વડાપ્રધાનના નેતૃત્વમાં અંબાજીથી ઉમરગામના આદિવાસીઓની ચિંતા કરાઇ: સાંસદ રમીલાબેન બારા

સાબરકાંઠામાં સેવા સુશાસન ગરીબ કલ્યાણ અભિયાન અંતર્ગત વિવિધ કાર્યક્રમો યોજાશે

વૈશ્વીક પટલ પર સુશાસન દ્વારા હિંદુસ્તાનની આગવી ઓળખ પ્રસ્થાપિત કરનાર વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ 31 મેના રોજ સેવા, સુશાસન, ગરીબ કલ્યાણ અને દ્રઢ નિશ્વય દ્વારા શાસનના 8 વર્ષ પુર્ણ કર્યા છે. ત્યારે સાબરકાંઠા જીલ્લા ભાજપ પ્રમુખ જે.ડી. પટેલ અને રાજય સભાના સાંસદ રમીલાબેન બારા તેમજ સાબરકાંઠા જીલ્લા પંચાયત પ્રમુખ ધીરજભાઈ પટેલની ઉપસ્થિતિમાં હિંમતનગર ખાતે કેન્દ્ર સરકારની 8 વર્ષની કામગીરીનો રિપોર્ટ લોંચ કરાયો હતો. જેમાં જીલ્લાની જનતાને સરકાર દ્વારા મળેલી અને મળનાર સેવાઓ અને યોજનાઓ સંદર્ભે યોજાનારા વિવિધ કાર્યક્રમો અંગેની જાણકારી જીલ્લા ભાજપ પ્રમુખે પત્રકાર પરિષદમાં આપી હતી.

જીલ્લા ભાજપ પ્રમુખ જે.ડી. પટેલે પત્રકાર પરિષદને સંબોધતા જણાવ્યુ હતું કે સેવા, સુશાસન, ગરીબ કલ્યાણ, નવિનતા અને દ્રઢ નિશ્ચય દ્વારા વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીએ તેમના શાસનના 8 વર્ષ પુર્ણ કર્યા છે. સરકાર દ્વારા પ્રધાનમંત્રી માતૃત્વ વંદના યોજનામાં ગર્ભવતી મહિલા અને ધાત્રી માતાઓને, આયુષ્યમાન કાર્ડ દ્વારા કરોડો લોકોને વિનામૂલ્ય સારવારની સુવિધા ઉપરાંત 130 કરોડના આપણા દેશમાં કોરોનાની મહામારી દરમ્યાન 190 કરોડથી વધુ કોરોના રસીના ડોઝ અપાવીને વેક્સીનેશનમાં પણ વૈશ્વીક સિધ્ધિ હાસલ કરી છે. તેમણે જણાવ્યુ હતું કે ભારતમાં ગરીબી રેખાથી નીચે આવતા લોકોમાં 12 ટકાનો ઘટાડો નોંધાયો છે જે બહુ મોટી વાત છે. અનેક સદીઓથી આંદોલનો દ્વારા શ્રીરામ જન્મ ભુમિનો મુદ્દો અને કાશ્મીરમાંથી કોઈપણ જાતના સંઘર્ષ કે રક્તનું ટીપુ વહ્યા વિના કલમ-300 હટાવીને કાશ્મીરને દેશની મુળધારા સાથે જોડવા સહિતના અનેક કાર્યો મોદી સરકારમાં થયા હોવાની માહિતી આપી હતી.