તપશ્ર્ચર્યા પરિપૂર્ણ કરી રહ્યા છે ત્યારે સૌ ભાવિકો અત્યંત અહોભાવથી એમના પારણા મહોત્સવમાં જોડાવામાં આતુર બની રહ્યા છે.

ઉલ્લેખનીય છે કે દીક્ષા અંગીકાર કરવા જતા સમયે માથા પર પ્રવેશ દ્વારની કમાન પડવાના મારણાંતિક ઉપસર્ગ છતાં વીરતાપૂર્વક એ જ દિવસે દીક્ષા અંગીકાર કરીને ઇતિહાસ સર્જનારા પરમ આરાધ્યાજી મહાસતીજી, ત્રણ વર્ષના દીક્ષા જીવનમાં તૃતીય માસક્ષમણ તપ કરીને હેટ્રિક સર્જનારા નમસ્વીજી મહાસતીજી, તેમજ દીક્ષા જીવનના માત્ર પાંચ જ મહિનાના નૂતન દીક્ષિત કાળમાં આવી ઉગ્ર તપશ્ર્ચર્યા કરનારા પરમ શુભમજી મહાસતીજી આ ત્રણેય સાધ્વીરત્નાઓની માસક્ષમણ તપની ભાવભીની અનુમોદના કરી દેશ-વિદેશના ભાવિકો પ્રભુના ત્યાગ ધર્મ અને ત્યાગીઓ પ્રત્યે અનેરૂ ગૌરવ અનુભવી રહ્યાં છે.