- વડાપ્રધાન મોદીજીએ દેશમાં સામાજિક, આર્થિક અને રાજનીતિક ન્યાય એમ ત્રણેય ક્ષેત્રોને અનેક પ્રકારની ઉપલબ્ધિઓથી જોડીને ન્યાય અપાવવાનું કામ કર્યું : કેન્દ્રીય ગૃહ તેમજ સહકારિતા મંત્રી અમિત શાહ
- બાર કાઉન્સિલ ઓફ ગુજરાત દ્વારા આયોજિત નવા નોંધાયેલા વકીલોનો શપથગ્રહણ સમારોહ ગાંધીનગર ખાતે સંપન્ન : મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની પ્રેરક ઉપસ્થિતિ
કેન્દ્રીય ગૃહ તેમજ સહકારિતા મંત્રી અમિત શાહ
- પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીજીએ ત્રણ નવા અપરાધિક કાનૂનોનું બિલ સંસદની અંદર લાવીને દરેકને ન્યાયકેન્દ્રિત સમયસર ન્યાય મળે તે સુનિશ્ચિત કર્યું
- આપણા પૂર્વજોએ દૂરદર્શી, પારદર્શી અને સર્વ સમાવેશી સંવિધાન બનાવ્યું
- વકીલાત માત્ર વ્યવસાય નહીં બલ્કે સંવિધાન અને લોકતંત્રને મજબૂત કરવાની અને સંવિધાન દત્ત અધિકારોને નિર્વહન કરવાની ફરજ
- વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં દેશમાં ઇઝ ઓફ લિવિંગ, ઇઝ ડુઈંગ બિઝનેસ સાથે ઇઝ ઓફ જસ્ટિસ ને પ્રાધાન્ય આપવામાં આવ્યું: મુખ્યમંત્રી
મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ
- વકીલાતનો વ્યવસાય એ પીડિત લોકોને ન્યાય અપાવવાનો સેવા વ્યવસાય
- વિકસિત ભારત @2047ના નિર્માણમાં લીગલ ફેટરનીટીની ભૂમિકા મહત્વની બનશે
કેન્દ્રીય ગૃહ તેમજ સહકારિતા મંત્રી અમિત શાહ અને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની પ્રેરક ઉપસ્થિતિમાં અમદાવાદ ખાતે બાર કાઉન્સિલ ઓફ ગુજરાત દ્વારા આયોજિત નવા નોંધાયેલા વકીલોનો શપથગ્રહણ સમારોહ યોજાયો હતો.
અમિત શાહે જણાવ્યું હતું કે, આજનો આ કાર્યક્રમ ઐતિહાસિક છે. આજે 11 હજાર યુવા વકીલો સંવિધાનની રક્ષા અને નાગરિકોને ન્યાય અપાવવાની પ્રક્રિયા સાથે વ્યવસાયિક રૂપે જોડાવવાના છે અને બીજી રીતે આટલી વિશાળ સંખ્યામાં વકીલોને એક છત નીચે એકત્રિત કરવા એ પણ એક ઇતિહાસ જ છે. યુવા તેઓએ ધારાશાસ્ત્રીઓને હૃદય પૂર્વક અનંત શુભકામનાઓ પાઠવતા કહ્યું હતું કે આજથી આપ સૌ જે વ્યવસાય સાથે જોડાઈ રહ્યા છો એ માત્ર વ્યવસાય નહીં બલ્કે પવિત્ર ફરજ છે. સંવિધાન અને લોકતંત્રને મજબૂત કરવાની અને દેશની 140 કરોડ જનતાના શરીર, સંપત્તિ અને સન્માનની રક્ષાના સંવિધાન દત્ત અધિકારોને નિર્વહન કરવાની ફરજ એક ધારાશાસ્ત્રી તરીકે આપ સૌએ નિભાવવાની છે.
આપણા સંવિધાને 75 વર્ષ પૂર્ણ કર્યા છે અને એવા સમયે સંવિધાનના રક્ષણની પ્રક્રિયા સાથે જોડાવા જઈ રહ્યા છો. ભારતની સંસદે આ જ વર્ષે અપરાધિક ત્રણેય કાયદાઓમાં આમૂલચૂર પરિવર્તન કરી નવા કાયદાઓ અપનાવ્યા છે. ભારત વિશ્વની અર્થતંત્રના લિસ્ટમાં 5 માં નંબરે પહોંચી ગયું છે. ધારાશાસ્ત્રીઓનું યોગદાન દેશના નિર્માણમાં, દેશની આઝાદીમાં અને દેશના સંવિધાન નિર્માણમાં ખૂબ મહત્વ પૂર્ણ રહ્યું છે. આઝાદી આંદોલનના સમયનો અભ્યાસ કરીએ તો લાલા લજપતરાય, બાલગંગાધર તિલક, મહાત્મા ગાંધી, ભુલાભાઈ દેસાઈ, સરદાર પટેલ, રાજેન્દ્રબાબુ હોય કે ડૉ આંબેડકર હોય આ બધાજ આઝાદીના આંદોલનના લડવૈયાઓ પોતે વ્યવસાયે ધારાશાસ્ત્રી હતા. દૂરદર્શી, પારદર્શી અને સર્વ સમાવેશી સંવિધાન આપણા પૂર્વજોએ બનાવ્યું છે.
શાહે વધુમાં બાર કાઉન્સિલ અધ્યક્ષ જે.જે પટેલને અભિનંદન પાઠવતા જણાવ્યું કે, આટલું વિશાળ એક સાથે, એક સ્પીરિટ સાથે વિશાળ સંખ્યામાં ધારાશાસ્ત્રીઓનું મોબી લાઈઝેશન દેશભરમાં ક્યારેય નહીં થયું હોય જે આજે થયું છે. છેલ્લા એક દશકમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીજીએ દેશમાં સામાજિક ન્યાય, આર્થિક ન્યાય, અને રાજનીતિક ન્યાય એમ ત્રણેય ક્ષેત્રોમાં અનેક પ્રકારની ઉપલબ્ધિઓથી જોડીને ન્યાય અપાવવાનું કામ કર્યું છે. સામાજિક ન્યાયમાં ત્રિપલ તલાક સમાપ્ત કરી મુસ્લિમ મહિલાઓને સમાનતાનો અધિકાર આપ્યો. નવી શિક્ષા નીતિમાં સ્કિલબેઝ એજ્યુકેશન અને માતૃભાષામાં શિક્ષણથી યુવાનો અને કિશોરોને એજ્યુકેશનનો અધિકાર અપાવ્યો. આર્થિક ન્યાયના ક્ષેત્રમાં જેમ ટ્રિનિટી ૩૯ હજાર કાયદાઓના કોમ્પલાયસીસ સમાપ્ત કર્યા, બેંકોનું મર્જર, NPA ની સમસ્યાઓનું સમાધાન અને ભારતના અર્થતંત્રને વિશ્વના પાંચમાં નંબરનું અર્થતંત્ર બનાવવાનું કામ નરેન્દ્ર મોદીજીએ કર્યું છે.
વર્ષોથી લોકો જેની રાહ જોતા હતા તે આર્ટિકલ 370 સમાપ્ત કરવાનું કામ આપણા વડાપ્રધાન નરેન્દ્ર મોદીજીએ કર્યું છે. 10 વર્ષમાં બારથી વધુ સેટલમેન્ટ કરી સમગ્ર નોર્થિસ્ટમાં શાંતિ સ્થાપવાનું કાર્ય કર્યું અને નારી શક્તિ વંદન અધિનિયમથી આ દેશની માતૃશક્તિને કાયદા ઘડનાર સંસ્થાઓમાં 33% આરક્ષણ આપવાનું કાર્ય કર્યું. દેશની જનતાનો વિશ્વાસ હજુ સુધી ન્યાયતંત્રમાં અક્ષુણ છે પરંતુ જો ન્યાય મળવામાં 20-20 વર્ષ લાગી જતા હોય તો આ વિશ્વાસ લાંબો સમય ના ટકી શકે એટલા માટે આદરણીય નરેન્દ્ર મોદીજીએ ન્યાયકેન્દ્રિત સમયસર ન્યાય માટે ત્રણ નવા અપરાધિક કાનૂનોનું બિલ આ સંસદની અંદર લાવવાનું કામ કર્યું છે. કેટલીક પ્રક્રિયાઓને યુક્તિસંગત બનાવી, સમયસીમા નિર્ધારિત કરી છે, નાના – મોટા મામલાઓને સમરી ટ્રાયલ દ્વારા ઝડપથી પૂર્ણ કરવાની વ્યવસ્થા, આરોપની પહેલી સુનાવણી 60 દિવસમાં અને ચાર્જશીટ રજૂ થયા પછી 90 દિવસની અંદર જ તમામ તપાસ પૂર્ણ કરી ન્યાયની પ્રક્રિયા પૂર્ણ કરવાની તેમજ સમયમર્યાદા થી ન્યાયને ઝડપી બનાવવાનું કાર્ય કર્યું છે.
શાહે વધુમાં જણાવ્યું કે, આપ સૌ જે વ્યવસાય સાથે જોડાયા છો તે વ્યવસાય અનેક સમયે દેશના સંવિધાન, લોકતંત્ર અને દેશના ગરીબ નાગરિકોના અધિકારને બચાવવાનું કાર્ય કર્યું છે. કેટલાક જજમેન્ટો છે જેમાં વિદ્ધાન ધારાશાસ્ત્રીઓએ સુપ્રીમ કોર્ટની મદદ કરી દેશના કાયદાને આકાર આપવાનું કાર્ય કર્યું છે. બંધારણની મૂળ ભાવના એના સ્પીરિટનું રક્ષણ અને અધિકારોને છેવાડા સુધી પહોંચાડવાનું કાર્ય આ જ ન્યાયિક પ્રક્રિયાએ કર્યું છે. પવિત્ર વ્યવસાયમાં જોડાવા જઈ રહેલા તમામ ધારાશાસ્ત્રીઓને શાહે સંબોધનના અંતે અનેક શુભેચ્છાઓ પાઠવી હતી.
મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ
મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે બાર કાઉન્સિલ ઓફ ગુજરાતના શપથ લઇ રહેલા નવ યુવા વકીલોને ઉજ્જવળ કારકિર્દીની શુભેચ્છાઓ પાઠવી હતી.
મુખ્યમંત્રીએ સ્પષ્ટપણે જણાવ્યું કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં દેશમાં ઇઝ ઓફ લિવિંગ, ઇઝ ડુઈંગ બિઝનેસ સાથે ઇઝ ઓફ જસ્ટિસને પણ પ્રાધાન્ય આપવામાં આવ્યું છે.
આ સંદર્ભમાં મુખ્યમંત્રી એ કહ્યું કે લોકોને સરળતાથી અને ઝડપી ન્યાય મળે તેવા આ ઈઝ ઓફ જસ્ટિસ અભિગમમાં ન્યાયવિદો અને વકીલોનું યોગદાન મહત્વપૂર્ણ છે.
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આ વર્ષ બંધારણના અંગીકરણનું 75 મુ વર્ષ અમૃત વર્ષ છે તેનો વિશેષ ઉલ્લેખ કરતા કહ્યું કે 1950માં બંધારણ અમલમાં આવ્યું પરંતુ દેશમાં કાયદાઓ તો અંગ્રેજ શાસનથી ચાલ્યા આવતા કાયદા જ રહ્યા હતા.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વ અને ગૃહ મંત્રી અમિત શાહના દિશા દર્શનમાં કાયદા સુધારણા ક્ષેત્રે મહત્વપૂર્ણ કામ થયું છે એમ પણ તેમણે ઉમેર્યું હતું.
મુખ્યમંત્રીએ આ અંગેની વિસ્તૃત ભૂમિકા આપતા જણાવ્યું કે ગુલામીની માનસિકતામાંથી દેશને મુક્ત કરાવવાની નેમ સાથે આઝાદી પછી પહેલીવાર દંડના સ્થાને ન્યાય અપાવવા માટેના કાયદા આવ્યા છે.
તેમણે આ વિશે એ કહ્યું કે ભારતીય ન્યાય સંહિતા, ભારતીય નાગરિક સુરક્ષા અને ભારતીય સાક્ષ્ય અધિનિયમ અમલી થયા છે.એટલું જ નહીં આ ત્રણેય કાયદાઓ ભારતીય પરિપેક્ષ પ્રમાણે ન્યાય મળે તે સુનિશ્ચિત કરનારા કાયદાઓ છે એમ મુખ્યમંત્રી ઉમેર્યું હતું.
મુખ્યમંત્રીએ શપથ લઇ રહેલા નવયુવાન વકીલોને સૌભાગ્યશાળી ગણાવતા કહ્યું કે, દેશમાં ત્રણ કાયદાઓના સુધારાનું ઐતિહાસિક કાર્ય કરનારા ગૃહ મંત્રીની ઉપસ્થિતિમા શપથ લઈને કાયદા ક્ષેત્રે લોક સેવાની તક વકીલોને મળી છે.
મુખ્યમંત્રીએ વકીલાત નો વ્યવસાય એ નાના વ્યક્તિ , પીડિત લોકોને ન્યાય અપાવવાનો સેવા વ્યવસાય છે તેમ જણાવતા કહ્યું કે વકીલોની સલાહ અને માર્ગદર્શન મુજબ જે તે વ્યક્તિ કોર્ટ સમક્ષ કેસ દાખલ કરે છે.
આ અંગે તેમણે વધુમાં કહ્યું કે લોકોનો ન્યાય પાલિકા માં વિશ્વાસ અને ભરોસો જળવાઈ રહે તેનું પ્રથમ પગથિયું વકીલાત નો વ્યવસાય છે.
ભુપેન્દ્ર પટેલે વિકસિત ભારત @2047 ના નિર્માણમાં લીગલ ફેટરનીટીની ભૂમિકા મહત્વની બનશે એવો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો.
તેમણે જણાવ્યું કે બદલાતા સમય સાથે વૈશ્વિક પરિપેક્ષ્યમાં ક્ષમતાઓનું વિસ્તરણ પણ સરકારે કર્યું છે.
કોર્ટસમાં ડિજિટલ ઈન્ફ્રાસ્ટ્રક્ચર સતત વધારી રહ્યા છીએ.
વર્ચ્યુઅલ કોર્ટ, ડિજિટલ પોર્ટલ, પેપરલેસ, ઈ-ફાઇલિંગ જેવા આયામોથી બધા જ સ્ટેક હોલ્ડર્સને ડિજિટલ એક્સેસ સરળ બન્યુ છે તેની પણ વિગતો મુખ્યમંત્રી આપી હતી.
મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે ન્યાયપાલિકા, બાર કાઉન્સિલ અને સરકાર વચ્ચેના સહયોગની ઉજ્વળ પરંપરા આગળ ધપાવવા પણ આ તકે અનુરોધ કર્યો હતો.
આ પ્રસંગે કાયદા મંત્રી ઋષિકેશ પટેલ, સાંસદ તેમજ બાર કાઉન્સિલ ઓફ ઈન્ડિયાના અધ્યક્ષ મનનકુમાર મિશ્રા, ભારતના સોલિસિટર જનરલ તુષાર મહેતા, એડવોકેટ જનરલ કમલ ત્રિવેદી, ગુજરાત બાર કાઉન્સિલ અધ્યક્ષ જે.જે પટેલ, ઉપાધ્યક્ષ એમ. સી. કામદાર, સદસ્ય ડી. કે. પટેલ સહિત બહોળી સંખ્યામાં બાર કાઉન્સિલના સભ્યો તેમજ ધારાશાસ્ત્રીઓ ઉપસ્થિત રહ્યા હતા.