Abtak Media Google News

હિતેશ રાવલ, સાબરકાંઠા:

ઉત્તર ગુજરાતનું કાશ્મિર ગણાતા એવા પોળોના જંગલો તેના કુદરતી સૌદર્યના કારણે ગુજરાતીઓ તો ઠીક પણ દેશ-વિદેશના લોકો માટે પણ એક પ્રખ્યાત સ્થળ છે. એમાં પણ ખાસ કરીને છેલ્લા ત્રણેક વર્ષથી ઉજવાતા પોળો ઉત્સવમાં અનેક લોકો આ જંગલની મુલાકાતે આવે છે. જે દરમિયાન પ્રવાસીઓ પોતાની સાથે નાસ્તા અને અન્ય ચીજવસ્તુઓ પણ લઈને આવે છે. તેમા મોટા ભાગે પ્લાસ્ટીક બેગનો ઉપયોગ થાય છે. પણ હાલ સિંગલ યુઝ પ્લાસ્ટિકનો ઉપયોગ ટાળવાની સરકારની ઝુંબેશના ભાગરૂપે પોળોના જંગલોમાં પણ પ્લાસ્ટીક પર પ્રતિબંધ લાદવામાં આવ્યો છે.

પર્યાવરણ તેમજ વન્ય પ્રાણીઓને થતુ નુકશાન અટકાવવા પ્લાસ્ટીકના વેચાણ અને ઉપયોગ પર પ્રતિબંધ મુકવામાં આવ્યો છે. ખાસ કરીને પોળોઉત્સવના ભાગરૂપે આગામી ૧ જાન્યુઆરી, ૨૦૨૨ સુધી પ્લાસ્ટિક લઈ જઈ શકાશે નહીં..!! આ હુકમનો ભંગ કરનારને કલમ ૧૮૮ હેઠળ  શિક્ષાને પાત્ર થશે તેમ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા જાહેરનામું પ્રસિદ્ધ કરાયું છે.

આ સાથે જણાવવામાં આવ્યું છે જંગલ વિસ્તારને પ્રદૂષણમુક્ત બનાવવા અને ઈકો ટુરીઝમ વિકસાવવા ટુ વ્હીલર સિવાયના તમામ વાહનો પર પોળોમાં પ્રતિબંધ મુકાયો છે. પોળો વિસ્તારના શરણેશ્વર મંદિરના ફોરેસ્ટ નાકાથી વણજ ડેમ અને વણજ ડેમથી વિજયનગર તરફ જતા પ્રથમ ત્રણ રસ્તા સુધીના રોડ ઉપર ચાર પૈડા અને તેથી ભારે વાહનો પર પ્રતિબંધ મુકવા માં આવ્યો છે. ટુ વ્હીલ સિવાયના મોટા અને ભારે વાહનો ફોરેસ્ટ નાકાથી બહાર પાર્ક કરી પ્રવેશબંધીનું  જાહેરનામું જિલ્લા સમાહર્તા દ્રારા પ્રસિધ્ધ કરવામાં આવ્યું છે.

તેમજ મોજે અભાપુર- વિજયનગરના રહીશ શિષ્ય ભરતગીરી ગુરુઆત્માનંદગીરીના ખાનગી માલિકીના બિનખેતી સ. નંબર ૬૬માં પાર્કિંગ સુવિધા આપવા સંમત હોવાનું જણાવ્યું છે. આ જાહેરનામું આગામી તા. ૧૨ માર્ચ ૨૦૨૧ સુધી અમલમાં રહેશે. આ હુકમનો ભંગ કરનાર વ્યક્તિ ભારતીય દંડ સંહિતા કલમ ૧૮૮ હેઠળ દંડને પાત્ર થશે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.