ટુરમાં જતા મુસાફરોને પડયા પર પાટુ: આરટી-પીસીઆરનો રિપોર્ટ ખાનગી લેબમાં કરાવવો પડશે દર્દીઓને પડતી હાલાકીથી સિવિલ હોસ્પિટલે લીધો નિર્ણય

સીવીલ હોસ્પિટલમાં કોરોનાનાં આરટીપીસીઆર ટેસ્ટ વિનામૂલ્યે થાય છે. રાજયની બહાર જનારા અને હવાઈ મુસાફરી કરનારા લોકો પણ આ ટેસ્ટ કરાવવા દરરોજ મોટી સંખ્યામાં ઉમટી પડતા હોય છે. પરંતુહવે ટ્રાવેલર આરટીપીસીઆર ટેસ્ટ સીવીલ હોસ્પિટલમાં બંધ કરવાનું જાણવા મળ્યું છે. કોરોના દર્દીઓની સંખ્યા હાલ વધી રહી હોઈ અને ટ્રાવેલર આરટીપીસીઆર કરાવવા આવતા લોકોની સંખ્યા દર્દી કરતા પણ અનેકગણી વધુ હોઈ મોટાભાગનો સ્ટાફ આ કામગીરીમાં રોકાઈ રહેતો હોવાથી કામનું ભારણ ઘટાડવા આ નિર્ણય લેવામાં આવ્યાનું જાણવા મળે છે.

જે લોકોને ગુજરાત બહાર મુસાફરી કરીને જવાનું હોય તેને આરટીપીસીઆર ટેસ્ટ કરાવવો ફરજીયાત હોય છે. આવા ટેસ્ટ સીવીલ હોસ્પિટલમાં વિનામૂલ્યે થાય છે.કોઈપણ નાગરીક અહી આ ટેસ્ટ વિનામૂલ્યે કરાવી શકે છે. કોવીડ સેન્ટરમાં આ માટે ખાસ વ્યવસ્થા ઉભી કરવામાં આવી છે. જોકે દરરોજ રૂટીન ટેસ્ટ કરતા પણ અનેકગણી વધુ સંખ્યામાં ટ્રાવેલીંગ માટેના આરટીપીસીઆર ટેસ્ટ કરાવવા માટે લોકો આવતા હતા આ કારણે ઘણોખરો સ્ટાફ આ કામગીરીમાં રોકાઈ રહેતો હતો.

હવેથી ટ્રાવેલીંગ માટેના આરટીપીસીઆર ટેસ્ટ જે તે વ્યકિતએ સીવીલ સિવાય બીજે ગમે ત્યાં કરાવવાં પડશે ખાનગી હોસ્પિટલમાં આવા ટેસ્ટનો ચાર્જ સાતસોથી આઠસો રૂપીયા સુધી લેવામાઆવે છે.