Abtak Media Google News

29મીથી શરૂ થતું શિયાળુ સત્ર “ક્રાંતિકારી” બની રહેશે!?

ધ ક્રિપ્ટોકરન્સી એન્ડ રેગ્યુલેશન ઓફ ઓફિશિયલ ડિજિટલ કરન્સી બિલ -2021થી ક્રિપ્ટોકરન્સીની વ્યાખ્યા પણ સ્પષ્ટ થઈ જશે, એટલે કે ક્રિપ્ટોમાં શું-શું હશે

અબતક, નવી દિલ્હી : 29 નવેમ્બરથી શરૂ થવા જઈ રહેલા સંસદના શિયાળુ સત્રમાં કેન્દ્ર સરકારે ડિજિટલ- ક્રીપ્ટોમાં અંકુશ લાદવાની તમામ તૈયારી કરી લીધી છે. આ માટે સરકાર દ્વારા એક ખરડો સંસદમાં રજૂ કરવામાં આવશે.આ ખરડામાં કાયદાકીય ક્રિપ્ટોકરન્સીની વ્યાખ્યા સ્પષ્ટ કરવામાં આવશે, એટલે કે ક્રિપ્ટોના કાર્યક્ષેત્રમાં શું હશે અને શું નહીં હોય તે અંગે સ્પષ્ટતા કરવામાં આવશે. વધુમાં શિયાળુ સત્રમાં ક્રિપ્ટોકરન્સી એન્ડ રેગ્યુલેશન ઓફ ઓફિશિયલ ડિજીટલ કરન્સી બિલ,2021 સહિત કુલ 26 બિલ રજૂ કરવામાં આવશે.

ભારત સરકાર સંસદના શિયાળુ સત્રમાં ક્રિપ્ટોકરન્સી અંગે એક બિલ રજૂ કરવાની છે. આ બિલનું નામ ધ ક્રિપ્ટોકરન્સી એન્ડ રેગ્યુલેશન ઓફ ઓફિશિયલ ડિજિટલ કરન્સી બિલ 2021 છે. સરકારનો આ નિર્ણય ક્રિપ્ટો ફાઈનાન્સની વ્યાપક રૂપરેખા પર પ્રથમ વખત સંસદીય પેનલની ચર્ચાના એક સપ્તાહ બાદ આવ્યો છે. આ ચર્ચામાં સહમતી વ્યક્ત કરવામાં આવી હતી કે ક્રિપ્ટોકરન્સીને રોકી શકાય નહીં પરંતુ તેને રેગ્યુલેટ કરવી જોઈએ.

સરકારે જણાવ્યું હતું કે, આ બિલ ભારતમાં તમામ ખાનગી ક્રિપ્ટોકરન્સી ઉપર અંકુશ મુકવાનો પણ પ્રયાસ કરશે. જો કે, તે ક્રિપ્ટોકરન્સીની અંતર્ગત ટેકનોલોજી અને તેના ઉપયોગોને પ્રોત્સાહન આપવા માટે અમુક અપવાદોને મંજૂરી આપશે. નોંધનીય છે કે ઈન્ડસ્ટ્રીના એસ્ટિમેટ પ્રમાણે ભારતમાં 1.5 કરોડ ક્રિપ્ટોકરન્સી યુઝર્સ છે જેમની કુલ એસેટ વેલ્યુ 6 બિલિયન ડોલરથી પણ વધારે છે.

આ બિલ અંતર્ગત ક્રિપ્ટોકરન્સીના રોકાણકારો, ડીલર, એપ ડેવલોપર, માઈનિંગ કરનારા સહિત તમામ સંબંધિત પક્ષ આવશે. આ બિલથી ક્રિપ્ટોકરન્સીની વ્યાખ્યા પણ સ્પષ્ટ થઈ જશે એટલે કે ક્રિપ્ટોમાં શું-શું હશે અને શું નહીં હોય. આ સ્પષ્ટતા આ બિલ દ્વારા થઈ જશે. તેનાથી ક્રિપ્ટો પર ટેક્સ અને નિયમ-નિયંત્રણ સંબંધિત ભ્રમ પણ દૂર થઈ જશે.

નોંધનીય છે કે અત્યાર સુધી સ્પષ્ટ નથી કે ક્રિપ્ટોની ડિજિટલ એસેટ તરીકે વ્યાખ્યા કરવામાં આવી છે કે કોઈ કોમોડિટી તરીકે. નિષ્ણાતોનું કહેવું છે કે ક્રિપ્ટોકરન્સીને લગતી કાયદા-નિયમો આવી ગયા બાદ તેમાં સ્થિરતા આવશે અને રોકાણકારોના હિતની પણ રક્ષા થશે. જોકે, સરકાર અને રિઝર્વ બેંકે પહેલા જ સ્પષ્ટ કરી દીધું છે કે તેઓ ક્રિપ્ટોને કોઈ પણ પ્રકારે લેવડ-દેવડ સિસ્ટમનો ભાગ બનાવવામાં આવશે નહીં.

બેલગામ ક્રિપ્ટો ઉપર અંકુશ મેળવવા કેન્દ્ર સજ્જ

જ્યારથી ક્રિપ્ટો કરન્સીનો યુગ શરૂ થયો છે. ત્યારથી રોકાણકારો તેના તરફ ખૂબ આકર્ષાયા છે. પણ પ્રશ્ન એ જ છે કે ક્રિપ્ટો કરન્સી બેલગામ છે. જે પળભરમાં ક્યાંથી ક્યાં પહોંચી જાય તેનું કઈ નક્કી નથી. આ જોખમ લેવા દેશવાસીઓને લીલીઝંડી આપવી એ સરકાર માટે પણ આકરો નિર્ણય બની શકે છે. માટે સરકાર કઈક વચ્ચેનો રસ્તો કાઢવાના મૂડમાં છે. એક તરફ એવી પણ વાત છે કે સરકાર પોતાની ક્રિપ્ટો કરન્સી જાહેર કરી શકે છે. હાલ તો ભારત સરકાર બેલગામ ક્રિપ્ટો કરન્સી ઉપર અંકુશ મુકવાના તમામ પગલાં લેવાની તૈયારીમાં હોવાનું જણાય રહ્યું છે.

બોલ ઇઝ ઇન યોર કોટ

સંસદમાં ખેતબીલને લઈ વિપક્ષ ભીડાશે?

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ત્રણ કૃષિ કાયદાઓને રદ કરવાની તાજેતરમાં જાહેરાત કરી હતી. આજે નવી દિલ્હીમાં વડાપ્રધાન મોદીની અધ્યક્ષતામાં કેન્દ્રીય કેબિનેટની બેઠક લોકકલ્યાણ માર્ગ સ્થિત વડાપ્રધાનના નિવાસસ્થાને મળશે. આ બેઠકમાં ત્રણ કૃષિ કાયદાઓને પરત ખેંચવા માટે એક બિલ લાવવામાં આવી શકે છે.

કેન્દ્રીય કૃષિ મંત્રાલયે પીએમઓ સાથે ચર્ચા કર્યા પછી બિલને અંતિમ સ્વરૂપ આપ્યું હોવાનું બહાર આવી રહ્યું છે. કેબિનેટમાં મંજૂરી મળ્યા બાદ આ બિલ સંસદમાં મુકવામાં આવનાર છે.

જ્યાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વિપક્ષોએ માટે બોલ ઇઝ ઇન યોર કોટની સ્થિતિની નિર્માણ કર્યું છે. વડાપ્રધાન આ કૃષિ બીલને રદ કરવા માટે નવું બિલ મુકવાના છે. સામે વિપક્ષો પોતાનું સ્ટેન્ડ લેશે. હવે વિપક્ષ આ બીલની સાથે છે કે નહીં તે સામે આવશે. આમ વિપક્ષને ભીડવવાનો તખ્તો ગોઠવવામાં આવ્યો હોવાનું જણાય આવે છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.