પીઓ લેકીન રખો હિસાબ……..ગુજરાતમાં દર મિનિટે દારૂની 11 બોટલ પકડાઇ

બહારના  રાજયમાંથી આવતા તમામ વાહનો ચેક કરવા શકય નથી: ડી.જી.પી. આશિષ ભાટીયા

દારૂ પકડાવાની સરખામણીએ પીવાનું પ્રમાણ અનેક ગણુ વધુ !!

ગાંધીના ગુજરાતમાં દારૂબંધીનો કડક અમલ કરાવવામાં તંત્ર ઉણું  ઉતર્યું છે.ત્યારે વર્ષ 2021માં દર એક મિનિટે 11 દારૂની બોટલો પકડાય છે. ત્યારે ગુજરાતમાં દારૂ પકડાવાની સરખામરીએ દારૂ ઘુસાડવાનું અને પીવાનું પ્રમાણ અનેક ગણું વધી રહ્યું છે.   બહારના  રાજયમાંથી  આવતા તમામ  વાહનો ચેક કરવા શકય  ન હોવાથી  ગુજરાતમાં દારૂ ઘુસાડવામા આવે છે.   બાતમીદારોની મદદથી દારૂ પકડવો  શકય બનતો હોવાનું  રાજયના પોલીસ વડા આશિષ ભાટીયાએ જણાવ્યું છે.

છેલ્લાં બે વર્ષ કોવિડ-19 રોગચાળાથી પ્રભાવિત હોવા છતાં ડ્રાય સ્ટેટ ગુજરાત દારૂની દાણચોરીનું સાક્ષી બની રહ્યું છે. જે દારૂ ઝડપાયાના આંકડા પરથી આ સ્પષ્ટ થાય છે. વર્ષ 2021માં દર મિનિટે સરેરાશ 11 બોટલ ભારતીય નિર્મિત વિદેશી દારૂ (IMFL) જપ્ત કરવામાં આવી હતી. ગુજરાત પોલીસના આંકડાઓ અનુસાર પોલીસે 2020માં રૂ. 115 કરોડનો દારૂ જપ્ત કર્યો હતો જે 2021માં વધીને રૂ. 124 કરોડ થઈ ગયો. આ જપ્તીમાં દેશી દારૂ અને IMFL બંનેનો સમાવેશ થાય છે.IMFLની શ્રેણીમાં 2020માં રૂ. 114 કરોડની કિંમતની 45.15 લાખ દારૂની બોટલો જપ્ત કરવામાં આવી હતી જે 2021માં વધીને રૂ. 122 કરોડની કિંમતની 57.12 લાખ દારૂની બોટલો થઈ ગઈ હતી, એમ પોલીસના સૂત્રોએ જણાવ્યું હતું. રાજ્ય પોલીસે 2020માં રૂ. 1.95 કરોડની કિંમતનો 11.59 લાખ લિટર દારૂ અને 2021માં રૂ. 2.30 કરોડનો 17.54 લાખ લિટર દારૂ જપ્ત કર્યો હતો.

ગુજરાત પોલીસના એક અધિકારીએ જણાવ્યું હતું કે, 2020માં ગુજરાત પોલીસે રાજ્યભરમાં દારૂની જપ્તી માટે પ્રતિબંધ અધિનિયમ હેઠળ 1.53 લાખ કેસ દાખલ કર્યા હતા જે 2021માં વધીને 1.69 લાખ થઈ ગયા હતા. અધિકારીએ વધુમાં જણાવ્યું કે, 2020માં લગભગ 1.64 લાખ અને 2021માં 1.67 લાખ આરોપીઓ બુટલેગિંગના આરોપ હેઠળ પકડાયા હતા. અધિકારીએ ઉમેર્યું કે, લગભગ ત્રણ મહિનાના લોકડાઉનને કારણે 2020માં દારૂની જપ્તી અને તેના કેસો ઓછા હતા.

2021માં કોવિડના વધતા કેસોને કારણે નિયંત્રણો હોવા છતાં પરિવહન પર કોઈ નિયંત્રણો નહોતા તેથી દારૂ ડ્રાય સ્ટેટમાં વહેતો રહ્યો. આંકડાઓ અનુસાર દારૂ પકડવાના કેસમાં હજુ પણ 21,583 આરોપીઓ ફરાર છે. વર્ષ 2019ની વાત કરવામાં આવે તો તે વર્ષે ગુજરાત પોલીસ દ્વારા રૂ. 215 કરોડની કિંમતની IMFL અને દેશી દારૂની લગભગ 68 લાખ બોટલો જપ્ત કરવામાં આવી હતી.

ગુજરાતના ડીજીપી આશિષ ભાટિયાએ જણાવ્યું કે, ’પોલીસની સતર્કતાને કારણે દારૂ પકડવાના કેસમાં વધારો થયો છે.’ ગુજરાતમાં દારૂની હેરાફેરી અંગેના પ્રશ્નના જવાબમાં ભાટિયાએ કહ્યું કે, ’રાજ્યમાં આવતી દરેક ટ્રકની તપાસ કરવી માનવીય રીતે અશક્ય છે. પરંતુ અમે સતર્ક રહીએ છીએ અને હ્યુમન ઈન્ટેલિજન્સ અને ઇનપુટ્સની મદદથી દારૂ માફિયાઓ પર નજર રાખીએ છીએ.’