Abtak Media Google News

પીએફઆઈ દ્વારા આતંકવાદી ગતિવિધિઓને અંજામ આપવા માટે સભ્યોની ભરતી કરવામાં આવી હતી અને પ્રશિક્ષણ શિબિરોનું આયોજન કરવામાં ઘટસ્ફોટ

અબતક, નવીદિલ્હી

રાષ્ટ્રીય તપાસ એજન્સી (એનઆઈએ) તરફથી પોપ્યુલર ફ્રન્ટ ઓફ ઈન્ડિયા (પીએફઆઈ) સામે મોટી કાર્યવાહી કરી છે. જેમાં નેશનલ ઇન્વેસ્ટિગેશન એજેન્સીની ટીમે તેલંગાણા અને આંધ્રપ્રદેશમાં 40 સ્થળોએ દરોડા પાડયા છે. આ દરમિયાન ચાર લોકોની ધરપકડ કરી તેમની પૂછપરછ પણ ચાલુ કરી દેવામાં આવી છે. જેમાં તેલંગાણા અને આંધ્રપ્રદેશના બે બે લોકોનો સમાવેશ પણ થયો છે. બન્ને રાજ્યમાં 23થી વધારે ટીમ દ્વારા તપાસ કરવામાં આવી રહી છે. તપાસમાં ખુબજ મોટાપાયે રોકડ તેમજ આપતિજનક સામગ્રી મળી આવી હોવાનું પણ સામે આવ્યું છે.

આ દરોડા આંધ્રપ્રદેશના કુર્નુલ, નેલ્લોર, કડપા, ગુંટૂર અને તેલંગણના નિઝામાબાદમાં સંદિગ્ધોના આવાસ અને વ્યાવસાયિક સ્થળો ઉપર પાડવામાં આવ્યા છે. સૂત્રો પાસેથી મળેલી માહિતી  અનુસાર બે ડઝનથી વધારે પીએફઆઈ નેતાઓના પરિસરોને તપાસવામાં આવી રહ્યા છે.  નિઝામાબાદના ઓટોનગર નિવાસી અબ્દુલ ખાદર સહિત 26 લોકો એનઆઈએના રિપોર્ટમાં આરોપી સાબિત થયા હતા. આ તમામ આરોપીઓએ  ભારત સરકાર સામે અપરાધિક કાવતરું રચ્યું હતું અને દાવો કરવામાં આવ્યો છે કે, પીએફઆઈ દ્વારા આતંકવાદી ગતિવિધિઓને અંજામ આપવા માટે સભ્યોની ભરતી કરવામાં આવી હતી અને પ્રશિક્ષણ શિબિરોનું આયોજન કરવામાં આવી રહ્યા છે. આ ઉપરાંત ગેરકાનૂની સભાનું ગઠન કરવામાં આવ્યું હતું. સત્તાવાર સૂત્રોના જણાવ્યા મુજબ અબ્દુલ ખાદરે  કબૂલ્યું હતું કે, તેણે પીએફઆઈના અમુક નેતા પાસેથી છ લાખ રૂપિયા લીધા છે. જેનાથી અમુક યુવાનોને કોચિંગ ક્લાસ અને શારીરિક તાલીમ આપવામાં આવતી હતી તેમજ રાષ્ટ્રવિરોધી કૃત્યો કરવા માટે પ્રોત્સાહિત કરવામાં આવતા હતા.

તપાસ એજન્સીઓ દ્વારા ધરપકડ કરાયેલા લોકોની વિગતો ઉપલબ્ધ નથી, પરંતુ અધિકારીઓનું કહેવું છે કે આતંકી સંગઠનોને ભંડોળ ફાળવવા, તાલિમ શિબિરો યોજવા અને પીએફઆઈમાં કટ્ટરવાદી લોકોને જોડવાના અભિયાનમાં સંડોવાયેલા લોકોના ઘરો, પરિસરો પર દરોડા પાડવામાં આવ્યા છે. પીએફઆઈની ચેન્નઈ સ્થિત મુખ્ય ઓફિસ પર પણ દરોડા પાડવામાં આવ્યા હતા. ઉપરાંત પીએફઆઈના અધ્યક્ષ ઓએમએ સલામના કેરળના મલપુરમ સ્થિત આવાસ પર પણ એનઆઈએની ટીમ ત્રાટકી હતી.

વર્ષ 2006માં ભારતમાં શોષિત વર્ગોને સક્ષમ બનાવવા સામાજિક ચળવળ શરૂ કરવા માટે પીએફઆઈની સ્થાપના કરાઈ હોવાનો દાવો કરાયો હતો. પરંતુ આ સંસ્થા પર અનેક વખત દેશમાં કટ્ટરવાદ ફેલાવવાનો આરોપ મૂકાયો છે. તાજેતરના સમયમાં પોપ્યુલર ફ્રન્ટ ઓફ ઇન્ડિયા વિરુદ્ધ બારથી વધુ કેસો દાખલ કરાયા છે. એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ પીએફઆઈ સામે દેશમાં સીએએ વિરુદ્ધ દેખાવો, 2020માં દિલ્હી રમખાણો, દલીત મહિલા પર કથિત સામુહિક બળાત્કાર અને હત્યા મુદ્દે હાથરસમાં કથિત કાવતરાં તથા અન્ય કેટલીક ઘટનાઓમાં દેશ વિરોધી પ્રવૃત્તિઓ માટે ભંડોળ ફાળવવા મુદ્દે તપાસ કરી રહી છે.

પોપ્યુલર ફ્રન્ટ ઓફ ઇન્ડિયા નું ગઠન વર્ષ 2006 માં થયું હતું જે બાબરી ધ્વન્સ બાદ શરૂ થયું હોવાનું સામે આવ્યું છે. એટલું જ નહીં પોપ્યુલર ફ્રન્ટ ઓફ ઇન્ડિયાના જે નેતાઓ અથવા તો કર્મચારીઓ જ હતા તેમની ધરપકડ કરવામાં આવી હતી કે જેવો મુસ્લિમ નેતાઓ અને ઉત્તર પૂર્વી ભારતના નેતાઓ સાથે જોડાઈને આંતકી ગતિવિધિઓને અંજામ આપવા માટેનું કાવતરું ઘડતા હતા. હવે પોપ્યુલર ફ્રન્ટ ઓફ ઇન્ડિયા માત્ર એક બે રાજ્ય પૂરતું જ સીમિત નથી પરંતુ અનેક રાજ્યોમાં તેની હાજરી જોવા મળી રહી છે અને તેઓ ભારત વિરોધી પ્રવૃત્તિઓમાં સતત આગળ રહે છે ત્યારે વિવિધ તપાસ એજન્સી દ્વારા જે પગલું લેવામાં આવ્યું તેના ઉપર ઘણા અંશે રોક લાગશે.

દરમિયાન કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે 29મી ઑગસ્ટે બોલાવેલી એક બેઠકમાં પીએફઆઈ પર આ દરોડાની રૂપરેખા તૈયાર કરાઈ હતી. આ બેઠકમાં રાષ્ટ્રીય સલામતી સલાહકાર અજિત ડોભાલ તેમજ રો, આઈબી તથા એનઆઈએના વડા હાજર રહ્યા હતા. આ બેઠકમાં અમિત શાહે પીએફઆઈ અંગે વધુ માહિતી મેળવવા પર ભાર મૂક્યો હતો. આ પછી જુદી જુદી એજન્સીઓને જવાબદારી સોંપાઈ હતી. સાથે તે એજન્સીઓએ હોમ વર્ક પુરું કર્યા પછી આજે દરોડા પાડવામાં આવ્યા હતા. આ દરોડા પછી ગુરુવારે પણ અમિત શાહે અજિત ડોભાલ સહિત ટોચના અધિકારીઓ સાથે બેઠક કરી હતી અને પીએફઆઈ પર કાર્યવાહી અંગે ચર્ચા કરી હતી.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.