પાટીલની રિવર્સ સ્વીપ: 100 નહીં માત્ર 30 ધારાસભ્ય રિટાયર્ડ-હર્ટ થશે

ભાજપના ખૂબ ઓછા સીટીંગ ધારાસભ્યોની ટિકિટ પર કાતર ફરશે: વિધાનસભાની ગત ચૂંટણીમાં ઓછા માર્જિનથી જીતેલા અથવા વધુ માર્જિનથી હારેલાઓને ફરી ટિકિટ નહીં મળે

પાંચ વર્ષમાં ખાસ વજન ઉભુ ન કરી શકનારને ઘરે બેસાડી દેવાશે: ત્રણ ટર્મનો નિયમ પણ લાગુ થશે

પોતાનું ધાર્યું કામ કરાવવામાં માહિર ગુજરાત પ્રદેશ ભાજપ અધ્યક્ષ સી.આર.પાટીલે ગઈકાલે હિંમતનગરમાં પેજ કમીટીના કાર્ડ વિતરણ સમારોહમાં એવું નિવેદન આપ્યું હતું કે, ગુજરાત વિધાનસભાના આગામી ચૂંટણીમાં ભાજપ 100 નવા ચહેરાઓને ટિકિટ આપશે. તેઓના આ નિવેદન બાદ રાજ્યભરમાં કોની ટિકિટ કપાશે અને કોણ રીપીટ થશે તે વાતને લઈ રોમાંચક ચર્ચાઓ શરૂ થઈ જવા પામી છે.

વાસ્તવમાં આ નિવેદનનો ખરો અર્થ કાઢવામાં આવે તો ભાજપે આડકતરી રીતે એવા સ્પષ્ટ સંકેતો આપી દીધા છે કે, 30 સીટીંગ ધારાસભ્યોની ટિકિટ કપાશે અને 70 ધારાસભ્યોને ફરી ટિકિટ મળે તેવા ઉજળા સંજોગો છે. પાટીલના નિવેદનનો અવળો અર્થ લઈ નો-રીપીટ થીયરીના સોગઠા ગોઠવાવા માંડ્યા છે. પરંતુ વાસ્તવિકતા કંઈક અલગ જ છે. વિધાનસભાની ચૂંટણીના આડે સવા વર્ષ પૂર્વે જ નેતૃત્વ પરિવર્તન કર્યા બાદ હવે જો પક્ષ 100 શીટીંગ ધારાસભ્યની ટિકિટ પર કાતર ફેરવી દે તો ચૂંટણી જીતવી મુશ્કેલ બની જાય.

હિંમતનગર ખાતે એક કાર્યક્રમને સંબોધતા ભાજપના પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલે એવું જણાવ્યું હતું કે, આવનારી વિધાનસભાની ચૂંટણીમાં ભાજપમાં 100 નવા ચહેરા જોવા મળશે. જેનો અર્થ એવો કાઢવામાં આવી રહ્યો છે કે, ભાજપ 100 સીટીંગ ધારાસભ્યોની ટિકિટ કાપી નાખશે. વાસ્તવમાં એવું નથી. વિધાનસભાની ગત ચૂંટણીમાં ભાજપને 99 બેઠકો પ્રાપ્ત થઈ હતી. જ્યારે કોંગ્રેસના 14 ધારાસભ્યોએ પક્ષ પલ્ટો કરતા હાલ ભાજપનું સંખ્યાબળ 113 જેવું થવા પામ્યું છે.

ગુજરાત વિધાનસભાની 182 બેઠકો છે. જેમાં હાલ ભાજપ પાસે 69 બેઠકો આમ પણ નથી. આ તમામ બેઠકો પર ધારાસભ્યના ઉમેદવાર નવા જોવા મળે તે વાત નિશ્ર્ચિત છે. ગત ચૂંટણીમાં મોટા માર્જીનથી હારેલા અને સામાન્ય માર્જીનથી જીતેલાને આ વખતે ટિકિટ ન મળે તે વાત પણ ફાઈનલ માનવામાં આવી રહી છે. ચૂંટણી પહેલા અલગ અલગ 5 થી 6 સર્વે કરાવ્યા બાદ જ ઉમેદવારની નામાવલી ફાઈનલ કરવામાં આવશે તે વાત એ સંકેત આપે છે કે, 5 વર્ષ ધારાસભ્ય પદે રહેવા છતાં પોતાનું વજન ઉભુ ન કરી શકનાર નેતાને હવે ભાજપ ઘરે બેસાડી દેશે. કેટલાંક મોટા માથાઓને પણ હવે રીટાયર્ડ હટ કરી દેવામાં આવે તેવી સંભાવના જણાય રહી છે.

પાટીલના નિવેદનનો એવો મતલબ નિકળતો જ નથી કે વિધાનસભાની આગામી ચૂંટણીમાં ભાજપ 100 સીટીંગ ધારાસભ્યોની ટિકિટ પર કાતર ફેરવી દેશે. તેઓએ એવું નિવેદન આપ્યું હતું કે, વિધાનસભાની આગામી ચૂંટણીમાં 100 નવા ચહેરા જોવા મળશે. એટલે કે, 69 બેઠકો જે ભાજપ પાસે નથી ત્યાં ટિકિટ ફાળવવામાં નવા ચહેરાને તક આપવામાં આવશે જ્યારે બાકી રહેતી 31 બેઠકો પૈકી કેટલીક બેઠકો એવી છે કે જ્યાં 3 ટર્મ કે વધુ ટર્મથી એક જ વ્યક્તિ ધારાસભ્ય તરીકે ચૂંટાઈ આવતો હોય હવે રાજકીય નિવૃતી આપી દેવામાં આવશે. જ્યારે કેટલાંકનું પરર્ફોમન્સ સર્વોત્તમ ન હોવાના કારણે તેેમને ઘરભેગા કરી દેવામાં આવશે. પાટીલના એક નિવેદને રાજ્યભરમાં કુકરી ગાંડી કરી દીધી છે.

કોની ટિકિટ કપાશે અને કોને લોટરી લાગશે તે વાતને લઈને ચર્ચાનો રોમાંચક દોર શરૂ થઈ ગયો છે. એક વાત ફાઈનલ છે કે, ગુજરાત વિધાનસભાની આગામી ચૂંટણીમાં રેકોર્ડબ્રેક બેઠકો સાથે ફરી સત્તારૂઢ થવા માટે ભાજપ એક-એક પગલું ખુબજ સમજી વિચારીને ઉપાડશે. ટિકિટ ફાળવણી પહેલા 5 થી 6 સર્વે કરવાની વાત જ આ બાબતને ચરિતાર્થ કરે છે. હજુ ચૂંટણીને આડે એક વર્ષ જેવો સમયગાળો બાકી રહ્યો છે.

નવી સરકારે લોકોનો વિશ્ર્વાસ જીતવાનો બાકી છે ત્યારે જો ભાજપ ખોટા વહેમમાં રહી 100 સીટીંગ ધારાસભ્યની ટિકિટ પર કાતર ફેરવી દે તો ચૂંટણીમાં પારાવાર મુશ્કેલી વેઠવાનો સમય આવે. પાટીલના નિવેદને 100 ધારાસભ્યોની ટિકિટ કપાશે તે વાત કરતા 70 ધારાસભ્યોને ફરી ટિકિટ મળશે તે ફાઈનલ કરી દીધુ છે.