Abtak Media Google News

રાજકોટ ફિલાટેલિક સોસાયટી દ્વારા ગાંધી જન્મતિથિ નિમિત્તે ટિકિટ પ્રદર્શન

મહાત્મા ગાંધીજી હમેંશા એવું કહેતા કે મારો જન્મદિવસ તિથિ પ્રમાણે એટલે કે રેટિયાબારસના રોજ ઉજવો તો મને વધુ ગમશે. ગાંધીજીની આ તમન્નાને કેટલીક સંસ્થાઓ દ્વારા હમેંશા પૂર્ણ કરવામાં આવતી હોય છે. આજે રેટિયાબારસ નિમિતે રાષ્ટ્રીય શાળાના ખંડમાં રાજકોટ ફિલાટેલિક સોસાયટી દ્વારા સવારથી સાંજ સુધીનું ગાંધીજી સંલગ્ન ટિકિટ પ્રદર્શન યોજવામાં આવ્યું છે.

Dsc 2985Dsc 3031Dsc 2970Dsc 2960

જેમાં પીપળના પાન અને ગાયના ગોબરનું કવર તથા સોનાના ટિકિટે ભારે આકર્ષણ જમાવ્યું. આ કાર્યક્રમનું ઉદ્ઘાટન મારવાડી યુનિવર્સિટીના વાઇસ ચેરમેન જીતુભાઇ ચંદારાણા, રાષ્ટ્રીય શાળાના જીતુભાઇ ભટ્ટ, શિક્ષણવિદ્ નિદત્તભાઇ બારોટ, મહાત્મા ગાંધી ચેરિટેબલ ટ્રસ્ટના ડો.અલ્પનાબેન ત્રિવેદી, યુનિવર્સિટીના સિન્ડિકેટ સભ્ય હરદેવસિંહ જાડેજાની વગેરેની હાજરીમાં થયું. શાળા-કોલેજના વિદ્યાર્થીઓએ આ પ્રદર્શન નિહાળવામાં ખૂબ રસ દાખવ્યો. ગાંધીજીના જીવન સાથે સંકળાયેલી ઘટનાઓની ટિકિટો સાથે રજવાડા વખતની અડધો આનાની ટિકિટથી લઇ સોનાની ટિકિટ સુધી અને ભગવાન રામના જીવન કવનને લગતા કવર તથા ગાંધીજીના અખબારોની ફોટો કોપી પણ પ્રદર્શનમાં મૂકવામાં આવી છે.

  • રાજકોટના ટિકિટ સંગ્રહકારો ઇન્ટરનેશનલ લેવલે વિજેતા બન્યાં છે: ડો.પરેશભાઇ ઉપાધ્યાય

Dsc 2965

રાજકોટ ફિલાટેલિક સોસાયટીના વરિષ્ઠ સદસ્ય ડો.પરેશભાઇ ઉપાધ્યાયે ‘અબતક’ને જણાવ્યું કે 2000ની સાલમાં એડવોકેટ કમલેશભાઇ શાહ, તુષારભાઇ મહેતા અને ચાર-પાંચ મિત્રોએ આ સોસાયટીની સ્થાપના કરી આજે 22 વર્ષ પછી અમે લગભગ 142 સભ્યો છીએ. જેમાં યુવા સદસ્યોની સંખ્યા 90 જેટલી છે. તેમણે વધુમાં કહ્યું કે અમારા સદસ્યો સ્ટેટ, નેશનલ અને ઇન્ટરનેશનલ લેવલે પણ ટિકિટ સંગ્રહ મુદ્ે વિજેતા બન્યાં છે. આજે ગાંધીજીનો તિથિ પ્રમાણે જન્મદિવસ હોય ખાદીની ટિકિટ સહિત અનેક પ્રકારની ટિકિટો અમે આ પ્રદર્શનમાં મૂકી છે. અહિં અડધા આનાની ટિકિટથી માંડી સોનાની ટિકિટ સુધી મુકવામાં આવી છે. જો કે અમારે માટે બધી ટિકિટો અમૂલ્ય છે.

  • રાજકોટ, ધ્રાંગધ્રા, કોટડા સ્ટેટની ટિકિટો આકર્ષણરૂપ: જીજ્ઞેશ શાહ

Dsc 2973

ભારતીય પોસ્ટ દ્વારા બહાર પડાયેલી વિવિધ ટિકિટો અમે સંગ્રહ કરીએ છીએ. આ ટિકિટો ચલણમાં હોય એવું જરૂરી નથી પણ પ્રિન્ટ થયા પછી એને કેન્સલ કરી અમે સંગ્રહમાં રાખીએ છીએ એવું સોસાયટીના સદસ્ય જીજ્ઞેશભાઇ શાહે જણાવ્યું. તેમણે કહ્યું કે અહીં રજવાડા વખતની ટિકિટો છે જેમાં રાજકોટ, ધ્રાંગધ્રા, કોટડા સાંગાણી વગેરે સ્ટેટની ટિકિટો મૂકવામાં આવી છે. જેના પરથી રજવાડાના પહેરવેશ, સંદેશા વગેરે આજની પેઢીને જાણવા મળે.

  • ગાંધી મૂલ્યો નવી પેઢી સુધી પહોંચાડવામાં પ્રદર્શન બનશે નિમિત્ત: ડો.નિદત્ત બારોટ

Dsc 3010

જાણીતા શિક્ષણવિદ્ નિદત્તભાઇ બારોટે ‘અબતક’ને જણાવ્યું કે ગાંધીજીના જીવન સાથે સંકળાયેલા બનાવોની ટિકિટો અને તેમના દ્વારા પ્રગટ કરાયેલા અખબારો સહિતનું પ્રદર્શન શાળા-કોલેજોના વિદ્યાર્થીઓને ગાંધી મૂલ્યો પહોંચાડવામાં નિમિત બનશે. આજના યુગમાં ગાંધી મૂલ્યો નવી પેઢી સુધી પહોંચાડવા ખૂબ જરૂરી છે.

  • સમભાવ વધારવામાં ટિકિટ પ્રદર્શન પ્રેરણારૂપ: જીતુભાઇ ભટ્ટ

Dsc 3013

રાષ્ટ્રીય શાળાના સંચાલક જીતુભાઇ ભટ્ટે ‘અબતક’ને જણાવ્યું હતું કે 191 દેશોમાં ગાંધીજીની ટિકિટો પ્રગટ થઇ છે ત્યારે રાષ્ટ્રીય શાળામાં આજે આ પ્રદર્શન યોજાયું જે નવી પેઢીને ઘણી પ્રેરણા આપશે. આજે સમભાવ વધારવાની જરૂર છે. જે આવા પ્રદર્શનોથી વધી શકે છે.

  • પ્રદર્શનથી અમને મળી પ્રેરણા..

 

આ પ્રદર્શન નિહાળવા આવેલી વિદ્યાર્થીનીઓ મેહા સુવાગીયા, શીરીન હામિદ, હિનલ બગથરીયા અને શ્ર્વેતા લાવડીયાએ ‘અબતક’ સાથેની વાતચિતમાં આ પ્રદર્શન દ્વારા તેમને પ્રેરણા મળી હોવાનું જણાવ્યું.

  • ટિકિટ પ્રદર્શનમાંથી નવી પેઢીને પ્રેરણા મળશે: ડો.અલ્પનાબેન ત્રિવેદી

Dsc 3003

ગાંધીજીએ જે સ્થળ પર ઉપવાસ કર્યા હતા એ રાષ્ટ્રીય શાળામાં આજે ગાંધી જીવન અંગેનું ટિકિટ પ્રદર્શન યોજાયું જેમાં સહભાગી બનીને ખૂબ આનંદ થયો. નવી પેઢી આ પ્રદર્શન નિહાળી ખૂબ પ્રેરણા લેશે અને યુવાધન પણ આ પ્રકારના શોખ વિકસાવશે એવી મને શ્રદ્વા છે. રાજકોટ ફિલાટેલિક સોસાયટીને આવું પ્રદર્શન યોજવા માટે ધન્યવાદ આપું છું એવું મહાત્મા ગાંધી ચેરિટેબલ ટ્રસ્ટના મંત્રી ડો.અલ્પનાબેન ત્રિવેદીએ ‘અબતક’ સાથેની વાતચિતમાં જણાવ્યું.

  • ઐતિહાસિક જગ્યાએ યોજાયેલા ટિકિટ પ્રદર્શનથી ઇમ્પ્રેસ થયો છું: જીતુભાઇ ચંદારાણા 

 

Dsc 3004

મારવાડી યુનિવર્સિટીના વાઇસ ચેરમેન જીતુભાઇ ચંદારાણાએ જણાવ્યું કે ટિકિટ પ્રદર્શનમાં મહેમાન બનીને મેં અનેરો લ્હાવો લીધો છે. હું આ પ્રદર્શન જોઇ ખૂબ ઇમ્પ્રેસ થયો છું. રાષ્ટ્રીય શાળા જેવી ઐતિહાસિક જગ્યાએ આવું પ્રદર્શન ગોઠવાય એ આનંદની વાત છે. આપણે ક્યારેય ન જોઇ હોય એવી ટિકિટો આ પ્રદર્શનમાં જોવા મળી.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.