પરબધામ: અષાઢી બીજ મેળામાં ભકતોનો મેળાવડો

ભેસાણા નજીક આવેલા સુપ્રસિદ્ધ તીર્થધામ પરબધામ ખાતે આજે અષાઢી બીજના પાવન દીવસે પરંપરાગત રીતે અષાઢી બીજ મહોત્સવની ઉજવણી કરવામાં આવી રહી છે. તે સાથે કોરોના ને કારણે બંધ રહેલ પરબ ધામનો અષાઢી બીજનો મેળો આ વર્ષે ફરી યોજાતા લાખોની સંખ્યામાં ભાવિકો પરબધામ ખાતે આજ વહેલી સવારથી પહોંચી ગયા છે, આ ભાવિકો માટે મંદિર તરફથી ભોજન સહિતની વ્યવસ્થાઓ કરવામાં આવી છે.

જુનાગઢ જિલ્લાના ભેસાણ નજીક આવેલા પરબધામના મહંત શ્રી કરસનદાસ બાપુ ગુરુ સેવાદાસ બાપુના સાનિધ્યમાં આજે સવારે 7:30 વાગ્યે મંદિર પર ધ્વજારોહણ અને પૂજાના, અર્ચના, યજ્ઞ સહિતના વિવિધ કાર્યક્રમો યોજાયા હતા, આ સાથે આજે સવારથી મેળો પણ ખુલ્લો મુકવામાં આવ્યો છે. અને અત્યારે આ લખાય છે ત્યાં સુધીમાં લાખોની સંખ્યામાં ભાવિકો પરબધામ ખાતે મંદિરે પહોંચ્યા છે, અને દેવ દર્શન કરી બે વર્ષ બાદ યોજાઈ રહેલા પરબધામનો મેળો મન ભરીને માણી રહ્યા છે.

પરબધામ ખાતે લાખોની સંખ્યામાં ભાવિકો ઉમટીયા છે, ત્યારે મંદિર તરફથી છેલ્લા એકાદ અઠવાડિયાથી ભાવિકોના ભોજન પ્રસાદ અને ઉતારાની વ્યવસ્થા માટે તડામારા તૈયારીઓ આરંભી દેવામાં આવી હતી. અને આજથી બે દિવસ મેળવ્યો યોજાયો છે ત્યારે આશરે 10 હજારથી વધુ સ્વયંસેવકો ભાવિકોની ભોજન સહિતની સેવાઓમાં જોડાયા છે. અહીં ભોજન પ્રસાદ માટે મહાકાય પાંચ રસોડામાં રસોઈ કરવામાં આવી રહી છે, અને 3 હજારથી વધુ ભોજન માટેના કાઉન્ટરો મુકાયા છે. એક પંગતે એક લાખ ભાવિકો એક સાથે બેસી પ્રસાદ લઈ શકે તેવી મંદિર તરફથી વ્યવસ્થા કરવામાં આવી છે. અને આ ખાદ્ય સામગ્રી લાવવા લઈ જવા માટે 100 જેટલા ટ્રેક્ટરનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. આજથી મંદિર ખાતે મહાપ્રસાદમાં શુદ્ધ ઘીનો શીરો, રોટલી, શાક, ગાંઠીયા, દાળ, ભાત, સંભારો, પીરસવામાં આવી રહ્યો છે.

આ સાથે પરબધામના મહંત કરસનદાસ બાપુ દ્વારા દર વર્ષની જેમ આ વર્ષે પણ ત્રણ દિવસ માટે સંતવાણી અને લોક ડાયરાના ભવયાતી ભવ્ય કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં સૌરાષ્ટ્ર ગુજરાતના નામાંકિત કલાકારો ઉપસ્થિત રહેશે તેવું જાણવા મળી રહ્યું છે. જૂનાગઢના વિભાગીય ડીવાયએસપી પ્રદીપસિંહ જાડેજાના માર્ગદર્શન હેઠળ ભેસાણ પી.આઈ., પી.એસ.આઈ. એલ.સી.બી. એસ. ઓ.જી. બ્રાન્ચના અધિકારીઓ, મહિલા તથા પોલીસ કર્મીઓ અને હોમગાર્ડ સહિતનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે.