પીએમ મોદીએ 36 કલાકમાં 5 હજાર કિ.મી મુસાફરી કરી પાંચ રાજ્યોને ‘ખેડી’નાંખશે!

ઉત્તર-પૂર્વીય રાજ્યોમાં ભાજપનો ભગવો લહેરાવવા જે.પી. નડ્ડા, અમિત શાહ, રાજનાથસિંહ સહિતના નેતાઓ મેદાનમાં!! 

 વડાપ્રધાન મોદીની આગેવાનીવાળી ભાજપ સરકારે લગભગ દેશના તમામ ખૂણાઓમાં ભાજપની સત્તા કાયમ કરી છે પરંતુ હજુ ઉત્તર-પૂર્વીય રાજ્યોમાં ભાજપની પકડ વધુ મજબૂત બનાવવાની જરૂરિયાત હોય ત્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદી, ગૃહમંત્રી અમિત શાહ અને ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જે.પી.નડ્ડા મેદાનમાં આવ્યા છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી ફક્ત 36 કલાકમાં પાંચ હજાર કિલોમીટરની મુસાફરી કરી પાંચ રાજ્યોમાં સાત મોટી સભાઓ સંબોધન  કરી ભાજપને સતાની કમાન અપાવવા પ્રયત્નો કરશે.

વડાપ્રધાન નરેન્દ્ર મોદી બે દિવસમાં કુલ 5 હજાર કિલોમીટરની મુસાફરી કરીને પશ્ચિમ બંગાળ, તમિલનાડુ, આસામ અને કેરેલામાં કુલ સાત મોટી સભાનું સંબોધન કરનાર છે. ખૂબ જ મહત્વપૂર્ણ બાબત છે કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદી જ્યાં જ્યાં ચૂંટણી સભાઓનું સંબોધન કરે છે ત્યાં ભાજપને મોટાભાગે ફાયદો મળતો હોય છે. તેવા સમયે ઉત્તર-પૂર્વીય રાજ્યોમાં વડાપ્રધાન મોદીની સભા ભાજપને ફાયદો કરાવી દે તેવી શક્યતાઓ હાલના તબક્કે પ્રબળ બની છે.

ભાજપના મુખ્ય પ્રવકતા અને રાજ્યસભાના સાંસદ અનિલ બાલુનીએ કહ્યું હતું કે, શુક્રવારે વડાપ્રધાન નરેન્દ્ર મોદી તમિલનાડુ અને કેરાલામાં એક-એલ રેલીમાં ભાગ લઈને સભાનું સંબોધન કરનાર છે. જે બાદ શનિવારે વડાપ્રધાન નરેન્દ્ર મોદી પશ્ચિમ બંગાળ અને અસમની મુલાકાતે જનાર છે. હાલ સુધીમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ 16 જેટલી રેલીમાં ભાગ લઈને પાંચ રાજ્યોમાં ચૂંટણી પ્રચાર કરી ચુક્યા છે. તેમણે વધુમાં કહ્યું હતું કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદી ફક્ત 36 કલાકમાં 5000 કિલોમીટરની મુસાફરી કરીને પાંચેય રાજ્યોમાં ચૂંટણી પ્રચાર કરનાર છે. ભાજપના તમામ કાર્યકરો વડાપ્રધાન નરેન્દ્ર મોદીની આ મહેનત અને ઉત્સાહને સલામ કરે છે. તેમણે કહ્યું હતું કે પક્ષના વરિષ્ઠ નેતાઓ દ્વારા પાંચ રાજ્યોમાં કરાઈ રહેલા ચૂંટણી પ્રચારના કારણે ભાજપને ખૂબ મોટો ફાયદો થનાર છે ભાજપની જીતમાં વરિષ્ઠ નેતાઓનો પ્રચાર ચાવી રૂપ હોય છે

પક્ષના અન્ય વરિષ્ઠ નેતાઓ જેમ કે, રાષ્ટ્રીય અધ્યક્ષ જે.પી.નડ્ડા, ગૃહમંત્રી અમિત શાહ, સંરક્ષણમંત્રી રાજનાથસિંહ સહિતના નેતાઓ પાંચેય રાજ્યોમાં ચૂંટણી સભાઓ ગજાવી રહ્યા છે. વરિષ્ઠ નેતાઓનો ચૂંટણી પ્રચાર ભાજપ માટે આશીર્વાદરૂપ પણ સાબિત થઇ શકે છે. ભાજપ માટે ઉત્તર-પૂર્વીય રાજ્યોમાં જીત હાંસલ કરવી અતિ જરૂરી છે. ઉત્તર-પૂર્વીય રાજ્યો હંમેશાથી ભાજપ માટે થોડા અઘરા સાબિત થતાં આવ્યા છે તેવા સમયે જો ઉત્તર-પૂર્વીય રાજ્યોની ચૂંટણીમાં ભાજપ સતા પર આવે તો ભાજપ માટે આ જીત સૌથી મોટી જીત ગણી શકાય છે. ત્યારે પાર્ટીના નાનામાં નાના કાર્યકર થી માંડીને મોટામાં મોટા નેતાઓ પણ આ રાજ્યોની ચૂંટણી જીતવા માટે મેદાનમાં આવ્યા છે.