ટ્રાફિકની સમસ્યા ઉકેલવા પ્રજા બની પોલીસ મિત્ર

રાજકોટ જેવા મહાનગરમાં દિવસે ને દિવસે ટ્રાફિક વધતો જાય છે. ત્યારે રાજ્યના ચાર મહાનગરોમાં ગઈકાલથી 9 વાગ્યાથી નાઈટ કરફયુ લાગુ પડતા હવે 8 વાગ્યા બાદ ઘરે જવા માટે લોકોની બજારમાં ભારે ભીડ જોવા મળે છે. કરફયુ પહેલા સમયસર ઘરે પહોંચી જવા રાજકોટના મુખ્ય સડકો પર ટ્રાફિકની સમસ્યા ફરી એકવાર શરૂ થઈ છે ત્યારે ગઈકાલે રાજકોટનો મુખ્ય વિસ્તાર એવા રેલવે સ્ટેશન નજીક લોકોનો ભારે મેળાવડો જોવા મળ્યો હતો. બસ હું જલ્દી ઘરે પહોંચી જાવ તેમ લોકો ઘરે જવા આતુર બન્યા હતા. હજુ આ નાઈટ કરફયુ કેટલી લાંબી ચાલે તેની કોઈ ખબર નથી. ત્યારે ગઈકાલનો ટ્રાફિક જોતા એવું જ લાગી રહ્યું હતું કે, 2 કલાક બાદ પણ સ્થિતિ જૈસે થે જેવી જ રહેશે.


જો કે, રાત્રીના 8 વાગ્યાના સમયગાળા દરમિયાન સિવિલ હોસ્પિટલ અને રેલવે વિસ્તાર વચ્ચે કોઈ જ ટ્રાફિક પોલીસ જોવા મળી ન હતી. જો કે, ભારે ટ્રાફિકની સ્થિતિ સર્જાતા લોકો સ્વયંભુ આગળ આવીને ટ્રાફિક હળવો કરવા પોલીસ મિત્રની કામગીરી બજાવી હતી અને ફક્ત થોડી જ મીનિટોમાં ટ્રાફિક હળવો કર્યો હતો અને જાણે ટ્રાફિકની સમસ્યા ઉકેલવા પોલીસ પ્રજાની મિત્ર બની ગઈ હોય તેવું દ્રષ્ય સર્જાયું હતું.