રાજકોટમાં ન્યુસન્સ પોઈન્ટ ઘટાડવા લોકોને પ્રશિક્ષિત કરાશે

લોકોને જાહેરમાં કચરો ન  ફેંકવા પ્રશિક્ષીત કરી ન્યુસન્સ પોઈન્ટ ક્રમશ: ઘટાડાશે: એ.આર.સિંહ

રાજકોટને સ્વચ્છતામાં દેશનું નં.1 શહેર બનાવવાના આશ્રય સાથે કોર્પોરેશન દ્વારા સ્વચ્છતા ઝુંબેશ શરૂ કરવામાં આવે છે. જે અંતર્ગત શહેરના 18 વોર્ડમાં આવેલા 164 ન્યુસન્સ પોઈન્ટ દૂર કરવા માટે આજથી મહાપાલિકા દ્વારા મહાઝુંબેશ શરૂ કરવામાં આવી છે.

જે અંતર્ગત આજે સવારે ડીએમસી એ.આર.સિંહ ચેકિંગ માટે રૂબરૂ ફિલ્ડમાં નિકળ્યા હતા. તેઓએ જણાવ્યું હતું કે, જાહેરમાં કચરો ન ફેંકવા માટે લોકોને પ્રશિક્ષીત કરીને ન્યુસન્સ પોઈન્ટનું દુષણ ક્રમશ: ઓછુ કરવામાં આવશે.

અત્રે ઉલ્લેખનીય છે કે, મેયર ડો.પ્રદિપ ડવ દ્વારા ન્યુસન્સ પોઈન્ટ હટાવવા માટે એક અભિયાન હાથમાં લેવામાં આવ્યું છે. ગઈકાલે તેઓએ આ સંદર્ભે સંબંધીત શાખાના અધિકારીઓ સાથે બેઠક યોજી હતી અને આજથી જ શહેરમાં ન્યુસન્સ પોઈન્ટનું દુષણ દૂર થાય તે માટે કામગીરી કરવા સુચના આપી હતી. આજે ઈદની જાહેર રજા હોવા છતાં કોર્પોરેશન દ્વારા ન્યુસન્સ પોઈન્ટ ખાતે સફાઈ અભિયાન શરૂ કરવામાં આવ્યું હતું. ખુદ ડીએમસી એ.આર.સિંહ ફિલ્ડમાં નિકળ્યા હતા અને તેઓએ જરૂરી સુચનાઓ પણ આપી હતી.