લોકોના એટલા કામ કર્યા છે, હવે ચૂંટાવા માટે પ્રતિકની જરૂર નથી: શિંદેની ગર્જના

જો ધારાસભ્યોએ અલગ થવાનો નિર્ણય ન લીધો હોત તો શિવસેના ખતમ થઈ જાત: એકનાથ શિંદેની સ્પષ્ટતા

અબતક, મુંબઈ

મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન એકનાથ શિંદેએ લલકાર કર્યો છે કે તેમને લોકો દ્વારા ચૂંટાવા માટે ચૂંટણી પ્રતીકની જરૂર નથી. કારણકે તેઓએ પોતાના ક્ષેત્રમાં એટલા કામ કર્યા છે.  શિંદેએ કહ્યું, “કોણે દગો કર્યો? અમે કે અન્ય કોઈએ? અમે ફરી એકવાર શિવસેનાનું સ્વાભાવિક ગઠબંધન કર્યું અને આ સરકાર લોકોની સરકાર છે.”

એકનાથ શિંદેએ કહ્યું, “મેં મારા મતવિસ્તારમાં ઘણું કામ કર્યું છે. એટલું બધું કે મને લોકો દ્વારા ચૂંટાવા માટે કોઈ ચિહ્નની જરૂર નથી.”  શિવસેના પ્રમુખ ઉદ્ધવ ઠાકરેની ગઠબંધન સરકાર શિંદે અને તેમના સમર્થક ધારાસભ્યોના બળવાને પગલે જૂનમાં પડી ગઈ હતી.  ત્યારથી, ઠાકરેની આગેવાની હેઠળની શિવસેનાએ શિંદે અને અન્યોને “દેશદ્રોહી” અથવા વિશ્વાસઘાત તરીકે નિશાન બનાવ્યા છે. પુણેમાં એક રેલીમાં બોલતા એકનાથ શિંદેએ કહ્યું, “સરકાર સત્તામાં આવી અને અમારી પાર્ટીના વડા મુખ્યમંત્રી બન્યા. અમે બધા કામ પર ઉતરી ગયા. દરમિયાન લોકો મને મળવા આવતા હતા કારણ કે કેટલાક લોકો પાસે સમય ન હતો. અમારા લોકોએ ભોગવવું પડ્યું, સરકારમાં જે થઈ રહ્યું હતું તે અસહ્ય હતું.”

મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાને કહ્યું કે “અમે આ નિર્ણય લીધો કારણ કે, આગામી ચૂંટણીમાં શિવસેના પાસે આંગળીના વેઢે ગણી શકાય એટલી જ વિધાનસભા હશે. શિવસેનાને ખતમ કરવાના પ્રયાસો ચાલુ હતા.

બાલાસાહેબના નજીકના નેતાઓ પણ સીએમ હાઉસથી નારાજ થઈને પરત ફરતા

શિંદેએ ઉદ્ધવ ઠાકરેને તેમના સમર્થકો અને નેતાઓને મળવાનો સમય ન આપવા બદલ ટીકા કરી હતી.  એકનાથ શિંદેએ કહ્યું કે ,બાલાસાહેબ સાથે કામ કરનારા વરિષ્ઠ નેતાઓને પણ સીએમ હાઉસ વર્ષા બંગલામાંથી પાછા જવું પડતું હતું. તો આવી સત્તા શું કામની?