Abtak Media Google News

ઝવેરચંદ મેઘાણીને રાજુ ભાર્ગવએ લાગણીભેર અંજલી અર્પી

રાજકોટ શહેર પોલીસ કમિશ્નર રાજુ ભાર્ગવ (આઈપીએસ) સાથે રાષ્ટ્રીય શાયર ઝવેરચંદ મેઘાણીના પૌત્ર અને ઝવેરચંદ મેઘાણી સ્મૃતિ સંસ્થાનના સ્થાપક પિનાકી નાનકભાઈ મેઘાણીની લાગણીસભર મુલાકાત થઈ હતી. છેલ્લા 40 વર્ષથી ખાદી-ગ્રામોદ્યોગ-રચનાત્મક ક્ષેત્ર સાથે સંકળાયેલાં ભારત સરકારના ખાદી અને ગ્રામોદ્યોગ આયોગ (કેવીઆઈસી)ની સેન્ટ્રલ ખાદી માર્ક કમિટી તથા ભાલ નળ કાંઠા ખાદી ગ્રામોદ્યોગ મંડળના ચેરમેન, લોકસેવક, ખેડૂત આગેવાન, જગતાત ફલજીભાઈ રાહાભાઈ ડાભીના પૌત્ર ગોવિંદસિંહ દાજીભાઈ ડાભીની વિશેષ ઉપસ્થિતિ રહી હતી. રાજકોટ શહેરના સંનિષ્ઠ, સાહિત્ય-સંસ્કૃતિ-પ્રેમી પોલીસ કમિશ્નર રાજુ ભાર્ગવનો સરળ અને સાલસ સ્વભાવ સ્પર્શી ગયો હતો.  વિશ્વભરમાં વસતાં ગુજરાતીઓ રાષ્ટ્રીય શાયર ઝવેરચંદ મેઘાણીના પ્રેરણાદાયી જીવન-કવનમાંથી પ્રેરિત થાય છે. સાહિત્ય, લોકસાહિત્ય, પત્રકારત્વ તેમ જ આઝાદીની લડતમાં તેમનું અનન્ય અને મહામૂલું પ્રદાન ક્યારેય વિસરાશે નહીં તેમ રાજુ ભાર્ગવએ લાગણીભેર અંજલિ અર્પી હતી.

સ્વતાંત્ર્ય-સંગ્રામ નિમિત્તે ઝવેરચંદ મેઘાણીએ રચેલાં દેશક્તિનાં 15 શૌર્યગીતોનો સંગ્રહ સિંધુડોની નવીન સંવર્ધિત આવૃત્તિ પિનાકી મેઘાણીએ અર્પણ કરી હતી. ઝવેરચંદ મેઘાણીની કર્મભૂમિ રાણપુર સ્થિત લોકસંત, ક્રાંતિકારી જૈન મુનિ સંતબાલજીની પ્રેરણાથી 1958માં સ્થાપિત અને આર્થિક-સામાજિક વંચિત સમાજની બહેનોને સ્વરોજગારી પૂરી પાડતી ગુજરાતની એકમાત્ર ઊની ખાદી સંસ્થા ભાલ નળકાંઠા ખાદી ગ્રામોદ્યોગ મંડળ દ્વારા ઉત્પાદિત હાથ-વણાટ, હાથ-બનાવટની આકર્ષક શાલથી ગોવિંદસિંહ ડાભીએ અભિવાદન કર્યું હતું.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.