ખેડૂત આંદોલન ચરમસીમાએ મંગળવારે ભારત બંધનું એલાન

ખેડૂત આગેવાનો અને કેન્દ્ર સરકાર વચ્ચે ચર્ચાનો પાંચમો તબક્કો

કોરોના વકરે તે પહેલા ખેડૂત આંદોલનને સમેટી લેવા સુપ્રીમમાં ધા

કૃષિ કાયદાના વિરુદ્ધ ખેડૂતોનું આંદોલન ચરમસીમાએ પહોંચી ગયું છે. આંદોલનકારીઓ દ્વારા આગામી તારીખ ૮ને મંગળવારે ભારત બંધનું એલાન પણ આપી દેવામાં આવ્યું છે. દરમિયાન આજે સરકારના પ્રતિનિધિઓ અને ખેડૂત આંદોલનકારીઓના આગેવાનો વચ્ચે બેઠક મળી હતી.

ખેડૂત આંદોલનકારીઓએ કહ્યું છે કે, આવનારા દિવસોમાં બાકીના રસ્તાઓને પણ બ્લોક કરશે. ખેડૂતોના આ આંદોલનની મડાગાંઠ ઉકેલાશે નહીં તો રોદ્ર સ્વરૂપ ધારણ કરી શકે તેવી પણ દહેશત છે. દરમિયાન ખેડૂત આંદોલનના નામે રાજકીય રોટલા શેકવા રાજકીય પક્ષો પણ એક્ટિવ રહ્યા છે. પંજાબના મુખ્યમંત્રી વિરોધ પક્ષો ઉપર આક્ષેપ કરે છે જ્યારે વિરોધ પક્ષો પંજાબના મુખ્યમંત્રી ઉપર આક્ષેપ કરતા જોવા મળી રહ્યા છે મુખ્યમંત્રી કેપ્ટન અમરિંદર સિંહનું કહેવું છે કે, કેન્દ્ર સરકારે પોતાના નિર્ણય ઉપર ફેરવિચાર કરવો જોઈએ. ખેડૂતોના પ્રશ્નોનું ઝડપી નિરાકરણ થવું જોઈએ. ગૃહમંત્રી અમિત શાહને વિનંતી છે કે દરેક વાતને દેશની સુરક્ષા ઉપર ખતરા તરીકે દર્શાવવી જોઈએ નહીં.  આ ઉપરાંત એડિટર્સ ગિલ્ટ દ્વારા પણ મીડિયાને લઈ નિવેદન આપવામાં આવ્યું છે એડિટર્સ ગિલ્ટ ઓફ ઇન્ડિયા દ્વારા મીડિયાને ટકોર કરવામાં આવી છે કે, આંદોલન કરનારાઓને ખાલિસ્તાની અથવા દેશદ્રોહી ગણવા જોઈએ નહીં. કોઈ પુરાવા વગર તેમને દેશદ્રોહી ગણી શકાય નહીં.

બીજી તરફ કોરોના વકરે તે પહેલાં ખેડૂત આંદોલન સમેટી લેવા માટે સુપ્રીમમાં અરજી કરવામાં આવી છે. પ્રદર્શનકારીઓને કારણે કોરોનાનું જોખમ વધી શકે છે. પિટિશનરના વકીલ ઓમ પ્રકાશ પરિહારે આ માહિતી આપી છે. જોકે આ અરજી પર સુનાવણીનો દિવસ નક્કી થયો નથી. દિલ્હીમાં કોરોનાનું સંક્રમણ ગંભીર છે. ત્યારે આંદોલનકારીઓ કોરોના વાયરસને રોકવા લાદવામાં આવેલા નિયમોનું એટલે કે સોશિયલ ડિસ્ટન્સ અને માસ્ક પહેરવાનું પાલન કરે તે જરૂરી હોવાનું કહેવાયુ છે.

ખેડૂતો અને કેન્દ્ર વચ્ચે એક દિવસ પહેલાં, એટલે કે ગુરુવારે થયેલી વાતચીતમાં સ્પષ્ટ થઈ ગયું હતું કે આંદોલન હવે અટકશે નહીં.  દરમિયાન હવે વાત વધુ વણસે તેવી સ્થિતિ પણ ઉભી થઈ છે. આગામી તારીખ ૮ ડિસેમ્બર એટલે કે, મંગળવારે ખેડૂતો દ્વારા ભારત બંધનું એલાન આપવામાં આવ્યું છે દરમિયાન કેન્દ્ર સરકારે પણ થોડા અંશે કેટલીક શરતોમાં સમાધાન માટે તૈયાર થઈ છે.

૮ ડિસેમ્બરે ભારત બંધ કરવાની જાહેરાત કરી છે. ખેડૂતોએ તમામ ટોલ પ્લાઝા પર કબજો કરવાની ચેતવણી પણ આપી છે. ભારત બંધ એલાન બાદ સ્થિતિ વધુ વણસે તેવી દહેશત છે ધીમી ગતિએ ખેડૂતોનું આંદોલન વધુ જટિલ બનતું જાય છે સરકાર દ્વારા આજે બેઠકમાં આંદોલન સહિતના પ્રશ્નોને લઇ પણ ચર્ચા થઈ હતી. આંદોલનમાં રાજકારણ ખેલવા  મુદ્દે કેપ્ટન અમરીનદર સિંહ વિપક્ષો ઉપર માછલા ધોઇ રહ્યા છે. અલબત્ત જે સમયે કૃષિ બિલ પાસ કરવામાં આવ્યું તે સમયે પણ અકાલી દળ સહિતના રાજકીય પક્ષોએ આ બાબતનો લાભ ખાટવાની તૈયારીઓ થઇ હોવાનું નિષ્ણાંતોનું માનવું છે.