Abtak Media Google News

મોદી સરકારની આઠ વર્ષની સિધ્ધીના ગુણગાન સાથે ગુજરાતની જનતા માટે કોઈ સહાયની જાહેરાત કરે તેવી ચર્ચા

મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ અને પ્રદેશ ભાજપ અધ્યક્ષ સી.આર. પાટીલ આજે સાંજે કોબા સ્થિત પ્રદેશ ભાજપ કાર્યાલય ખાતે એક સંયુકત પત્રકાર પરિષદને સંબોધશે જેમાં ગુજરાતની જનતા માટે કોઈ મોટી જાહેરાત કરવામાં આવે તેવી પણ પ્રબળ સંભાવના જણાય રહી છે. જોકે સતાવાર જાહેરાત મુજબ પટેલ-પાટીલની જોડી કેન્દ્રની મોદી સરકારે તાજેતરમાં આઠ વર્ષ પૂર્ણ કરતા તેઓનીઆઠ વર્ષની સિધ્ધી વર્ણવશે.

કેન્દ્રમા વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીની સરકારે તાજેતરમાં આઠ વર્ષ પૂર્ણ કર્યા છે. આઠ વર્ષનાં આ કાર્યકાળમાં દેશવાસીઓએ સુશાસનનો અનુભવ કર્યો છે. કેન્દ્ર સરકારને આઠ વર્ષ પૂર્ણ થતા ભાજપ દ્વારા ગુજરાતભરમાં શાનદાર અને સેવાકીય ઉજવણી કરવામાં આવનાર છે. આજે સાંજે ગાંધીનગરના કોબા સ્થિત પ્રદેશ ભાજપ કાર્યાલય ખાતે મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ અને પ્રદેશ ભાજપ અધ્યક્ષ સી.આર. પાટીલ એક સંયુકત પત્રકાર પરિષદને સંબોધશે અને તેમાં વિવિધ કાર્યક્રમોની જાહેરાત કરવામાં આવશે. ગુજરાત વિધાનસભાની ચૂંટણીના આડે હવે છ મહિનાનો સમય ગાળો બાકી રહ્યો છે. ત્યારે ભાજપ સરકાર ગુજરાતની જનતાને કોઈ ભેટ આપે તેવી સંભાવના જણાય રહી છે.

આજે પટેલ અને પાટીલની જોડી રાજયવાસીઓમાટે કોઈ મહત્વની જાહેરાત કરે તેવી શકયતા પણ નકારી શકાતી નથી. જોકે આ અંગે સતાવાર જાહેરાત સાંજે પત્રકાર પરિષદમાં કરવામાં આવશે. મોદી સરકારના આઠ વર્ષના કાર્યકાળમાં કેન્દ્ર સરકાર દ્વારા લેવામાં આવેલા જન સુખાકારી અંગેના નિર્ણયો તથા વિવિધ યોજનાઓની માહિતી જનતા સુધી પહાચાડવામાં આવશે. આઠ વર્ષની ઉજવણી સેવાકીય કાર્યો સાથે કરવામાં આવશે. તમામ કાર્યક્રમોની સાંજ પત્રકાર પરિષદમાં જાહેરાત કરવામાં આવશે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.