Abtak Media Google News
  • આ પૃથ્વી માત્ર ધરતી નથી, કર્મક્ષેત્ર પણ છે
  • કર્મનું તત્વજ્ઞાન હિન્દુ ધર્મમાં અને તાઓવાદમાં  પુન:જન્મના વિચાર સાથે ગાઢ રીતે સંકળાયેલા છે: વર્તમાનમાં કરવામાં આવેલ કર્મ આ જન્મમાં  વ્યકિતના

ભાવિ તેમજ જીવનની ગુણવત્તાને અસર કરે છે: કર્મનો સિધ્ધાંત એક વિભાવના તરીકે ભારતીય ધાર્મિક પરંપરાઓ સાથે જોડાયેલ છે

વૈદિક સંસ્કૃત શબ્દ કર્મનો અર્થ કાર્ય કે કામ થાય, ઋગ્વેદમાં કર્મ શબ્દનો ઉલ્લેખ 40 વખત જોવા મળે છે, તેની પ્રારંભીક સ્પષ્ટ ચર્ચા ઉપનિષદોમાં જોવા મળે છે: કર્મનું બંધન કોઈને છોડતુ નથી, શ્રેષ્ઠ કર્મો થકી મહાન બની શકો

આજના જમાનામાં  સમાજની ચોમેર દિશાઓમાં લોકો પોતાના સ્વાર્થ માટે સતત ખોટું કરતા જોવા મળે છે. આજે તો લોકો પોતાના નાનકડા સ્વાર્થ માટે પણ ખોટું કરતા અચકાતો નથી. કર્મનો મહિમા બધા લોકો જાણે છે, તદુપરાંત પોતે કરેલા ખરાબ કર્મો નો પોતે જ ભાગીદાર હોય છે, તેવી સમજ હોવા છતાં પણ આજે ખોટા લોકોની સંખ્યા દિન પ્રતિ દિન વધતી જતી જોવા મળે છે.

બુરે કામ કા બુરા નતીજા આ ફિલ્મ ગીત લાઈન સમગ્ર જીવનનો હાર્દ સમજાવે છે. સત્યની તાકાત  હોય છે, તો જુઠને સંતાડવું પડે છે.આપણે  જેવું જીવન જીવીએ  તેનો હિસાબ ઉપર આપવો પડે તેવી વિચાર સરણીની આપણી પરંપરા  છે. સજન રે જુઠ મત બોલો, ખુદા કે પાસ જાના હે જેવા ફિલ્મ ગીતમાં  સાદગી અને  સચ્ચાઈ વાળી જીંદગીનો હાર્દ સમજાવ્યો છે. આપણો સંસાર એ સુખ-દુ:ખના બે  કિનારા વચ્ચેની  જીવન યાત્રા છે. આપણે કેવું જીવન જીવવું   તે દરેક વ્યકિતએ પોતે નકકી કરવાનું છે. ઘણા સારા લોકો પણ ખરાબ સંગતને કારણે બગડતા હોય છે. એક સાદો નિયમ છે કે જેવુ કર્મ કરો તેવું ફળ મળે છે, તેમ છતાં માનવી આજે ખોટું કરતા અચકાતો નથી.

આપણા વેદ  પુરાણો શાસ્ત્રો  ભગવદગીતા વિગેરેમાં કર્મનો સિધ્ધાંત સમજાવ્યો છે. કર્મનું તત્વજ્ઞાન હિન્દુ ધર્મમાં જ જોવા મળે છે. તેવું નથી,  તે બૌધ્ધ,  જૈન અને શીખ ધર્મમાં પણ જોવા મળે. છે. તાઓવાદ માં પુન: જન્મના વિચારો સાથે ગાઢ સંકળાયેલા જોવા મળે છે, કર્મ આ જન્મમાં વ્યકિતના  ભાવી તેમજ ભાવી જીવનની પ્રકૃત્તિ અને ગુણવતાને  અસર કરે છે, જેને આપણે સંસાર કહી એ છીએ. કર્મનું બંધન કોઈને છોડતુ નથી, પૃથ્વીપર વસતો દરેક માનવી તેના જીવનની પ્રત્યેક ક્ષણ   કર્મ કર્યા વગર જીવી શકતો નથી, પછી ભલે તે સારા હોય કે ખરાબ કર્મો. સદ્કર્મ અને  દુષ્કર્મ જે આપણે કરીએ છીએ, તેનું તેવું ફળ અવશ્ય મળે છે, કારણ કર્મની ગતી ન્યારી છે.આજના યુગમાં સુકર્મોની અછત છે, ત્યારે માનવી  પોતાના  સ્વાર્થ ખાતર ગમે તે હદ સુધી જઈને પોતાનું કાર્ય   કરતો જોવા મળે છે. આજનો યુવા વર્ગ બહુ ઝડપથી પૈસા કમાવવા માટે ગમે તે હદ વટાવી  શકે છે. આજે ડગલેને પગલે  ખોટુ કરતા   લોકોનો અનુભવ થાય છે. આજે બધે જ ભેળસેળ જોવામળે છે, જેમાં વેપારીઓ પોતાની આવક વધારવા લોકોનાં  આરોગ્ય સાથે પણ ચેડા કરતાં જોવા મળે છે. આજનો યુગનો સ્વામી પૈસા ગણાય છે, ત્યારે તેના જોરે ગમે તેવા કર્મ કરનારો  છટકી જતો જોવા મળે છે. સમાજમા ચારે કોર ભ્રષ્ટાચાર જોવા મળી રહ્યો છે. લોકોને  કોઈનો ડર ન લાગતો હોવાથી ગમે તેની વસ્તુ કાવતરૂ કરીને હડપી લઈને કે શોર્ટકટ  થી અઢળક પૈસો કમાઈ લઈને માનવી સંતોષ માને છે, પણ ઈશ્ર્વર બધું જ જોતો હોય છે.  તમારા  કરેલા કાર્યો કે પાપ કર્મોમાં કોઈ ભાગીદાર હોતો નથી, તેથી તેનું ફળ તમારે  ભોગવવાનું હોય છે, છતા માનવી ડર રાખ્યા વગર સતત આગેકુચ કરતો જોવા મળે છે.

દરેક કર્મનું  ફળ આપણે ભોગવવું જ પડે છે, માણસ ખરાબ કર્મો કરીને   ગંગામા ડુબકી  લગાવવાથી કયારેય પવિત્ર  થતો જ નથી, છતાં લાખો કરોડો લોકો  જાય છે, પણ ઈશ્ર્વરના રસ્તે ચાલીને  નબળાને મદદ કરવા કોઈ ચાલતું નથી.  ગત જન્મના કર્મોના ફળે આ જન્મારામાં મળેલ જીવજો, અહી પણ આપણે કંઈ કરીને ન જાય તો લખ ચોરાશી ફેરો  અફળ જાય છે. કર્મનો સિધ્ધાંત દર્શાવે છે કે ખુદ ભગવાને પણ તેનું પાલન કરવું પડ્યું હતું , કે તેને ફળ ભોગવવું પડયું હતું. ભગવદ્ ગીતા અનુસાર કર્મ પર જ તમારો અધિકાર છે, તેનાથી મળનારા  ફળ પર નહી , કર્મને કોઈ કાર્ય, પરાક્રમ કે શુભ કર્મના અર્થમાં જુએ છે, તો ઘણા તેને  એક કર્તવ્ય કે સદગુણ રીતે પણ જોવે છે. આપણા  પુરાણો શાસ્ત્રોએ પણ દાન જેવા વિવિધ કર્મોને  ધર્મના કુળ ગણાવ્યા છે.

ઈચ્છા અને આકાંક્ષાઓ કર્મના  પ્રેરક બળ છે મનુષ્ય  જન્મ 84 લાખ યોનીના ફેરા પૂર્ણ કરીને મળ્યો હોવાથી આજ અવસર દરેકને  સતકર્મો કરવાનો મળ્યો છે. કર્મના ફળની વાત  જોઈએ તો  સુખ-દુ:ખ  ઉપરાંત કશાય કારણ વગર આવતી મુશ્કેલીઓ પુન:જન્મ સુધી પહોચે છે.કર્મોની પ્રવૃત્તિથી પડેલ સંસ્કારો જ તેનું વહન  જન્મ જન્માન્તર સુક્ષ્મ શરીરમાં રહે છે.  સતવાદી હરિશ્ર્ચંદ્ર પર અપાર દુ:ખનો  ઢગલો પડયો હતો, છતા તે  ચલાયમાન ન થયા. કયારેક આપણને  પણ લાગે કે દુષ્કર્મો કરનારા પણ  ભરપૂર સુખ ભોગવતો હોય છે. ટુંકમાં  જે કરો તેનું પરિણામ ભોગવવા   બધાએ તૈયાર રહેવું   પડે છે, કારણ કે ઈશ્ર્વરની લાઠીનો  અવાજ   નથી હોતો પણ વાગે તો છે જ.

કર્મના ન્યાયમાં શ્રીમંત હોય કે ગરીબ બધા એક જ લાઈનમાં આવે છે. કર્મ એટલે ભૂતકાળનો પડઘો અને ભવિષ્યનું સર્જન કહેવાય છે.સારૂ કર્મ કે ખોટું કર્મ, ફળ તો દરેકને મળે છે, આપણે કેવા કર્મો કર્યા છે,તેની  ઉપર   ફળનો આધાર છે.ઘણા સજજન પુરૂષો  ફળની આશા રાખ્યા વગર પોતાની ફરજ સમજીને સતત સદ્કાર્યોમાં પ્રવૃત રહેતા હોય છે. એક વાત યાદ રાખવા જેવી છે કે કર્મો બાંધવાનો  અધિકાર એક માત્ર મનુષ્યોને જ છે, બીજા કોઈને નહી માટે કર્મ કરતા રહો, ફળની આશા ન રાખશો. જેવા કર્મો કરશો તેવા જ   ફળ  તમને ભગવાન આપશે,  તે જ ગીતાનો સાર છે. બધા જ માણસો દુ:ખી કે સુખી નથી, કોઈ દુ:ખી  તો કોઈ સુખી   છે, આજ બતાવે છે સુખ અને દુ:ખ કર્મ આધારિત છે. કોઈપણ સારા કે ખરાબ કામના  ચાર ભાગીદારો હોય છે, જેમાં કામ કરનાર, કરાવનાર, પ્રેરણા આપનાર અને તે   કામનું સમર્થન કરનાર, કર્મને ત્રણ ભાગમાં વિભાજીત   કરી શકાય, જેમાં ક્રિયામણી, સંચિત કર્મ અને પ્રારબ્ધ કર્મ, અમુક ક્રિયાનું ફળ મળતું નથી, પણ યોગ્ય સમયે  મળે છે.  જેવી કરણી તેવી ભરણી આ ગુજરાતી કહેવત થોડામાં ઘણુ સમજાવી જાય છે. આપણા મનમાં પ્રશ્ર્ન થાય કે, કર્મ મોટુ કે ભાગ્ય, પણ ભાગ્યમાં હોય તે ત્યારે જ મળે જયારે કર્મ સર્વ શ્રેષ્ઠ હોય.

કોઈપણ કર્મ કરો, બસ ધ્યાન એટલુ રાખજો કે પરમાત્મા ‘ઓનલાઈન’ છે

શ્રેષ્ઠ કર્મો થકી મહાન બની શકાય, કોઈપણ માનવી તેના સ્વભાવ-સંસ્કાર અને કર્મો વડે મહાન બની શકે છે, પોતાની પાસે જે છે તે બીજાને વહેચીને પણ શ્રેષ્ઠ અને સાદગી પૂર્ણ જીવન જીવી શકાય છે. એક માનવી જ બીજા માનવીની મદદ કરી શકે છે,  ત્યારે આડોશ-પાડોશ, પરિવાર કે સહકર્મી સાથે સુચારૂ વ્યવહાર અને કર્મનિષ્ઠા રાખીને તમો તમારો સંર્વાગી  વિકાસ અને નિજાનંદ મેળવી શકો છો.  શ્રેષ્ઠ કર્મો કર્યાનો આનંદ ચિરંજીવી હોય છે. જયારે ખરાબ કાર્યોનો ડર સતત સતાવતો રહેતો હોય છે.

“સારા કર્મો કરો” આ ત્રણ શબ્દો અને છ અક્ષરમાં જગતનાં તમામ શાસ્ત્રોનો સાર

કર્મનો સિધ્ધાંત ક્રિયામાણ, સંચિત અને પ્રારબ્ધ કર્મ દર્શાવે છે, જયારે ભગવદ્ ગીતામાં શ્રી કૃષ્ણ કર્મ-અકર્મ-વિકર્મના ત્રણ પ્રકારો દર્શાવે છે. મનુષ્ય સારા કર્મો કરે તો તેનું જીવન  અવશ્ય  સારૂ જ રહેવાનું છે. બધા સાથે  આદરપૂર્વક વર્તન અને  આજ્ઞાકારી રહો,  તેમજ કોઈને નુકશાન ન  પહોચાડો, તે પણ પુજા કર્યા વગરનું સુકર્મ જ છે.કર્મને પુજા એટલે જ કહ્યું છે, આ પૃથ્વી માત્ર ધરતી નથી પણ એક કર્મક્ષેત્ર પણ છે. આપણા મહાન ગ્રંથ ભગવદ્ ગીતા કર્મની ગંગા, ભકિતની યમુના, અને જ્ઞાનની સરસ્વતી છે. ગીતાજીમાં એકથી છ અધ્યાયમાં કર્મની બોલબાલા છે. કર્મોની કુશળતા એક પ્રકારનો  યોગ જ છે.

I AM CRICKTER INDIAN ARMY

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.