ચુનારાવાડમાં પીજીવીસીએલના મહિલા જૂનિ.ઇજનેરને ફરજમાં રૂકાવટ

વીજ કનેક્શન કાપવા જતા માતા-પુત્રીએ ગાળો ભાંડી જાનથી મારી નાખવાની ધમકી દીધી: બંનેની ધરપકડ

શહેરના ચુનારાવાડમાં ગયેલી પીજીવીસીએલની ટીમના મહિલા જુનિયર ઇજનેર સાથે ફરજમાં રૂકાવટ થઈ હોવાની ઘટના પોલીસ ચોપડે નોંધાઈ છે. જેમાં પાડોશી ના ઘરે પૈસાની ઉઘરાણી કરવા ગયેલી પીજીવીસીએલની ટીમના જુનિયર ઇજનેરને માતા-પુત્રીએ ગાળો ભાંડી જાનથી મારી નાખવાની ધમકી દીધી હતી.

આ અંગેની પોલીસમાંથી પ્રાપ્ત વિગત મુજબ શહેરના સાધુ વાસવાણી રોડ પર સરગુણ સોસાયટીમાં રહેતા અને પીજીવીસીએલમાં જુનિયર ઇજનેર તરીકે ફરજ બજાવતા એ.એસ.આઇ.ના પત્ની રીટાબેન નીરવભાઈ વાણિયા (ઉ.વ.35)એ થોરાળા પોલીસ મથકમાં લાખાજીરાજ રોડ ઉદ્યોગનગર -2માં રહેતા કુંદનબેન લીલાભાઇ ટાંક અને તેમની પુત્રી સામે ફરજમાં રૂકાવટની ફરિયાદ નોંધાવી છે.

આ પોલીસ ફરિયાદમાં જણાવ્યા મુજબ રીટાબેન અને તેમની ટીમ ચુનારાવાડમાં વીજ જોડાણના પૈસાની ઉઘરાણી કરવા નીકળ્યા હતા. ત્યારે ચુનારાવાડ શેરી નંબર -2માં સુરેશભાઈ બટુકભાઈ બાવરીયાના ઘરે જુનિયર ઇજનેર રીટાબેન અને તેમની ટીમ કામગીરી કરી રહી હતી ત્યારે લાખાજીરાજ રોડ પર આવેલા ઉદ્યોગનગર વિસ્તારમાં રહેતા કુંદનબેન અને તેની પુત્રી ત્યાં આવી રીટાબેન સાથે ગાળાગાળી કરી ’માર ઘરે વીજ જોડાણ કાપવું નહિ અને પૈસાની ઉઘરાણી ન કરવી, નહિતર જાનથી મારી નાખીશ’ તેવી ધમકી આપી હતી.જેથી જુનિયર ઇજનેર રીટાબેન વાણિયાએ માતા અને પુત્રી બંને વિરૂદ્ધ ફરજની રૂકાવટની ફરિયાદ નોંધાવી હતી. જેથી થોરાળા પોલીસ મથકના હેડ કોન્સ્ટેબલ કોકિલાબેન દાફડા સહિતના સ્ટાફે કાર્યવાહી હાથધરી બંનેની ધરપકડ કરી આગળની કાર્યવાહી હાથધરી છે.