રાજકોટ-સુરેન્દ્રનગર રેલવે સ્ટેશનેથી યાત્રિકો આધાર કાર્ડ કઢાવી શકશે

સ્ટેશન પર નવુ આધાર કાર્ડ, આધાર કાર્ડમાં નામ, સરનામા, મોબાઇલ નંબરમાં સુધારો-વધારો કરી શકાશે

દરેક વ્યક્તિ પાસે આધાર કાર્ડ હોવું જરૂરી હોય ત્યારે સ્થાનિક કક્ષાએ મહાપાલિકા કચેરી, કલેક્ટર કચેરી, પોસ્ટ ઓફિસ, બેંકોમાં આધાર કાર્ડની કામગીરી કરવામાં આવી રહી છે. ત્યારે દેશમાં ચાલતી ડિજીટલ ઇન્ડિયા મુવમેન્ટના ભાગરૂપે ભારતીય રેલ્વે દ્વારા સ્ટેશન પર આધાર કાર્ડ કાઢવાની કામગીરીની શરૂઆત કરવામાં આવી રહી છે.

જેમાં પ્રથમ ચરણમાં પશ્ર્ચિમ રેલવેના 6 મંડળના 20 રેલવે સ્ટેશનનો સમાવેશ કરવામાં આવ્યો છે. જેમાં રાજકોટ અને સુરેન્દ્રનગરના રેલવે સ્ટેશન પર આધાર કાર્ડ કાઢવાની કામગીરી ટૂંક સમયમાં શરૂ કરવામાં આવશે. હાલ મુંબઇ ખાતે આધાર કાર્ડ કામગીરી માટેની ટ્રેનીંગ ચાલી રહી છે.

ટ્રેનીંગ બાદ રાજકોટ-સુરેન્દ્રનગર રેલવે સ્ટેશન પર બાયોમેટ્રીક મશીનો મુકવામાં આવ્યા બાદ નવું આધાર કાર્ડ કાઢવા, આધાર કાર્ડમાં નામ, નંબર, સરનામામાં સુધારા-વધારા કરવાની કામગીરી શરૂ કરવામાં આવશે. રેલવેના માધ્યમથી બહોળી સંખ્યામાં મુસાફરો મુસાફરી કરતા હોય છે ત્યારે મુસાફરી દરમિયાન ઘણીવાર મુસાફરોને ટ્રેનના વેઇટીંગ દરમિયાન જો પોતાના આધારકાર્ડમાં નામ, સરનામા, મોબાઇલ નંબરમાં ફેરફાર કરવાના હોય તો તેઓ રેલવે સ્ટેશન પર ટીકીટ બારીની બાજુમાં જ આધારકાર્ડ કાઢવાની કામગીરી શરૂ કરવામાં આવશે.

આધારકાર્ડના બાયોમેટ્રીક મશીનો મૂકાશે: સુનીલ કુમાર મીના

‘અબતક’ સાથેની ટેલિફોનીક વાતચિતમાં રાજકોટ સીનીયર ડીવીઝન કોમર્શિયલ મેનેજર સુનીલ કુમાર મીનાએ જણાવ્યું હતું કે આધાર કાર્ડ હોવી અનિવાર્ય છે ત્યારે રેલવે દ્વારા રેલવે સ્ટેશન પર જેમાં રાજકોટના રેલવે સ્ટેશનની ટીકીટ બારીની બાજુમાં આધાર કાર્ડ માટેની કામગીરી શરૂ કરવામાં આવનાર છે. હાલમાં મુંબઇ ખાતે આધારકાર્ડની કામગીરી અંતર્ગત ટ્રેનિંગ આપવામાં આવી રહી છે. ટ્રેનિંગ બાદ આધાર કાર્ડના બાયોમેટ્રીક મશીન મુકવામાં આવશે અને કામગીરી શરૂ થશે. રેલવે દ્વારા બહોળી સંખ્યામાં મુસાફરો મુસાફરી કરતા હોય તો તેઓ જ્યારે ટ્રેનની રાહ જોતા હોય તે અરસામાં આધાર કાર્ડ અપડેટ કરાવવું નવી આધાર કાર્ડ કઢાવા સહિતની કામગીરી કરી શકે છે.