રાજકોટ માર્કેટ યાર્ડમાં મગફળીની આવક ઘટી:૮૦૦૦૦ ગુણી ઠલવાઈ

મોટાભાગના ખેડુતોએ મગફળી વેચી દેતા સીઝન ઘટાડા તરફ

રાજકોટ માર્કેટ યાર્ડમાં આ વખતે મગફળીની આવક દર વખતની સરખામણીમાં ઘટી છે. રાજકોટ માર્કેટ યાર્ડમાં ગઈકાલે ૮૦ થી ૯૦ હજાર મગફળીની ગુણીની આવક થવા પામી છે. દર વખતે સવા લાખ, દોઢ લાખ મગફળીની ગુણીની આવક થતી હોય છે. ત્યારે આ વખતે માત્ર ૮૦,૦૦૦ જેવી મગફળીની ગુણી ઠલવાઈ છે. રાજકોટ માર્કેટ યાર્ડમાં દર અઠવાડિયે, પંદર દિવસે મગફળી લાવવા છૂટ આપવામાં આવે છે.

ત્યારે આ વખતે પ્રમાણમાં ઓછી મગફળી ઠલવાઈ છે. સુત્રોમાંથી મળતી માહિતી મુજબ ગઈકાલે ૮૦,૦૦૦ થી ૯૦,૦૦૦ મગફળીની ગુણી ઠલવાઈ છે.

અતિવૃષ્ટિ વચ્ચે પણ મગફળીના મબલખ ઉત્પાદનથી સૌરાષ્ટ્રના ઘણા માર્કેટીંગ યાર્ડો હજુ મગફળીથી છલકાઈ રહ્યા છે. મગફળીની સીઝન હજુ આગામી એકથી દોઢ મહિનો ચાલે તેવું જણાઈ રહ્યું છે. મગફળીની સાથોસાથ કપાસ પણ પુષ્કળ માત્રામાં ઠલવાઈ રહ્યો છે. રાજકોટ માર્કેટ યાર્ડમાં દરરોજ સરેરાશ નવો-જુનો મળી ૨૫૦૦૦ મણ જેવો કપાસ રાજકોટ આસપાસ ગ્રામ્ય વિસ્તારોમાંથી આવી રહ્યો છે. કપાસના ભાવ ઉંચામાં રૂ.૧૧૦૦ તો મગફળીના ભાવ રૂ.૯૦૦ થી ૧૧૦૦ સુધીના બોલાઈ રહ્યા છે.