પેટ્રોલ ડીઝલના ભાવનું ભારણ વિકાસ માટે જરૂરી

એક્સાઇઝ ડ્યુટી એટલા માટે વધારે રાખી છે જેથી સરકારને આવક થાય અને તેનાથી ઈન્ફ્રાસ્ટ્રક્ચરનો વિકાસ થઈ શકે : નાણાં મંત્રી

અબતક, નવી દિલ્હી : પેટ્રોલ ડીઝલના વધતા જતા ભાવ દવાના કડવા ડોઝ જેવું છે. જે લાગે છે તો કડવું પણ જરૂરી છે. પેટ્રોલ ડીઝલના ભાવનું ભારણ વિકાસ માટે જરૂરી છે. એક્સાઇઝ ડ્યુટી એટલા માટે વધારે રાખી છે જેથી સરકારને આવક થાય અને તેનાથી ઈન્ફ્રાસ્ટ્રક્ચરનો વિકાસ થઈ શકે તેવું નાણાં મંત્રીએ જાહેર કર્યું છે.

નાણા રાજ્ય મંત્રી પંકજ ચૌધરીએ જણાવ્યું હતું કે પેટ્રોલ અને ડીઝલ પર એક્સાઈઝ ડ્યુટી દરો હાલની નાણાકીય પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને માળખાગત નિર્માણ અને અન્ય વિકાસલક્ષી ખર્ચ માટે સંસાધનો ઉત્પન્ન કરવા માટે રાખવામાં આવ્યા છે. રાજ્યસભામાં એક સવાલના લેખિત જવાબમાં મંત્રીએ કહ્યું કે પેટ્રોલના ભાવ મેમાં 3. 83 રૂપિયા, જૂનમાં 4.58 રૂપિયા અને જુલાઈમાં 2.73 રૂપિયા વધ્યા છે.

એપ્રિલમાં પેટ્રોલ અને ડીઝલની કિંમતોમાં ક્રમશ: રૂ. 0.16 અને 0.14 રૂપિયાનો સુધારો કરવામાં આવ્યો હતો. ડીઝલના છૂટક વેચાણના ભાવ મે મહિનામાં પ્રતિ લિટર રૂ. 4.42, જૂનમાં રૂ. 4.03 અને જુલાઈમાં રૂ.0.69 નો વધારો થયો છે.તેમણે જણાવ્યું હતું કે, 16 જુલાઈ 2021 ના ​​રોજ દિલ્હીમાં પેટ્રોલ અને ડીઝલની છૂટક વેચાણ કિંમત અનુક્રમે રૂ. 101.54 પ્રતિ લિટર અને 89.87 પ્રતિ લિટર રહી હતી.

ચૌધરીએ જણાવ્યું હતું કે, પેટ્રોલ અને ડીઝલ પર એક્સાઈઝ ડ્યુટી દરો હાલની નાણાકીય પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને ખર્ચની અન્ય વિકાસલક્ષી વસ્તુઓના સંસાધનો ઉત્પન્ન કરવા માટે કેલિબ્રેટ કરવામાં આવ્યા છે. ચાલુ નાણાકીય વર્ષના પ્રથમ ત્રણ મહિનામાં (એપ્રિલથી જૂન) પેટ્રોલ અને ડીઝલ પર એકત્રિત કરવામાં આવેલી કુલ આબકારી રકમ રૂ., 94, 181 કરોડ હતી.

તેઓએ જણાવ્યું કે સરકાર ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને ખર્ચના અન્ય વિકાસલક્ષી વસ્તુઓ માટે સંસાધનો એકત્રિત કરવા માટે નક્કર પ્રયાસો કરી રહી છે, જેની વિગતો વાર્ષિક બજેટમાં જાહેર કરવામાં આવી હતી.હાલની નાણાકીય પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને આ સંસાધનો ઉત્પન્ન કરવા માટે પેટ્રોલ અને ડીઝલ પર એક્સાઈઝ ડ્યુટી દરો નક્કી કરવામાં આવ્યા છે.