પહાડી વિસ્તારના અને પિતાના પંથે ચાલેલ પવનદીપના શિરે ઇન્ડિયન આઇડલનો ૧૨મો ખિતાબ

ટીવીનો પોપ્યુલર સિંગિંગ રિયાલિટી શો ઈન્ડિયન આઈડલ-૧૨ની પૂર્ણાહૂતિ: પવનદીપને રૂ. ૨૫ લાખ અને કારનું ઇનામ અપાયું

ટીવીનો પોપ્યુલર સિંગિંગ રિયાલિટી શો ઈન્ડિયન આઈડલ-૧૨ ની પૂર્ણાહૂતિ થઈ ગઈ. ગ્રાન્ડ ફિનાલેમાં પોતાના મેજિકલ પરફોર્મન્સથી સમગ્ર દેશના લોકોના મન જીતનારા ઉત્તરાખંડના પવનદીપ રાજન શોનો વિજેતા બન્યો છે.

ગ્રાન્ડ ફિનાલે રાઉન્ડને ખુબ જ દમદાર બનાવવામાં આવ્યો હતો. ઈન્ડિયન આઈડલના ઈતિહાસમાં પહેલીવાર એવું બન્યું કે જ્યારે કોઈ એપિસોડનું ૧૨ કલાક માટે ટેલિકાસ્ટ કરવામાં આવ્યું. સંગીતના આ મહાસંગ્રામમાં ૬ મહારથીઓ વચ્ચે કડક મુકાબલો જોવા મળ્યો. પવનદીપ રાજન, અરુણિતા કાંજીલાલ, નિહાલ ટોરો, સાયલી કાંબલે, મોહમ્મદ દાનિશ અને શનમુખપ્રિયાએ લાંબી સફર કાપી હતી  અને આખરે પવનદીપે બાજી મારી લીધી.

આ ગ્રાન્ડ ફિનાલે એપિસોડમાં જ્યાં એક બાજુ બધા સિતારાના પરિવારના સભ્યો તેમને સપોર્ટ કરવા પહોંચ્યા, ત્યાં આ ઉપરાંત અનુ મલિક, સોનુ કક્કડ, હિમેશ રેશમિયા, ઉદિત નારાયણ, અલકા યાજ્ઞિક, કુમાર શાનુ, વિશાલ દદલાણી, મીકા સિંહ, ભારતી સિંહ, હર્ષ લિંબાચિયા, જય ભાનુશાળી, ધ ગ્રેટ ખલી, સિદ્ધાર્થ મલ્હોત્રા, કિયારા અડવાણી, અને જાવેદ અલીએ પણ સ્પર્ધકોનો જુસ્સો વધાર્યો. શો જીતનારા પવનદીપને ટ્રોફીની સાથે સાથે ૨૫ લાખ રૂપિયા અને એક લક્ઝરી કાર ઈનામમાં મળી.