પેગાસ જાસૂસી કાંડની તપાસ માટે સુપ્રીમ એક્સપર્ટ કમિટીની રચના કરશે

ઘણા એક્સપર્ટને કમિટીમાં સામેલ કરવા પ્રયત્નો કરાયા, પણ તેઓ સામેલ થવા ઇચ્છતા નથી : સુપ્રીમ કોર્ટ

અબતક, નવી દિલ્હી : પેગાસસ જાસૂસી કેસની તપાસ માટે સુપ્રીમ કોર્ટ એક્સપર્ટસની કમિટીની રચના કરશે. આજે એક કેસની સુનાવણી દરમિયાન ચીફ જસ્ટિસ એન વી. રમનાએ આ વાતનો ઉલ્લેખ કર્યો છે.

ચીફ જસ્ટિસે સુનાવણી દરમિયાન કોર્ટમાં કહ્યુ કે કમિટીનો ભાગ બનવા માટે કેટલાક એક્સપર્ટસનો સંપર્ક કર્યો હતો પરંતુ તેમાંથી કેટલાક એક્સપર્ટસ અંગત મુશ્કેલીના કારણે આનો ભાગ બની રહ્યા નથી.ચીફ જસ્ટિસ એન વી.રમનાએ કોર્ટમાં વકીલ સીયૂ સિંહને કહ્યુ કે સુપ્રીમ કોર્ટ આ અઠવાડિયે પેગાસસ જાસૂસી કેસની તપાસ માટે કમિટીની રચના કરવા ઈચ્છે છે. જે લોકોને આ કમિટીમાં સામેલ કરવાના છે, તેમાંથી કેટલાકે સામેલ થવાનો ઈનકાર કર્યો છે.

સુનાવણી દરમિયાન ચીફ જસ્ટિસે કહ્યુ કે આને લઈને આદેશ આગામી અઠવાડિયા સુધી આવી શકે છે. જલ્દી જ ટેકનિકલ એક્સપર્ટસની કમિટીને ફાઈનલ કરી લેવામાં આવશે. કેન્દ્ર સરકાર દ્વારા પહેલા કહેવામાં આવ્યુ હતુ કે એક્સપર્ટસ કમિટી બનાવીને આને સમગ્ર કેસની તપાસ કાર્યવાહી કરવામાં આવી શકે છે.ઉલ્લેખનીય છે કે કેટલાક સમય પહેલા જ પેગાસસ જાસૂસી મામલાનો મુદ્દો સામે આવ્યો હતો.

આંતરરાષ્ટ્રીય મીડિયા એજન્સીઓએ દાવો કર્યો હતો કે ભારત સરકારે ઈઝરાયલી સ્પાયવેરના દમ પર દેશમાં કેટલાક નેતાઓ, પત્રકારો અને અન્ય હસ્તીઓની જાસૂસી કરવામાં આવી હતી. જોકે, આ આરોપોને કેન્દ્ર સરકારે પાયાવિહોણા ગણાવ્યા હતા. આ લિસ્ટમાં કોંગ્રેસ સાંસદ રાહુલ ગાંધી, ચૂંટણી રણનીતિકાર પ્રશાંત કિશોર સહિત અન્ય નેતા, કેટલાક પત્રકાર, કેટલાક કેન્દ્રીય મંત્રીઓના નામ સામેલ હતા.