- એર ઇન્ડિયાના પેસેન્જર પ્લેને 230 મુસાફરો, 10 ક્રુ મેમ્બર અને બે પાયલોટ સાથે ઉડાન ભર્યાની માત્ર બે મિનિટમાં જ જમીનદોસ્ત થતાં ભયાવહ વિસ્ફોટ
અમદાવાદના મેઘાણીનગરમાં એર ઇન્ડિયાનું પેસેન્જર પ્લેન ક્રેશ થતા અરેરાટી વ્યાપી છે. 242 મુસાફરો સાથે લંડન જઈ રહેલી ફ્લાઇટ આઈજીપી કમ્પાઉન્ડ નજીક ક્રેસ થતા ભયાનક આગ ફાટી નીકળી હતી. દુર્ઘટનામાં 200 લોકોના મોતના અહેવાલ સાંપડી રહ્યા છે. જ્યારે મૃત્યુ આંક વધવાની દહેશત ઉભી થવા પામી છે. હાલ સુધીમાં 50 મૃતદેહ આગમાં ભડથું સ્થિતિમાં મળી આવતા હડકંપ મચી જવા પામ્યો છે.
અમદાવાદના મેઘાણીનગરમાં સરદાર વલ્લભભાઈ આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પર ટેક ઓફ કરતી વખતે એર ઈન્ડિયાની અમદાવાદથી લંડન જતું પ્લેન ક્રેશ થયું છે. આ વિમાન એરપોર્ટ પરથી બપોરે 1.38 વાગે ટેક ઓફ થયું હતું અને 1.40 વાગે દુર્ઘટના સર્જાઇ હતી. પ્રાથમિક અહેવાલો પ્રમાણે મેઘાણીનગર વિસ્તારમાં ઘોડા કેમ્પ નજીક આઈજીબી કમ્પાઉન્ડમાં આ ઘટના બની હતી. દરમિયાન દૂર સુધી ધુમાડાના ગોટેગોટા જોવા મળ્યા હતા, જેથી આસપાસના રહીશોમાં ભય ફેલાઈ ગયો હતો.
પ્રાથમિક અહેવાલો પ્રમાણે, ટેક ઓફ વખતે વિમાનનો પાછળનો ભાગ વૃક્ષ સાથે અથડાતા આ ઘટના બની હતી. એવું પણ કહેવાય છે કે, આ પ્લેનમાં કોઇ ટેક્નિકલ ખામી સર્જાઇ હોવાથી દુર્ઘટના સર્જાઇ હતી. અત્યાર સુધી સૂત્રો દ્વારા મળતી માહિતી અનુસાર 50 મૃતદેહોને કાઢી લેવામાં આવ્યા છે જે મોટાભાગે બળી ગયેલી હાલતમાં મળ્યાં છે.
સરદાર વલ્લભભાઈ પટેલ એરપોર્ટ પરથી અમદાવાદથી લંડન જતી એર ઈન્ડિયાની ફ્લાઈટ 1.38 વાગે ટેક ઓફ થઈ હતી. આંખના પલકારામાં બે મિનિટમાં જ વિમાનનો પાછળનો ભાગ વૃક્ષ સાથે અથડાયો હતો. જેથી વિમાન બિલ્ડિંગ સાથે ટકરાઈ ક્રેશ થયુ હતું. વિમાન ધડાકાભેર ક્રેશ થતાં અનેક લોકો ઈજાગ્રસ્ત થયા છે.
સિવિલ હોસ્પિટલની હોસ્ટેલ-મેસ પર જ પ્લેન ક્રેશ થયાની ચર્ચા
પ્રાથમિક અહેવાલો પ્રમાણે આ પ્લેન ક્રેશ સિવિલ હોસ્પિટલની રેસિડેન્શિયલ હોસ્ટેલ અને મેસ પર પડ્યું હોવાનું કહેવાય છે. આ દરમિયાન એટલો મોટો ધડાકો થયો હતો કે, સિવિલ હોસ્પિટલનો સ્ટાફ અને દર્દીઓ પણ ગભરાઈ ગયા હતા. એટલું જ નહીં, અનેક દર્દીઓના બ્લડપ્રેશર પણ વધી ગયા છે. ફરજ પરના તબીબોએ પણ પુષ્ટિ કરી છે કે, ધડાકાના કારણે અનેક દર્દીઓની સ્થિતિ નાજુક છે.
- ઈજાગ્રસ્તોને તાત્કાલિક સરકારી હોસ્પિટલ ખાતે ખસેડાયા : કરુણ રકાસ
કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહની મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ સાથે ટેલિફોનિક વાતચીત
આ મામલે કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહે પણ ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને ફોન કરીને ઘટનાની સ્થિતિ વિશે જાણકારી મેળવી હતી. સીએમ હાલમાં સુરતમાં હતા અને તેઓ અમદાવાદ આવવા રવાના થઇ ગયા છે. બીએસએફની ટીમે ઘટનાસ્થળે પહોંચીને બચાવ કામગીરી હાથ ધરી છે. દુર્ઘટનાસ્થળેથી જેવી તસવીરો સામે આવી રહી છે તે વિચલિત કરી દે તેવી છે.
મુખ્યમંત્રી-ગૃહમંત્રી સુરતથી અમદાવાદ પહોંચ્યા
અમદાવાદમાં પ્લેન ક્રેશને લઈ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને જાણ કરાઇ છે. વિગતો મુજબ સીએમ ભૂપેન્દ્ર પટેલને તાત્કાલિક અસરથી ટેલિફોનિક જાણ કરવામાં આવી છે. આ તરફ હવે મુખ્યમંત્રીએ તમામ જરૂરી મદદ પૂરી પાડવા સૂચના આપી હતી. આ સાથે આરોગ્ય વિભાગને પણ જરૂરી સારવાર માટે વ્યવસ્થાઓ કરવા સૂચના આપી છે. આ તરફ હવે સીએમ ભૂપેન્દ્ર પટેલ સુરતથી અમદાવાદ આવવા રવાના થયા છે.
ફાયર બ્રિગેડ, પોલીસ, બીએસએફ દ્વારા બચાવ કાર્ય
આ દરમિયાન ઈજાગ્રસ્તોની સહાય માટે તાત્કાલિક ધોરણે ઈમરજન્સી રિસ્પોન્સ ટીમ પહોંચી ગઇ છે. આ વિમાનમાં કુલ 242થી વધુ મુસાફરો હોવાની માહિતી મળી રહી છે. આ ઘટનાની ગંભીરતા ધ્યાનમાં રાખીને ફાયર બ્રિગેડની ત્રણ ગાડીનો કાફલો, પોલીસ, એનડીઆરએફ અને બીએસએફ જવાનો પણ બચાવકાર્ય માટે પહોંચી ગયા છે અને ઈજાગ્રસ્તોને સિવિલ હોસ્પિટલ ખસેડાઈ રહ્યા છે.
પૂર્વ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી દુર્ઘટનાગ્રસેત ફ્લાઇટમાં હતા? : અવઢવ
સૂત્રો પાસેથી મળતી માહિતી અનુસાર આ વિમાનમાં ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણી હોવાના અહેવાલ હતા. પરંતુ પછીથી વિજયભાઈ રૂપાણીના પર્સનલ આસિસ્ટન્ટ શૈલેષભાઇ માંડલિયાએ પુષ્ટી કરી હતી કે, આ વિમાનમાં વિજય રૂપાણી હાજર નથી પરંતુ બીજી બાજુ વિજયભાઈ રૂપાણીની દુર્ઘટનાગ્રસ્ત ફ્લાઇટની ટિકિટ પણ ઝડપથી સોશિયલ મીડિયામાં વાયરલ થઇ રહી છે. રાજકોટ શહેર ભાજપ અગ્રણી નીતિનભાઈ ભારદ્વાજે પણ વિજયભાઈ દુર્ઘટનાગ્રસ્ત પ્લેનમાં જ હાજર હતા તેવું જણાવ્યું હતું.
એર ઇન્ડિયાની 171 ફ્લાઇટ ક્રેશ થતા હાલ એરપોર્ટ બંધ
અમદાવાદ શહેરના મેઘાણીનગર આઈજીપી કમ્પાઉન્ડમાં 171-એર ઇન્ડિયા બોઇંગ પ્લેન ક્રેશ થયું છે. આ પ્લેન 1.38 વાગ્યે ટેકઓફ થયું અને 1.40 વાગ્યે ક્રેશ થઈને આ પ્લેન બિલ્ડિંગમાં અથડાયું હતું. આ પ્લેનમાં 200 જેટલા પેસેન્જર અને કાર્ગો પણ હતું. આ અંગે અદાણી એરપોર્ટે નિવેદન જારી કર્યું છે. જેમાં કહ્યું છે કે, એર ઇન્ડિયાની 171 ફ્લાઇટ ક્રેશ થતા હાલ એરપોર્ટ બંધ છે. તમામ ફ્લાઇટ ઓપરેશન્સ કામચલાઉ રીતે બંધ કરવામાં આવ્યા છે. પેસેન્જર્સે તેમની ફ્લાઇટ્સ લેટેસ્ટ અપડેટ્સ ચેક કરી લેવી.
નરેન્દ્રભાઈ મોદી અને અમિતભાઇ શાહ અમદાવાદ આવવા રવાના
પ્રાપ્ત વિગત અનુસાર અત્યંત કરુણ બનાવને પગલે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી અને કેન્દ્રીય ગૃહ મંત્રી અમિતભાઈ શાહ તાબડતોડ અમદાવાદ આવવા રવાના થયા હોય તેવી વિગતો સામે આવી રહી છે. ઉલ્લેખનીય બાબત છે કે, પ્લેન ક્રેશમાં 200 થી વધુ લોકોને કાળ ભરખી ગયો હોય તેવા અહેવાલ પ્રાપ્ત થઈ રહ્યા છે.
- એર ઈન્ડિયાએ હેલ્પ લાઈન નંબર કર્યો જાહેર 18005691444
સવજીભાઇ ટીંબડીયા એરપોર્ટે મોડાં પહોંચતા જીવ બચ્યો
અમદાવાદ શહેરના મેઘાણીનગરની દિવાલ બાજુમાં આઇજીપી કમ્પાઉન્ડમાં 171-એર ઇન્ડિયા બોઇંગ પ્લેન ક્રેશ થયું હતું. જેમાં 242 જેટલા પેસેન્જરો સવાર હતા. પ્લેન ટેકઓફ થતાની બે મિનિટમાં જ ક્રેશ થયું હતું અને બિલ્ડીંગ સાથે અથડાયું હતું. આ દરમિયાન જાણવા મળ્યું કે એરપોર્ટે મોડાં પહોંચતા સવજીભાઇ ટીંબડીયા નામના વ્યક્તિનો જીવ બચી ગયો હતો. તેમણે જણાવ્યું હતું કે મારા મિત્ર બાબુભાઇ આ જ પ્લેનમાં સવાર હતા. હું મોડો પહોંચ્યો હતો. તેથી જઇ ન શક્યો. કહી શકાય કે ‘રામ રાખે તેને કોણ ચાખે’
6 પોર્ટુગલ અને 52 બ્રિટિશ નાગરિકો પણ સવાર હતા
અમદાવાદના સરદાર વલ્લભભાઈ પટેલ એરપોર્ટ પરથી લંડન જતી ફ્લાઈટ મેઘાણીનગરમાં જ ક્રેશ થયાની માહિતી સામે આવી છે. ત્યારે આ દુર્ઘટના કેવી રીતે થઇ તેની પણ પ્રાથમિક માહિતી સૂત્રો દ્વારા મળી છે. માહિતી મુજબ એર ઈન્ડિયાનું આ વિમાન ટેક ઓફ કરવા જતાં પાછળનો ભાગ એક વૃક્ષ સાથે અથડાયો હતો અને ત્યાર બાદ પ્લેન એક ઈમારત સાથે ટકરાયું હતું.વિમાનમાં કુલ 232 મુસાફરો સાથે 6 પોર્ટુગલ અને 52 બ્રિટિશ નાગરિકો સવાર હતા.
હોસ્પિટલની હોસ્ટેલમાં હાજર 50 ઈન્ટર્ન તબીબોના મોતની આશંકા
દુર્ઘટનાગ્રસ્ત પ્લેન ક્રેસ થતા પૂર્વે સરકારી હોસ્પિટલ નજીક આવેલ હોસ્ટેલ સાથે અથડાયું હતું. જે હોસ્ટેલમાં 50થી વધુ ઇન્ટર્ન તબીબો હાજર હોવાના અહેવાલ પ્રાપ્ત થઈ રહ્યા છે. આ તમામ તબીબોની બચવાની શક્યતા નહિવત હોવાનું જાણકાર વર્તુળોમાં ચર્ચા રહ્યું છે. જોકે હજુ સુધી આ અંગે પણ કોઈ સત્તાવાર માહિતી સામે આવી નથી.
અમદાવાદના ઇતિહાસની સૌથી મોટી પ્લેન દુર્ઘટના
વર્ષ 1988 ની 19 ઓક્ટોબરના રોજ મુંબઈથી અમદાવાદ આવેલી એર ઇન્ડિયાની ફ્લાઇટનું ક્રેશ લેન્ડિંગ થયું હતું. આ ફ્લાઇટમાં કુલ 135 મુસાફરો સવાર હતા જે પૈકી 133 લોકોના કરુણ મોત નીપજ્યા હતા. જે દુર્ઘટના બાદ આજે અમદાવાદમાં સર્જાયેલી દુર્ઘટના ઇતિહાસમા સૌથી કરુણ દુર્ઘટના છે.
સરદાર વલ્લભભાઈ પટેલ એરપોર્ટ પરથી અમદાવાદથી લંડન જતી એર ઈન્ડિયાની ફ્લાઈટ 1.38 વાગે ટેક ઓફ થઈ હતી. આંખના પલકારામાં બે મિનિટમાં જ વિમાનનો પાછળનો ભાગ વૃક્ષ સાથે અથડાયો હતો.
જેથી વિમાન બિલ્ડિંગ સાથે ટકરાઈ ક્રેશ થયુ હતું. વિમાન ધડાકાભેર ક્રેશ થતાં અનેક લોકો ઈજાગ્રસ્ત થયા છે.
ફ્લાઇટમાં 58 હજાર લિટર ઇંધણની હાજરી : ધડાકાના અવાજથી વિસ્તાર આખો ધ્રુજી ઉઠ્યો
પ્રાપ્ત વિગત અનુસાર દુર્ઘટના ગ્રસ્ત ફ્લાઈટમાં કુલ 58000 લિટર ઇંધણની હાજરી હતી. પ્લેન ક્રેશ થતાની સાથે મોટા ધડકાનો અવાજ સંભળાતા મેઘાણીનગર સહિતનો વિસ્તાર ધ્રુજી ઉઠ્યો હતો. દુર્ઘટનાગ્રસ્ત પ્લેન સિવિલ હોસ્પિટલની હોસ્ટેલ તેમજ આસપાસના રહેણાંક મકાન સાથે પણ અથડાયાની ચર્ચા છે.
પ્લેન ક્રેશ થવા પાછળનું કારણ અસ્પષ્ટ
પ્લેન ક્રેશ થવા પાછળનું કારણ હજુ સુધી સામે આવી શક્યું નથી. એક તરફ ટેકનિકલ ક્ષતિ ઉભી થતા પ્લેન ક્રેશ થયું હોય તેવા અહેવાલ સાંપડી રહ્યા છે, જ્યારે બીજી બાજુ પ્લેનનો પાછળનો હિસ્સો વૃક્ષ સાથે ધરાસાયી થયો હોય તેવી પણ વાત સામે આવી રહી છે. પરંતુ હાલ સુધી આ અંગે કોઈપણ સત્તાવાર જાહેરાત નહીં થતા આ તમામ બાબતો ફક્ત લોકમુખે ચર્ચાતી વાત સિવાય કશું જ નથી.
અમદાવાદના ઇતિહાસની સૌથી મોટી પ્લેન દુર્ઘટના
વર્ષ 1988 ની 19 ઓક્ટોબરના રોજ મુંબઈથી અમદાવાદ આવેલી એર ઇન્ડિયાની ફ્લાઇટનું ક્રેશ લેન્ડિંગ થયું હતું. આ ફ્લાઇટમાં કુલ 135 મુસાફરો સવાર હતા જે પૈકી 133 લોકોના કરુણ મોત નીપજ્યા હતા. જે દુર્ઘટના બાદ આજે અમદાવાદમાં સર્જાયેલી દુર્ઘટના ઇતિહાસમા સૌથી કરુણ દુર્ઘટના છે.