Abtak Media Google News

અત્તર કે સેન્ટની માદક સુગંધથી સ્ત્રી અને તેનો શણગાર વધારે સુંદર અને આકર્ષક બને છે. મોટેભાગે દરેક સ્ત્રીને જુદી જુદી જાતનાં અત્તર કે સેન્ટ વાપરવાનો શોખ હોય છે. બીજાની પસંદગી અને તેના વાપરવા ઉપર તમે તમારી પસંદગી ઉતારશો નહીં. દરેકના શરીરનો પરસેવો જુદો જુદો હોય છે અને તેની અસર પણ પરફ્યુમની સુવાસ પર જુદી જુદી પડે છે.

સવારના પહોરમાં બહાર જતી વખતે હળવી અને ફૂલોની સુવાસવાળું અત્તર કે સેન્ટ પસંદ કરવું, ફૂલોની મહેકવાળું સેન્ટ વાતાવરણને વધારે તાજગીભર્યું અને પ્રફુલ્લિત બનાવી દેશે. યુ. ડી. કોલોનનો આ પ્રસંગે ઉપયોગ કરવો વધારે સારો. તેની સુવાસ મધુર હોય છે. જો તમારી ત્વચા તૈલી હોય તો પરફ્યુમ થોડા પ્રમાણમાં લગાડો. કારણ કે તૈલી ત્વચાને કારણે પરફ્યુમની સુગંધ લાંબા વખત સુધી શરીર પર પ્રસરેલી રહે છે. પરંતુ જેની ત્વચા સૂકી હોય તેને સારા એવા પ્રમાણમાં પરફ્યુમની જરૃર પડશે. મધુર સુવાસ ધરાવતું પરફ્યુમ તમારા વ્યક્તિત્ત્વને વધુ નિખાર આપે છે. તે તમારી આસપાસ મોહકતા અને લાવણ્યનું વર્તુળ રચી દેશે. બહાર જવાની પંદર વીસ મિનિટ પહેલાં પરફ્યુમ લગાડી દો. જેથી નીકળતા સુધીમાં તેની સુવાસ હલકી થઈ જશે.

પરફ્યુમ લગાડવા માટે પણ અમુક લગાવવાથી તેની ખૂશ્બુ તમને તેમ જ બીજાને લાંબા સમય સુધી આનંદ આપતી રહેશે. કાંડા પાસે જ્યાં નાડીના ધબકારા થાય છે ત્યાં કાનની બંને બૂટ પર અને તેની પાછળ, ગરદન ઉપર, કાંડા પર, બન્ને લમણાં પર, કોણી પાસે પરફ્યુમ લગાડવું. આ જગ્યાએથી પરફ્યુમની સુગંધ ખૂબ પ્રસરશે. કોઈ પણ પરફ્યુમ સીધેસીધું કપડાં પર લગાડશો નહીં. કારણ કે તેના ડાઘ પડવાનો સંભવ રહે છે. હાલમાં સેન્ટની શીશી પરનું સ્પ્રે કરવાનું સાધન તેને માટે ઉત્તમ છે. તેનાથી પરફ્યુમનો ખોટો વ્યય અટકે છે. અને શરીરના ઘણા ભાગ પર તેની સુગંધ ફેલાયેલી રહે છે.

સાંજના સમયે કે રાત્રિ વેળાએ બહાર જતી વખતે તીવ્ર સુગંધનું અત્તર અથવા તો સેન્ટ ઉપયોગમાં લેવું. રાત્રિને સમયે આ સેન્ટની ખૂશ્બુ વાતાવરણને વધુ માદક અને નશીલું બનાવે છે. વાળને ધોઈ લીધા પછી થોડું પરફ્યુમ વાળ પર સ્પ્રે કરી દો. ક્યાંય સુધી તેની સુગંધ તમારી આસપાસ પ્રસરેલી રહેશે.’ક્લેનલ’ જેને આપણે ક્લાલીન કહીએ છીએ. તેનો નાનો ટુકડો કાપી તેના પર પરફ્યુમ લગાડી તમારી ડ્રેસ, બ્લાઉઝ કે બ્રાની અંદર પીનથી લગાડી દો. આ પ્રકારનાં કપડાંમાં ખૂબ લાંબા સમય સુધી પરફ્યુમની સુગંધ ટકેલી રહે છે. ક્લેનલની જગ્યાએ કપડાંનો ટુકડો પણ વાપરી શકાય. આ પરફ્યુમ લગાડેલા ટુકડાને કપડાં, રૃમાલ વગેરે સાથે મૂકવાથી તે સુવાસિત બની જશે.

સ્નાન કરતાં પહેલાં પાણીમાં યુ-ડી કોલન કે પરફ્યુમ નાખી દો. તે મનને પ્રફુલ્લિત બનાવશે. કપડાંને ઈસ્ત્રી કરતાં પહેલાં બોર્ડ પર ટેબલ પર કે જેના પર કપડું મૂકી ઈસ્ત્રી કરવાની હોય ત્યાં પરફ્યુમ સ્પ્રે કરી દેશો તો કપડાં સુગંધી બની જશે.

સાડી, ડ્રેસ વગેરે જ્યાં રહેતાં હોય તે વોર્ડરોબ અવારનવાર પરફ્યુમથી સ્પ્રે કરતાં રહેશો તો કપડામાં આકર્ષક સુવાસ પ્રસરેલી રહેશે. કાયમ પર્સમાં એક નાની સાઈઝનું સ્પ્રે પરફ્યુમ રાખવાથી ઊડી ગયેલી પરફ્યુમની સુવાસ ફરી તાજી કરી શકાય છે.

પરફ્યુમને અંધારી અને ઠંડી જગ્યાએ મૂકી રાખો. દરેક વખતે તેના વપરાશ પછી શીશીનું ઢાંકણું બરાબર બંધ થયું છે કે નહીં તે જોઈ લો. ઢાંકણું ફીટ રાખવું જરૃરી છે. નહીં તો પરફ્યુમ ઊડી જશે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.